Comments

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોમાં વધારો થયો છે!

તે માત્ર ક્રિકેટ જ નથી. શીત યુદ્ધના અંતથી અને 1991માં ભારતના આર્થિક સુધારાની શરૂઆતથી, ભારત અને ઓસ્ટ્રેલિયાએ બંને રાષ્ટ્રો વચ્ચે ગાઢ સંબંધોનો વિકાસ જોયો છે. ઉચ્ચ શિક્ષણ માટે ઓસ્ટ્રેલિયા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. તો વળી, વિકસતા પર્યટનમાં પણ ઉછાળો આવી રહ્યો છે જેણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સમયની સાથે વર્તમાન આર્થિક જોડાણની સાથે વ્યૂહાત્મક સંબંધોની દિશામાં સંબંધો વિકસિત થયા છે.

તેની પાછળ પણ ચીનનું પરિબળ પણ એક કારણે છે. ઓસ્ટ્રેલિયાએ ચીનની ટેલિકોમ કંપની હુવેઈને 5G નેટવર્કથી પ્રતિબંધિત કર્યા બાદ 2018માં ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા. બાદમાં, ઓસ્ટ્રેલિયાએ કોવિડ-19ની ઉત્પત્તિ અંગે તપાસ કરવાની હાકલ કરી અને શિનજિયાંગ અને હોંગકોંગમાં ચીનના માનવાધિકારના રેકોર્ડની ટીકા કરી. ચીને ઓસ્ટ્રેલિયન નિકાસ પર વેપાર અવરોધો લાદીને અને તમામ મંત્રી સ્તરીય સંપર્કને કાપીને જવાબ આપ્યો હતો.

ભારત પણ સરહદ પર આક્રમક ચીની સેનાનો સામનો કરી રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા 2013થી ચીનના પડકારનું મૂલ્યાંકન કરી રહ્યા છે. ચીન પરિબળ બંને દેશો વચ્ચે વધતી જતી સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીને સમજાવે છે, જો કે બંને જાહેરમાં વધુ કહેવા માટે અનિચ્છા ધરાવે છે. બંને લોકશાહી દેશો તેમના સહકારને નવી વ્યવસ્થાઓ તરફ લઈ ગયા છે, જેમાં ક્વાડ (અમેરિકા અને જાપાન સાથે) ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનને નિયંત્રીત કરવા માટે. બંને દેશની સેનાઓએ 2022માં ઘણી સંયુક્ત કવાયત કરી હતી.

ઓસ્ટ્રેલિયા ઓગસ્ટમાં પર્થના દરિયાકાંઠે ‘માલાબાર’ કવાયતમાં ભારત, જાપાન અને યુએસ સાથે લશ્કરી કાર્યવાહીનું આયોજન કરશે. તેણે ભારતને આ વર્ષના અંતમાં તાલિસ્માન સાબરે કવાયતમાં જોડાવા માટે પણ આમંત્રણ આપ્યું છે. ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત પછી, મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે બંને દેશો વચ્ચેની ઉગ્ર પણ મૈત્રીપૂર્ણ રમતની દુશ્મનાવટ વિશે ટ્વિટ કર્યું હતું. ‘આ હરીફાઈના કેન્દ્રમાં સાચું આદર છે, જે આપણા લોકો વચ્ચેના સ્નેહ અને મિત્રતાને પ્રતિબિંબિત કરે છે. મેદાન પર, ઓસ્ટ્રેલિયા અને ભારત વિશ્વમાં શ્રેષ્ઠ બનવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. મેદાનની બહાર, અમે વધુ સારી દુનિયા બનાવવા માટે સહકાર કરી રહ્યા છીએ’, એમ તેમણે કહ્યું હતું.

2017માં માલ્કમ ટર્નબુલ બાદ ભારતની દ્વિપક્ષીય મુલાકાત લેનારા અલ્બેનીઝ તેમના દેશના પ્રથમ વડા પ્રધાન છે. મોદી અને અલ્બેનીઝ ગયા વર્ષે ત્રણ વખત મળ્યા હતા. 2022 અને 2023માં ઉચ્ચ-સ્તરીય જોડાણો અને મંત્રી સ્તરીય મુલાકાતો થઈ હતી. સપ્ટેમ્બર 2014 માં, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબોટે ભારતની મુલાકાત લીધી હતી અને તે વર્ષે નવેમ્બરમાં, મોદી 1986માં રાજીવ ગાંધી પછી ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા હતા.

