World

રશિયામાં ખાનગી આર્મી વેગનરે બળવો કરતાં પુતિનનું ટેન્શન વધ્યું

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધની (RussiaUkraineWar) વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Putin) મુશ્કેલીમાં મુકાયા છે. એવી આશંકા છે કે રશિયામાં બળવો (Russian Private Army Wegner Rebelled) થઈ શકે છે. સેન્ટ્રલ મોસ્કોમાં શનિવારે વહેલી સવારે લશ્કરી વાહનો જોવા મળ્યા હતા. પુતિનની પ્રાઈવેટ આર્મી મિલિશિયા વેગનર ગ્રુપે બળવો કરવાનો નિર્ણય લીધો હોવાની વિગતો સામે આવી છે.

વેગનર ગ્રુપ અને રશિયન સૈન્ય વચ્ચે તણાવ ઉભો થયો છે. રશિયા સાથે જોડાયેલા આતંકવાદી જૂથના નેતા યેવજેની પ્રિગોઝિને મોસ્કોને સજા કરવાની અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિનને વેગનરના બોસ યેવજેની પ્રિગોઝિન દ્વારા સશસ્ત્ર બળવાના પ્રયાસ વિશે નિયમિતપણે માહિતી આપવામાં આવી રહી છે. ક્રેમલિને કહ્યું કે પુતિનને આ મામલે સંરક્ષણ મંત્રાલય, આંતરિક બાબતોના મંત્રાલય અને નેશનલ ગાર્ડ પાસેથી સતત માહિતી મળી રહી છે.

મીડિયા અહેવાલો અનુસાર, વેગનર જૂથના નેતા યેવજેની પ્રિગોઝિને યુક્રેનના બખ્મુતમાં વેગનર તાલીમ શિબિર પર મિસાઈલ હુમલા માટે ક્રેમલિનને જવાબદાર ઠેરવ્યું છે . આ હુમલામાં વેગનરના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. પ્રિગોઝિને શપથ લીધા છે કે, “અમે મોસ્કો જઈ રહ્યા છીએ, અને જે કોઈ અમારા સેન્ટર્સમાં પ્રવેશ કરશે તેને બગડતી સ્થિતિ માટે જવાબદાર ગણવામાં આવશે.”

તેમના પ્રવક્તાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ઑડિયો મેસેજની સિરિઝમાં પ્રિગોઝિને કહ્યું, “રશિયાની સૈન્યએ અમારા શિબિરો પર મિસાઈલ હુમલા કર્યા છે, જેમાં મોટી સંખ્યામાં અમારા સાથીઓ માર્યા ગયા છે, જેથી પીએમસી વેગનરની કાઉન્સિલ ઓફ કમાન્ડરોએ નિર્ણય લીધો છે કે હવે દેશની આર્મીનું નેતૃત્વ જે દુષ્ટ કૃત્યો કરી રહી છે તેનો અંત આવવો જોઈએ.’ તેમણે કહ્યું, “જે કોઈ પ્રતિકાર કરશે અમે તેને ખતરો ગણીશું અને તરત જ તેનો નાશ કરીશું. આપણે આ સમસ્યાનો અંત લાવવાની જરૂર છે. આ લશ્કરી બળવો નથી, પરંતુ ન્યાયની કૂચ છે.”

અમારા 25 હજાર સૈનિકો મરવા માટે તૈયાર છેઃ વેગનર ગ્રુપ
વેગનર ગ્રૂપના વડાએ જણાવ્યું હતું કે તેમના દળો દક્ષિણ સરહદી વિસ્તારમાં પ્રવેશ્યા હતા, વેગનરના દળોએ રોસ્ટોવમાં સધર્ન મિલિટરી ડિસ્ટ્રિક્ટ બિલ્ડિંગ પર કબજો મેળવ્યો હતો. તેણે યુદ્ધની ઘોષણા કરવાની શૈલીમાં એમ પણ કહ્યું કે તેની 25,000 મજબૂત સેના “મરવા માટે તૈયાર છે”. જે બાદ રોસ્ટોવમાં રશિયન સત્તાવાળાઓએ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. દરમિયાન, લિપેટ્સકના ગવર્નરે કહ્યું કે અધિકારીઓએ સુરક્ષા તકેદારી વધારવાનો નિર્ણય કર્યો છે.

રશિયન સ્પેશિયલ ફોર્સે મોસ્કોમાં નાકાબંધી કરી
વેગનર જૂથના લડવૈયાઓ નોવોચેરકાસ્કના માર્ગ પર પ્રથમ ચેકપોઇન્ટ પસાર કરી ચૂક્યા છે. રશિયન સૈન્યનું મુખ્ય મથક નોવોચેરકાસ્કમાં છે. મોસ્કોની શેરીઓમાં સશસ્ત્ર વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સ્પેશિયલ ફોર્સે મોસ્કોની આસપાસ નાકાબંધી કરી દીધી છે. રશિયન લશ્કરી અધિકારીઓ ક્રેમલિન અને ડુમા, રશિયાની સંસદને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યેવજેનીને સમર્થન આપવા પુતિન વિરોધી નેતા મિખાઇલ ખોડોરકોવ્સ્કીની અપીલ
રશિયન પુતિન વિરોધી નેતા મિખાઇલ ખોડોરકોવ્સ્કીએ રશિયનોને વેગનરના વડા યેવજેની પ્રિગોઝિનને ટેકો આપવા વિનંતી કરી છે. યેવગાનીએ મોસ્કોના લશ્કરી નેતૃત્વનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણે કહ્યું કે જો વેગનરે ક્રેમલિન પર કબજો કરવાનો નિર્ણય લીધો છે તો તેને શેતાનને મારવાની હદ સુધી સમર્થન આપો.

લોકોને અપીલ કરતાં તેણે કહ્યું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોસ્કોના મેયર કહે છે કે સુરક્ષાને મજબૂત કરવા માટે આતંકવાદ વિરોધી પગલાં લેવામાં આવી રહ્યા છે, જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. વોરોનેઝ અને લિપેટ્સક પ્રદેશોમાં એફએસબી (ફેડરલ સિક્યુરિટી સર્વિસ)ની ઓફિસો ખાલી કરાવવામાં આવી રહી છે. તેઓ રોસ્ટોવથી મોસ્કો જઈ રહ્યા છે.

Most Popular

To Top