SURAT

સુરત જિલ્લામાં 14થી 16 ડિસેમ્બર દરમિયાન મધ્યમ વરસાદની આગાહી

બારડોલી : આગામી 14થી 16 ડિસેમ્બર દરમ્યાન સુરત (Surat) જિલ્લામાં કમોસમી વરસાદ (Rain) થવાની આગાહી ગ્રામીણ કૃષિ મોસમ સેવા દ્વારા કરવામાં આવતાં ખેડૂતોની (Farmer) ચિંતા વધી ગઈ ગઈ છે. જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓને લઈ સુરત જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા ખેડૂતોને તકેદારી રાખવા માટે કેટલાંક સૂચનો પણ જારી કરવામાં આવ્યાં છે.

આગામી 18મી ડિસેમ્બર સુધીના જાહેર કરવામાં આવેલા હવામાન બુલેટિનમાં જણાવ્યા અનુસાર સુરત જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન આકાશ આંશિક અંશેથી સંપૂર્ણપણે વાદળ છવાયેલાં રહે તેવી સંભાવના છે. આ દરમિયાન 14થી 16મી ડિસેમ્બર દરમિયાન મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ પણ વધવાની શક્યતા સેવાઇ રહી છે.
માંડવી અને માંગરોળ તાલુકાને બાદ કરતાં લગભગ તમામ તાલુકામાં 5થી 12 મીમી જેટલો વરસાદ વરસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20થી 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આથી ઠંડીમાં થોડી રાહત મળી શકશે આ ઉપરાંત સરેરાશ 5થી 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વના પવનો ફુંકાવાની શક્યતા છે.

કમોસમી વરસાદને લઈ સુરતના ખેડૂતોએ શું કાળજી રાખવી?
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત હેઠળ કાર્યરત જિલ્લા કૃષિ હવામાન એકમ (DAMU) દ્વારા જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદની આગાહી અન્વયે પાકને અને ખેતીના માલને વરસાદથી નુકસાની ના થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી. હાલમાં રોપણી કરેલ પાકોમાં (ઘંઉની વાવણી પછી જો બીજી પિયત આપવાની જરૂરિયાત હોય તો) વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી ૨ દિવસ પિયત મુલતવી રાખવું અને વરસાદ બાદ જરૂરિયાત મુજબ પિયત આપવાની સલાહ આપવામાં આવે છે.

ઉપરાંત વરસાદ પછી જો શાકભાજી પાકો પાણીમાં ડૂબ્યા હોય તો ખેડૂતોને ટ્રાઇકોડર્મા અથવા સ્યુડોમોનસ ૧ લિટર/ ૧ એકર આપવાની ભલામણ કરવામાં આવે છે. શાકભાજી પાકો તથા આંબામાં ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે મોલોમશી, સફેદ માખી, મધિયાનો ઉપદ્રવ વધવાની શક્યતા છે. જો આ જીવાતોનો ઉપદ્રવ તેમની ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે યોગ્ય નિયંત્રણના પગલાં લેવામાં આવે તેમજ શોષક પ્રકારની જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો તેમને કાબૂમાં લઈ શકાય. ચૂસિયા પ્રકારની જીવતો માટે થાયોમીથોકઝામ ૨૫ ટકા ડબલ્યુ જી (૧૦ લી. પાણીમાં ૪ ગ્રામ) અથવા એસીટામીપ્રીડ ૨૦ ટકા એસપી (૧૦ લી. પાણીમાં ૨ ગ્રામ)નો છંટકાવ કરવો. જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લેકાની (૧૦ લી. પાણીમાં ૪૦ ગ્રામ)નો છંટકાવ કરવો.

Most Popular

To Top