Entertainment

પ્રિયંકાની બાજી ચૌપટ?

પ્રિયંકા ચોપરા હમણાં ઇન્ડિયામાં છે પણ ફિલ્મના લોકેશનથી વધારે ચર્ચામાં છે. તેણે કહ્યું છે કે હું એના લોકો સાથે કામ નથી કરતી જે મને ગમતા નથી. હું તેમની સાથે વાટાઘાટ પણ નથી કરતી. શૂટિંગ પર જતી વેળા હું અંદર ઉત્સાહથી ભરેલી હોવી જોઇએ. એવું વાતાવરણ ન હોય તો મારે કામ જ શું કામ કરવું જોઇએ? પ્રિયંકાના આમ કહેવા વિશે ફિલ્મવાળાઓ બહુ પ્રતિક્રિયા નથી આપતા. હા, ફકત વિવેક ઓબેરોય બોલ્યો છે કે મને ય આ ફિલ્મોદ્યોગનો અનુભવ છે અને મારે ચૌદ મહિના સુધી ઘરે બેસવું પડેલું. એ તો સારુ છે કે મેં ફરી મને ગોઠવ્યો.

પ્રિયંકા અકળાયેલી છે અને ઘણા માને છે કે તે કરણ જોહર પર અકળાયેલી છે. તેને ફરહાન અખ્તર દિગ્દર્શીત ફિલ્મ ‘જી લે જરા’ માંથી પડતી મુકવામાં આવી છે. પ્રિયંકા છેલ્લા થોડા વર્ષથી હિન્દી ફિલ્મોથી વધારે અમેરિકાની ટી.વી. શ્રેણી યા હોલીવુડની ફિલ્મોમાં કામ કરે છે. ‘દિલ ધડકને દો’, ‘બાજીરાવ મસ્તાની’ પછી તેની ‘ગંગાજલ-2’ અને ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ આવી પણ તેણે બોક્સ ઓફિસ પર દેકારો મચાવ્યો નથી. શું વિદેશમાં કામ કરવાને કારણે તેણે ભારતમાં પ્રેક્ષક ગુમાવી દીધો છે કે પછી હિન્દી ફિલ્મોના નિર્માતાઓને જ તેનામાં રસ નથી રહ્યો?

પ્રિયંકા અત્યારે જે ફિલ્મોમાં કામ કરે છે તેમાં બધી જ વિદેશી છે- ચાહે ‘લવઅગેઇન’ હોય, ‘શીલા’ હોય, ‘એન્ડિંગ થીંગ્સ’ કે ‘કાઉ બોય નિન્જા વાઇકિંગ’ અને ‘સીતાડેલ’ હોય. હોલીવુડના નિર્માતાઓને ઇન્ડિયામાં ફિલ્મ રજૂ કરવા માટે પ્રિયંકાની પોપ્યુલારીટીની ગરજ છે. ‘સીતાડેલ’ ટી.વી. સિરીઝ હમણાં 28મી એપ્રિલે જ રજૂ થઇ છે. તે કરણ જોહર પર એટલે અકળાયેલી છે કે હિન્દી ફિલ્મોમાં કામ ન મળવાના કારણમા તે કરણને જુએ છે. એ કરણને કારણે જ હોલીવુડ તરફ તેણે વળવું પડેલું એવું જાણે કહી રહી છે. કરણના કારણે જ તેને એક ખુણે ધકેલી દેવામાં આવી હોવાનું તે માને છે. શું ખરેખર એમ હશે? ઉત્તર છે કે હોયપણ શકે પણ પ્રિયંકાએ પણ વિચારવું જોઇએ.

તેણે છેલ્લા વર્ષોમાં હિન્દી મનોરંજક ફિલ્મોમાં કામ નથી કર્યું. લોકો તેને મેજર ભૂમિકામાં જોવા માંગે છે પણ તેનો અર્થ ગંભીર પાત્રો ભજવવાનો હોતો નથી. વિત્યા દસ વર્ષમાં તેણે અેવી ફિલ્મમાં કામ નથી કર્યું જે તેને દરેક પ્રકારની પ્રેક્ષકોની ખાસ બનાવે. તેણે અહીં ઉપલબ્ધ રહેવું જોઇએ અને હોતી નથી. ‘જી લે ઝરા’ની ભૂમિકા હવે પ્રિયંકાના બદલે કરીના કપૂર કરશે એવું સંભળાય છે. પ્રિયંકા અહીં હતી ત્યારે પણ કરીનાને જ મુખ્ય સ્પર્ધક માનતી હતી. ‘જી લે ઝરા’ જો કરીના પાસે ગઇ હશે તો લોકો કહેશે સ્પર્ધા હજુ પણ ચાલુ છે. પ્રિયંકા જયારથી હોલીવુડનો હિસ્સો બની ત્યારથી ઘણા નિર્માતાઓના પહોંચની બહાર નીકળી ગઇ છે. •

Most Popular

To Top