ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન સુરતના અંત્રોલી ખાતે આકાર લઈ રહ્યું છે
નાણામંત્રીના હસ્તે સુરત શહેર-જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરાયા
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત સુરત શહેર ખાતે જિલ્લા પ્રભારી અને નાણા, ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજારોહણ કરીને પરેડનું નિરિક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેકટર તેજસ પરમાર તથા પોલીસ કમિશનર વાબાંગ જમીર જોડાયા હતા.
સુરતના ઉમરા કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સમારોહમાં સૌ શહેરીજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવીને માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ, અમર ક્રાંતિકારીઓ અને સરહદો પર રાષ્ટ્રની સુરક્ષા કરતી વીર સેનાને કૃતજ્ઞતા પૂર્વક વંદન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વમાં ભારત આજે વિશ્વમંચ પર એક સક્ષમ અને આત્મનિર્ભર રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત દરેક ક્ષેત્રે નવા કિર્તિમાનો સ્થાપિત કરી રહ્યું છે.
વધુમાં કહ્યું કે, સુરત દેશનું “સૌથી ઝડપથી વિકસતું” શહેર છે. ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધાઓથી વિકાસની ગતિ તેજ કરી છે. વિશ્વમાં વપરાતા ૧૦ હીરામાંથી ૯ હીરાનું કટિંગ, પોલિશિંગ સુરતમાં થાય છે. આ ઉપરાંત, ભારતમાં બનતા માનવસર્જિત (સિન્થેટિક) કાપડનું ૪૦ ટકા ઉત્પાદન સુરતમાં થાય છે. શહેરની નજીક આવેલા હજીરા ખાતે એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક ક્ષેત્રોમાંનું એક ઔદ્યોગિક નગર સ્થપાયું છે. રોજગરી પૂરી પાડવામાં શ્રેષ્ઠ યોગદાનથી આજે આધુનિક સુરત એક ‘મિની ભારત’ બન્યું છે.
સુરતે ડાયમંડ અને ટેક્સટાઈલ સિવાય સ્વચ્છ, સ્માર્ટ, બ્રિજ અને અંગદાતા શહેર તરીકે પણ દેશ-વિદેશમાં ઓળખ મેળવી છે. અહીં દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન (અંત્રોલી) અને કાપડ ઉદ્યોગને વેગ આપતા પી.એમ. મિત્રા પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. વોટર રિસાયકલિંગ ક્ષેત્રે સુરતે દેશમાં પ્રથમ ક્રમ મેળવીને ગંદા પાણીને શુદ્ધ કરી ઉદ્યોગોને પૂરું પાડી વાર્ષિક રૂ.૧૪૦ કરોડની આવક મેળવી રહ્યું છે. આ ઉપરાંત, વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છ ભારત અભિયાનમાં પ્રથમ ક્રમાંક અને ગાર્બેજ ફ્રી સિટી જેવા રેન્કિંગ સાથે સુરતે અનેક ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાસિલ કરી છે.
‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝન સાથે ગુજરાત ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં દેશની કુલ નિકાસમાં ૨૬ ટકા હિસ્સા અને ‘લોજિસ્ટિક્સ ઈન્ડેક્સ’માં સતત ૧૦ વર્ષથી પ્રથમ સ્થાન સાથે ગુજરાત મોખરે છે. દક્ષિણ ગુજરાતમાં રૂ.૪૭૦૦ કરોડથી વધુના ૨૦ જેટલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ કાર્યરત છે. ‘ગુજરાત વિકસિત ફંડ’ દ્વારા ડ્રીમ સિટી અને રેલ્વે સ્ટેશન આધુનિકીકરણ જેવા કામોને વેગ મળ્યો છે. નીતિ આયોગના સર્વેક્ષણો મુજબ, ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને દેશમાં રોકાણ માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પ્રથમ સ્ટેશન સુરતના અંતરોલી ખાતે બની રહ્યું છે.સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩માં સુરતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ ઉપરાંત ગાર્બેજ ફ્રી સિટીમાં સ્ટાન્ડર્ડ ‘૭-સ્ટાર’ રેટિંગ મેળવ્યું છે એમ વધુમાં કહ્યું હતું.
