ભારત આજે 15 ઓગસ્ટ 2026ના રોજ પોતાના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યું છે. દેશભરમાં દેશભક્તિના રંગો જોવા મળ્યા ત્યારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર સ્વાતંત્ર્ય પર્વનો મુખ્ય રાષ્ટ્રીય સમારોહ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવી દેશને સંબોધન કર્યું. આ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું. ખાસ કરીને ‘વંદે માતરમ’ની ગૂંજ, તિરંગાની શાન અને PM મોદીના ખાસ બંધેજ સાફાએ સૌનું ધ્યાન ખેંચ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વાતંત્ર્ય દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 13મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ સાથે લાલ કિલ્લા પરથી સતત 13 વખત ધ્વજવંદન કરવાનો તેમનો રેકોર્ડ યથાવત રહ્યો. ધ્વજવંદન દરમિયાન સૈન્યની 1721 ફીલ્ડ બેટરી (સેરેમોનિયલ)ના બહાદુર ગનર્સે 21 તોપોની સલામી આપી અને સમગ્ર સમારોહની ભવ્યતા વધારી.તિરંગો લહેરાવાની સાથે જ લાલ કિલ્લાની આસપાસ દેશભક્તિનું વાતાવરણ સર્જાયું. રાષ્ટ્રગૌરવ, દેશભક્તિ અને ભારતની વિકાસયાત્રાનો સંદેશ સમગ્ર સમારોહમાં સ્પષ્ટ જોવા મળ્યો.
PM મોદીના ‘બંધેજ’ સાફાએ ખેંચ્યું ધ્યાન
આ વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન મોદીની ખાસ વેશભૂષા પણ ચર્ચામાં રહી. સ્વાતંત્ર્ય દિવસના સમારોહમાં તેઓ મેરૂન રંગના સાફા સાથે પીળા અને સફેદ બંધણી પેટર્નમાં જોવા મળ્યા. વડાપ્રધાનની સ્વાતંત્ર્ય દિવસની ખાસ પાઘડી-સાફાની પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી લોકોનું ધ્યાન ખેંચતી રહી છે.2014માં લાલ કિલ્લા પરથી પ્રથમ સ્વાતંત્ર્ય દિવસના સંબોધન વખતે પણ PM મોદી ખાસ પ્રકારની પાઘડીમાં જોવા મળ્યા હતા. ત્યારથી લગભગ દર વર્ષે તેમની પાઘડી કે સાફાના રંગ, ડિઝાઇન અને શૈલીમાં અલગ અંદાજ જોવા મળ્યો છે. વિવિધ પ્રસંગોએ તેમણે રાજસ્થાન તથા પશ્ચિમ ભારતની પરંપરાગત કાપડ શૈલીથી પ્રેરિત રંગીન પાઘડીઓ પણ પહેરી છે.આ વર્ષે બંધણી પેટર્નવાળો સાફો ભારતીય પરંપરા અને સ્થાનિક કાપડ સંસ્કૃતિ સાથે જોડાયેલો દેખાયો.લાલ કિલ્લાના ઐતિહાસિક વાતાવરણમાં પરંપરાગત લુકે સમારોહને ખાસ બનાવી દીધો.
‘વંદે માતરમ’ને ખાસ સ્થાન
આ વખતના સ્વાતંત્ર્ય દિવસ સમારોહમાં ‘વંદે માતરમ’ની 150 વર્ષની વિરાસતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું. સમારોહમાં દેશના યુવાનો અને ભારતના ભવિષ્ય પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.PM મોદીએ પોતાના સંબોધનમાં ‘વંદે માતરમ’ સાથે જોડાયેલી ઐતિહાસિક અને રાષ્ટ્રીય ભાવનાને પણ મહત્વ આપ્યું. લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમણે જણાવ્યું કે સ્વાતંત્ર્ય પછીના આ સમારોહમાં પહેલીવાર અહીં ‘વંદે માતરમ’ની ગૂંજ સંભળાઈ રહી છે.આ કારણે આ વર્ષની ઉજવણી માત્ર પરંપરાગત ધ્વજવંદન પૂરતી સીમિત ન રહી, પરંતુ રાષ્ટ્રગૌરવ, સ્વતંત્રતાની વિરાસત અને નવી પેઢીની જવાબદારીને પણ કેન્દ્રમાં રાખતી જોવા મળી.
21 તોપોની સલામીમાં ખાસ બાબત
આ વર્ષે 21 તોપોની સલામીમાં સ્વદેશી 105mm લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો. આ તોપોનો ઉપયોગ અગાઉ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં પણ થયો હતો. સમારોહ દરમિયાન 8 તોપોએ માત્ર 52 સેકન્ડમાં 21 ગોળા ફાયર કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી. જો કે આ દૃશ્યે સમારોહમાં દેશની સૈન્ય શક્તિ અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાનો પણ સંદેશ આપ્યો.
‘વિકસિત ભારત@2047’ અને યુવા શક્તિ પર ભાર
આ વર્ષની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ‘વિકસિત ભારત@2047 માટે યુવા શક્તિ’ને મહત્વ આપવામાં આવ્યું. ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે યુવાનોની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો.PM મોદીએ દેશને આગળ વધારવા માટે અનેક ક્ષેત્રોમાં સુધારા અને વિકાસની જરૂરિયાત અંગે વાત કરી. તેમણે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે સાત સૂત્રિય સુધારાના એજન્ડા ‘સપ્તધારા’ નો ઉલ્લેખ કર્યો. આ સુધારાઓ દ્વારા ભારતને વિકાસની નવી દિશામાં આગળ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
દેશની શક્તિ સપના, સંકલ્પ અને સામર્થ્યમાં
લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે PM મોદીએ કહ્યું કે કોઈપણ દેશની સાચી તાકાત તેના સપના, સંકલ્પ અને સામર્થ્યમાં રહેલી હોય છે. આ ત્રણ શક્તિઓના આધારે આગળ વધતું રાષ્ટ્ર પોતાની સિદ્ધિઓ સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે છે.તેમના સંબોધનમાં ભારતની વિકાસયાત્રા, આત્મનિર્ભરતા, યુવાનોની શક્તિ, ટેક્નોલોજી, રાષ્ટ્રીય સુરક્ષા અને વિકસિત ભારતના લક્ષ્ય જેવા મુદ્દાઓને મહત્વ મળ્યું.