મોદી ઓસ્ટ્રેલિયાની સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય વડા પ્રધાન પણ બન્યા. જૂન 2020માં ભારત-ઓસ્ટ્રેલિયા લીડર્સ વર્ચ્યુઅલ સમિટમાં, મોદી અને વડા પ્રધાન સ્કોટ મોરિસને 2009માં પૂર્ણ થયેલી વ્યૂહાત્મક ભાગીદારીમાંથી દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (સીએસપી)માં ઉન્નત કર્યા હતા. મોદી અને મોરિસને 2021માં ત્રણ વખત ફોન પર વાત કરી હતી અને વોશિંગ્ટનમાં અને ગ્લાસગોમાં સીઓપી-26 ક્લાઈમેટ શિખર સંમેલનમાં રૂબરૂ મળ્યા હતા. માર્ચ 2022માં બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટમાં, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની કુશળતા અને ગતિશીલતાના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા સહિતની ઘણી મુખ્ય ઘોષણાઓ કરવામાં આવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયાએ ઇકોનોમિક કોઓપરેશન ટ્રેડ એગ્રીમેન્ટ (ઈસીટીએ) પર સહી કરી હતી – એક દાયકામાં ભારત દ્વારા વિકસિત દેશ સાથે પ્રથમ મુક્ત વેપાર કરાર. તે ડિસેમ્બર 2022 થી અમલમાં આવ્યો. આના પરિણામે ઓસ્ટ્રેલિયામાં ભારતીય નિકાસના 96 ટકા મૂલ્ય (જે ટેરિફ લાઇનના 98 ટકા છે) પર તાત્કાલિક ડ્યુટી ઘટાડીને શૂન્ય કરવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયાની ભારત માટે નિકાસ પર 85ટકા પર શૂન્ય ડ્યૂટી કરાઈ હતી. અગાઉ, દ્વિપક્ષીય વેપાર 7.5 બિલિયન હતો. ઈસીટીએ હેઠળ, પાંચ વર્ષમાં તે લગભગ 50 બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાની સંભાવના છે.

ઓસ્ટ્રેલિયામાં કુશળ ઇમિગ્રન્ટ્સ માટે ભારત ટોચના સ્ત્રોતોમાંનું એક છે. 2021ની વસ્તી ગણતરી મુજબ, ઑસ્ટ્રેલિયામાં લગભગ 9.76 લાખ લોકોએ તેમના વંશની જાણ ભારતીય મૂળ તરીકે કરી હતી, જે તેમને ઓસ્ટ્રેલિયામાં વિદેશમાં જન્મેલા રહેવાસીઓનો બીજો સૌથી મોટો સમૂહ બનાવે છે. ભારતની 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઓસ્ટ્રેલિયન સરકારે દેશભરમાં 40થી વધુ ઈમારતો પર લાઈટીંગ કરી હતી, અને વડા પ્રધાન અલ્બેનિસે વ્યક્તિગત વિડિયો સંદેશ જારી કર્યો હતો.

તે જ સમયે, ભારત માટે ચિંતાના ક્ષેત્રો છે. ઓસ્ટ્રેલિયામાં મંદિરો પરના હુમલાના મુદ્દાને ઉઠાવવાના મોદીના નિર્ણયે બતાવ્યું કે ભારત ખાલિસ્તાની તત્વોની ગતિવિધિઓથી ચિંતિત છે. જ્યારે અલ્બેનીઝે ખાતરી આપી હતી કે સ્થાનિક કાયદાઓ અનુસાર પગલાં લેવામાં આવશે, ત્યારે ઓસ્ટ્રેલિયન પક્ષ માને છે કે તેના નાગરિકોના વિરોધ કરવાના અધિકારને જાળવી રાખવા અને હિંસામાં સામેલ લોકો પર કાર્યવાહી કરવાના હક વચ્ચે સંતુલન જરૂરી છે.     
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top