Charchapatra

વડોદરાનાં રાધિકા રાજે ગાયકવાડનું ઉમદા કાર્ય

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમય દરમિયાન થયેલ સામાજિક કાર્યો વિષે ઘણું કહેવાયું છે. એમના કાર્યકાળ દરમિયાન સામાન્ય રીતે ભદ્ર કહેવાતા સમાજ દ્વારા તરછોડાયેલ કિન્નરો (પાવૈયાઓ) ને સમાજમાં યોગ્ય સ્થાન મળી રહે અને આ એકંદરે તરછોડાયેલો, અવગણાયેલો સમાજ સામાન્ય પ્રજામાં સ્વીકાર્ય બને એ માટે એમણે ઘણું કાર્ય કરેલ અને આ કાર્યમાં એમને સફળતા પણ મળેલ. એમના ગયા પછી અંદાજે એક સદી બાદ ફરી આ દિશામાં કામ કરી આ બિરાદરીની વ્યક્તિઓ સમાજનાં અન્ય લોકો જેવી આદરપૂર્વકની જિંદગી પ્રાપ્ત કરી તેઓ સમાજનો હિસ્સો બનીને એમની જિંદગી વિતાવી શકે એ માટે વડોદરા ખાતે ગાયકવાડ ટ્રસ્ટની સ્થાપના થયેલ, જેના ટ્રસ્ટી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા આ સમાજની વ્યક્તિઓ હોસ્પિટાલીટી મેનેજમેન્ટમાં નિપુણતા પ્રાપ્ત કરી શકે એ માટે એમને યોગ્ય તાલીમની વ્યવસ્થા કરી સુરસાગર લેકની પાછળ હેરીટેજ મકાનમાં ‘ગજરા‘(જે મહારાણી ચીમનાબાઇ ગાયકવાડ કુંવારિકા હતાં એ સમયનું નામ હતું) નામે આ કાફે ખોલવામાં આવેલ જેમાં પરંપરાગત મહારાષ્ટ્રિયન અને ગુજરાતી વાનગીઓ આ જ કોમ્યુનીટીની રસોઇ બનાવવામાં માહીર એવી વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવે છે.

ખૂબ સારી રીતે ચાલતા આ કાફે કે જેને આ સમાજના જ સભ્યો દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે એનો લાભ સમાજના દરેક વર્ગનાં લોકો લઇ રહ્યાં છે. આ કાફે ખોલવાનો મૂળભૂત હેતુ પણ એ જ હતો કે આ કાફે ચલાવતી વ્યક્તિઓને આ કાફેના માધ્યમથી સમાજ સહજપણે સ્વીકારતો થાય. રાધિકા રાજે ગાયકવાડનું આ કાફે ધંધાદારી દૃષ્ટિએ ચલાવાય એ માટે આ સમાજની અન્ય વ્યક્તિઓને તાલીમ અપાવી એમને આ ધંધામાં સામેલ કરવાનું પ્લાનિંગ છે. આપણા ગુજરાત રાજ્યમાં વડોદરા ખાતે આ રીતે કિન્નરો દ્વારા ચલાવાતી આ પહેલી રેસ્ટોરન્ટ છે, જે માટે રાધિકા રાજે ગાયકવાડ, આ માનવતાવાદી ઉમદા વિચારને વહેવારમાં પરિવર્તિત કરવા માટે ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમનો આ ઉમદા વિચાર ભવિષ્યમાં અન્યોને માટે પણ પ્રેરણારૂપ બની રહે એ શક્યતા નકારી ન શકાય.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

દુઝણી ગાય વસુકી જાય ત્યારે
ઘણાં ઘરોમાં બને છે કે વડીલની આવક બંધ થઇ જાય ત્યારે ચાહ, નાસ્તો, દવાદારૂ પર આપોઆપ બ્રેક લાગી જાય, બિમાર  બાળ શિશુની સારસંભાળ રાખી શકે નહિ, બાળકોની શાળાએ લઇ જવાની વર્દી બંધ થઇ જાય. ખાસ તો ડોસાને એક અવાવરુ સ્ટોર રૂમમાં ભંગારની અવેજીમાં રૂપાંતર થઇ જશે. મહેમાનની હાજરીમાં કદી બહાર ડોકિયું કરશો નહિ તો એક રીટાયર્ડ ઘાટીનું લેબલ લાગી જશે. સ્વમાનભેર જીવવું હોય તો આગોતરું આયોજન કરનારનું કદી માનભંગ થશે નહિ. ખાટલા નીચે ડબ્બે ખખડાવતા રહેવું અને પાસબુક બતાવતા રહેવું.
સુરત              – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top