તેમણ જણાવ્યું કે, કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત, ઉજ્જવલા, જન ધન યોજના, પી.એમ સૂર્ય ઘર સહિતની અનેક કલ્યાણકારી યોજનાઓના સફળ અમલીકરણમાં ગુજરાતે દેશભરમાં ડંકો વગાડ્યો છે. સાથે જ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ૧૭ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે ગુજરાતે સમગ્ર દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
રાજ્યમાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ ગુજરાત પોલીસ તંત્ર અને એ.ટી.એસ.(ATS) ની સઘન કામગીરીને કારણે દેશ અને રાજ્યમાં શાંતિ,સુરક્ષા અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહ્યું છે.
રાજ્યના આર્થિક અને સર્વાંગી વિકાસમાં મુખ્ય ફાળો આપનાર ખેડૂતોની સહાય માટે રાજ્ય સરકારે હર હંમેશ તત્પરતા દાખવી છે. રાજ્યના રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી અભિયાનને અભૂતપૂર્વ વેગ મળ્યો છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ આજે સમગ્ર દેશ માટે એક રોલ મોડેલ બની ગઈ છે. વર્ષ ૨૦૨૬માં ચારેય ઝોનમાં યોજાયેલા VGRSમાં ૧૭.૫૦ લાખ કરોડના રોકાણ સાથે અંદાજે ૧૫ લાખ યુવાનો માટે રોજગારી સુનિશ્ચિત થઈ છે. ઉદ્યોગ, રોકાણ અને રોજગારી ક્ષેત્રે ગુજરાત દેશમાં ‘રોલ મોડલ’ તરીકે ઉભરી આવ્યું હોવાનું ઉમેર્યુ હતું.
દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મત્સ્ય નિકાસ, શિપ બિલ્ડિંગ અને નવીન શિપિંગ પોલિસી થકી યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરી રહ્યું છે. સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
મંત્રીએ ગુજરાતની વિકાસગાથા વર્ણવતા કહ્યું કે, કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયના લીડ્સ ઈન્ડેક્સમાં શાનદાર કનેક્ટિવિટીના આધારે ગુજરાત છેલ્લા ૧૦ વર્ષથી પ્રથમ ક્રમે છે. દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં ગુજરાત ૧૭% અને કુલ નિકાસમાં ૨૬% હિસ્સો ધરાવે છે.
ભરૂચથી ઉમરગામ સુધીના વિસ્તારને આવરી લેતા સુરત ઈકોનોમિક રિજિયન SER માટે છેલ્લા ૨ વર્ષમાં ₹૪,૭૦૦ કરોડથી વધુના ૨૦ જેટલા પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા છે. ગત વર્ષ દરમિયાન ૧,૩૩૩ રોજગારમેળા દ્વારા એક લાખથી વધુ વધુ યુવાનોને રોજગારી આપવામાં આવી હોવાનું કહ્યું હતું.
સાણંદ, સુરત અને ધોલેરા ખાતે સેમીકંડક્ટર પ્લાન્ટ્સનું આયોજન કરાયું છે. કેન્દ્ર સરકારે ૬ મોટા પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે, જેનાથી ૫૦,૦૦૦ યુવાનોને સીધી રોજગારી મળશે.
સોમનાથ, અંબાજી, દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ અને કચ્છી રણને કેન્દ્રમાં રાખી આ વર્ષને ‘પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ૧૭ કરોડથી વધુ વૃક્ષો વાવીને ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું છે.
આપત્તિ સમયની રાહત અને બચાવની કામગીરી વર્ણવતા કહ્યું કે, તાજેતરમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના સમયે NDRF, SDRF, પોલીસ અને વહીવટી તંત્રની ટીમોએ તાત્કાલિક રાહત-બચાવ અને કેશડોલ્સ વિતરણની કામગીરી પૂર્ણ કરી નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી છે.
સુરત સહિત સમગ્ર ગુજરાત રાજ્ય આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસના માર્ગે અગ્રેસર રહીને ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.