National

પટિયાલાની જેલમાં નવજોત સિંહ સિદ્ધુની તબિયત લથડી

ચંદીગઢ: કોંગ્રેસ (Congress) નેતા તેમજ 58 વર્ષીય નવજોત સિંહ સિદ્ધુને સોમવારે (Monday) બપોરે પટિયાલા જેલમાંથી PGI ચંદીગઢની હોસ્પિટલમાં (Hospital) લાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સિદ્ધુને લોહી જાડા થવાની અને લીવરની સમસ્યા છે. સિદ્ધુની સંસ્થાના હેપેટોલોજી વિભાગ દ્વારા તબીબી તપાસ કરવામાં આવી હતી. બપોરે સિદ્ધુને PGIMERમાં દાખલ (Admit) કરવામાં આવ્યા હતા.

આ અગાઉ પણ સિદ્ધુને શારીરિક દર્દની સમસ્યાના કારણે પટિયાલામાં ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. સિદ્ધુને બે અઠવાડિયા પહેલા તપાસ માટે પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સિદ્ધુના વકીલ એસપીએસ વર્માએ તાજેતરમાં કહ્યું હતું કે સિદ્ધુએ જેલમાં ડાયટ માટેની વિનંતી કરી હતી. વકીલના મતે સિદ્ધુ ઘઉં, ખાંડ, મેંદો અને અન્ય કેટલીક ખાદ્ય ચીજોમાંથી બનેલી વસ્તુઓ ખાઈ શકતા નથી. તપાસ બાદ કોર્ટે ડાયટ અંગેની મંજૂરી આપી હતી. સિદ્ધુને ડાયટ ચાર્ટમાં દરરોજ સવારે રોઝમેરી ચા, અડધો ગ્લાસ સફેદ પેઠાનો રસ અથવા નારિયેળ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

જેલમાં કલાર્કની નોકરી કરે છે નવજોત સિંહ
નવજોત સિંહ સિદ્ધુ હાલ 34 વર્ષ જૂના રોડ રેજ કેસ મામલે એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ત્યારે જેલમાં તેમને ક્લેરિકલ કામ માટે સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે. જેલ અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે સિદ્ધુએ જેલમાં પોતાનું કામ શરુ કરી દીધું છે. સિદ્ધુ બે શિફ્ટમાં કામ કરે છે. જેમાં પહેલી શિફ્ટ સવારે 9થી બપોરના 12 સુધી અને બીજી બપોરના 3થી 5 સુધીની છે. જેલના નિયમો અનુસાર પ્રથમ ત્રણ મહિના સુધી કોઈપણ વેતન વિના ટ્રેનિંગ આપવામાં આવશે. જે બાદ તેમને અકુશળ, અર્ધ કુશળ અને કુશળ કેદીની શ્રેણીએ રાખવામાં આવશે. જે બાદ કેટેગરીના આધારે તેમને 30થી 90 રૂપિયાની વચ્ચે પગાર મળી શકેશે.

પંજાબ જેલના એક અધિકારીએ જણાવ્યું કે સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ તેમની તબિયત સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખતા તેમને પેપર વર્કનું કામ આપવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે તેઓ નોકરી કરતી વખતે જેલ રેકોર્ડ જાળવવામાં મદદ કરશે. મહત્વનું છે કે, મેડિકલ બોર્ડની ભલામણ પર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નવજોત સિંહ સિદ્ધુને જેલમાં વિશેષ આહાર લેવાની મંજૂરી આપી છે.

Most Popular

To Top