Comments

ભક્તની ખુશી

એક ભગવદ્ ભક્ત રાતદિવસ ભગવાનનું નામ લે અને હરિભક્તિમાં વ્યસ્ત રહે. એક વખત તેણે નિયમ લીધો કે તે સતત રોજ સવારે ચાર વાગે ઊઠી સ્નાન કરી ગીતાનો પાઠ કરશે અને તેણે સતત ૧૨ વર્ષ  સુધી આ ગીતાનો પાઠ કર્યો અને સતત કરતો રહ્યો. તેણે કોઈ ફળની આશા કર્યા વિના પાઠ કરતો જ રહ્યો. એક દિવસ રાત્રે તેને મળવા દેવદૂત  આવ્યા.ભક્ત દેવદૂતને જોઇને રાજી રાજી થઈ ગયો, પણ દેવદૂત  બધી ખુશી દૂર થઇ જાય એવી વાત કરી.દેવદૂતે કહ્યું, ‘ભક્ત તું છેલ્લાં બાર વર્ષથી સતત ગીતાનો પાઠ કરે છે પણ હું તને કહેવા આવ્યો છું કે એ છેલ્લાં ૧૨ વર્ષના ગીતાના પાઠનું કોઈ ફળ તને મળવાનું નથી. તે બધા પાઠ નકામા જ ગયા છે.’

દેવદૂતને એમ કે આ વાત સાંભળી ભક્ત દુઃખી થઇ જશે.નિરાશ થશે.પાઠ કરવાનું છોડી દેશે. પણ ભક્ત તો બિલકુલ દુઃખી ન થયો અને તેની આંખોમાં આંસુની ધાર વહેવા લાગી અને તે પોતાની મસ્તીમાં નાચવા લાગ્યો.નાચતો જ રહ્યો અને ઘણી વાર સુધી નાચતો જ રહ્યો અને બીજે દિવસે સવારે સ્નાન કરી નિયમ મુજબ ગીતાનો પાઠ કરવા લાગ્યો.તે દિવસે રાત્રે વળી દેવદૂત આવ્યા અને ભક્તને પૂછવા લાગ્યા, ‘અરે, ભક્ત તને મેં કાલે જ કહ્યું કે તારા આ પાઠનું કોઈ ફળ તને મળવાનું નથી.

છતાં તે આજે પણ પાઠ કર્યો.ભગવાને ખાસ તારા માટે સંદેશો મોકલાવ્યો છે કે આ પાઠ કરવાનો કોઈ અર્થ નથી. તને કોઈ ફળ મળવાનું નથી.’ભક્ત તો આજે પણ ખુશ થઇને નાચવા લાગ્યો. દેવદૂત બોલ્યા, ‘ભક્ત, શું તું દુઃખમાં પાગલ થઇ ગયો છે કે પાઠનો સ્વીકાર નથી થયો એમ કહું છું છતાં રાજી થાય છે?’ ભક્ત નાચતાં નાચતાં બોલ્યો, ‘અરે, હું શું કામ દુઃખી થાઉં? હું તો એટલે જ ખુશ છું કે હું છેલ્લાં બાર વર્ષથી પાઠ કરું છું એની જાણ તો મારા પ્રભુને છે.ભલે મારા પાઠનું કોઈ ફળ ન મળે.મને કંઈ નથી જોઈતું. મારા કરેલા પાઠ પ્રભુના કાને પડ્યા, બસ એટલું જ મારા માટે પૂરતું છે. મારા પાઠ મારો ભગવાન સાંભળે છે એટલું જ બસ છે…..’ દેવદૂતે ભક્તની ખુશીમાં ચમકતી સાચી ભક્તિને નમન કર્યા. 
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top