Dakshin Gujarat

ભારે વરસાદથી ધરમપુર-કપરાડાના 82 માર્ગ બંધ કરાયા, ધરમપુરમાં 20 ઘર પાણીમાં ગરકાવ

વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી શરૂ થયેલો વરસાદ (Rain) હવે જોર પકડી રહ્યો છે. શનિવારે સવારથી જિલ્લામાં વરસાદે ધૂંઆધાર પારી શરૂ કરી હતી. જેમાં ધરમપુર અને કપરાડાના જંગલ (Jungle) વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વલસાડની ઔરંગા નદીમાં (River) પુરનું જોખમ તોળાયેલું છે. આ સાથે ધરમપુર-કપરાડા તેમજ વલસાડ તાલુકા મળી કુલ 82 માર્ગ વરસાદના કારણે બંધ થઇ ગયા છે.

વલસાડમાં શનિવારે શરૂ થયેલી ધૂંઆધાર પારીમાં બપોરે 2 કલાક સુધીમાં જ ધરમપુર તાલુકામાં 176 મીમી (7 ઇંચ) જેટલો વરસાદ વરસી ગયો હતો. આ સાથે પારડીમાં 122 મીમી (4.8 ઇંચ) અને કપરાડામાં 100 મીમી (4 ઇંચ) વરસાદ વરસી ગયો હતો. જેના કારણે જિલ્લા પંચાયત અંતર્ગત આવતા 79 માર્ગ બંધ થઇ ગયા હતા. જ્યારે અન્ય 3 માર્ગ બંધ થતાં જિલ્લામાં કુલ 82 માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.

વરસાદની આ ધૂંઆધાર પારીમાં આ વખતે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારને મોટી અસર પહોંચી હતી. જોકે, શહેરી વિસ્તારોમાં પણ કેટલાક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. વરસાદના કારણે સ્થાનિકોને ધંધા રોજગાર સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી હતી. તેમજ શાળાએ જતા બાળકોને પણ મુકવા જવા કે લેવા જવાની તકલીફ પડી હતી.

  • જિલ્લાનો 24 કલાકનો વરસાદ
  • તાલુકો મીમી ઇંચ
  • ધરમપુર 246 9.8
  • વાપી 228 9.1
  • કપરાડા 202 08
  • વલસાડ 197 7.8
  • પારડી 184 7.3
  • ઉમરગામ 76 03

કપરાડા તાલુકામાં અનેક કોઝવે – ચેકડેમ ઓવરફ્લો
વલસાડ : વલસાડ જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને લઈ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારના નીચા કોઝવે પાણીમાં ડૂબી જતાં આવાગમનને ગંભીર અસર પહોંચી હતી. વિશેષ કરી અંતરિયાળ કપરાડા તાલુકામાં કોઝ્વે અને ચેકડેમ ઓવર ટેપિંગને લઈ 31 માર્ગ બંધ કરી દેવામાં આવતા 50 થી વધુ ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો ધરમપુર-વાપી માર્ગ ઉપર નાનાપોંઢા ચારરસ્તા પાસે પાણી ફરી વળતા વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. અંતરિયાળ ગામોમાં નીચા કોઝવે ડૂબી જતાં શાળાએ જતા બાળકો, શિક્ષકો, દૂધ ભરવા જતાં લોકો અને વિશેષ કરી તાત્કાલિક સારવારની જરૂર ધરાવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વર્ષોથી લોકો નીચા કોઝવેને ઉંચો બનાવવા કે નાનાપુલ બનાવવા રજૂઆત કરવા છતાં સ્થાનિક ભાજપ કે પછી વિપક્ષ દ્વારા કોઈ નક્કર ધ્યાન નહીં અપાતા દર ચોમાસામાં તેનો ભોગ લોકો બની રહ્યા છે.

આંબાજંગલ ગામના કોલક નદી પરનો કોઝવે ધોવાયો
આંબા જંગલ ગામના ફંમુરુમટી ફળિયું થઈ લવકર મુખ્ય રસ્તા પરથી મુરુમટી ફળિયા થઈ સાતપુરીથી જતા રસ્તો ઉપરના કોઝવેનું ધોવાણ થતા પ્રાથમિક શાળામાં જતાં વિદ્યાર્થીઓ, દૂધ ભરવા જતી મહિલાઓ, નોકરિયાતો, ખેડૂતોને મુશ્કેલી નડી હતી. સ્થાનિકો દ્વારા ધારાસભ્ય જીતુ ચૌધરી સહિત, લોક પ્રતિનિધિઓ સરકાર અને તંત્રને રજૂઆત કરી હોવા છતાં નાનોપુલ બન્યો નથી. ત્યારે હાલે કોઝવેનું ત્વરિત સમારકામ થાય તેવી માગ ઉઠી રહી છે.

ધરમપુર સ્વર્ગવાહિની નદી કાંઠે કોઠી ફળીયામાં 20 ઘર પાણીમાં ગરકાવ
ધરમપુર : એકધારા વરસાદને કારણે ધરમપુરમાંથી પસાર થતી સ્વર્ગવાહિની નદી બંને કાંઠે રોદ્ર સ્વરુપે વહી રહી છે. નદી કિનારે આવેલા કોઠી ફળીયા વિસ્તારમાં 20 ઘરોમાં વરસાદનું પાણી ઘુસી જતા રહીશોની હાલત કફોડી બની ગઈ હતી. અસરગ્રસ્ત લોકોના ઘરવખરીનો સામાન ખરાબ થઈ ગયો હતો. ધરમપુર પંથકમાં અતિ ભારે વરસાદના કારણે 40 માર્ગ પરના ચેકડેમ કમ કોઝવે વરસાદી પાણીમાં ગરકાવ થતાં એસ ટી બસના ઘણાં રુટો બંધ કરવામાં આવ્યા હતાં. વરસાદને પગલે સિદુમબર ગામનો ભટાડી ફળીયાનો કોઝવે, શેરીમાલ કાગંવી ગામને જોડતો કોઝવે, ખટાણા અને પાર્ટી ગામને જોડતો કોઝવે સહિત અનેક નાના મોટા કોઝવે વરસાદી પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.

વિલ્સન હિલ જતા માર્ગ પર કાર પર વૃક્ષ પડ્યું
વલસાડમાં ભારે વરસાદના રોજ બરોજ વૃક્ષ પડવાના બનાવો બની રહ્યા છે. જેમાં આજરોજ ભારે વરસાદના કારણે ધરમપુરના વિલ્સન હિલ રોડ પર સિદુંબર ગામ પાસે એક વૃક્ષ તૂટી પડ્યું હતુ. આ વૃક્ષ અહીંથી પસાર થતી એક કાર (જીજે-21-સીસી-5871) પર પડ્યું હતુ. જોકે, આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કારને મોટું નુકશાન થયું હતુ.

Most Popular

To Top