Dakshin Gujarat

ઝઘડામાં વચ્ચે પડેલા દાદીને પાડોશીએ ગળુ પકડી ધક્કો મારી પાડી દીધા

કામરેજ: કામરેજ તાલુકા લાડવી ગામે માહ્યાવંશી ફળિયામાં વિકાસ અમરતભાઈ પરમાર (ઉં.વ.32) રહે છે. ઉંભેળ પાસે આવેલા મારુતિના શો રૂમમાં (Maruti showroom) મિકેનિક (Mechanic) તરીકે કામ કરે છે. બે દિવસ અગાઉ ઘરના આંગળામાં ઓટલા ઉપર પત્ની નિકિતાબેન,ભાભી દીપિકાબેન તથા દાદી બાજુમાં કાકાના ઘરના ઓટલા પર બેસેલાં હતાં. ત્યારે પાડોશી અશોકભાઈ ઈશ્વરભાઈ તલાટી પોતાનું મોટરસાઈકલ લઈને આવીને વિકાસના ઘરની બાજુમાં મૂકી દીધું હતું.

અચાનક જ વિકાસના દાદીને જોર જોરથી ગાળો આપવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતાં દાદીને ગળાના ભાગે પકડી લઈ છોડાવવા જતાં દાદીને જમીન પર પાડી દીધા હતા. વિકાસ સાથે મારામારી કરીને ટી-શર્ટ ફાડી ઘરની બાજુમાં પડેલો લાકડાનો સપાટો વિકાસના પિતા અમરતભાઈને ડાબા હાથના ભાગે મારી મારી નાંખવાની ધમકી આપી જતો રહ્યો હતો. જે અંગે કામરેજ પોલીસમથકમાં અશોક તલાટી સામે ફરિયાદ નોંધાવી હતી.

ગણેશ-સિસોદ્રા ગામના આધેડ દાદર ચઢતા સ્લીપ થઇ પડી જતા મોતને ભેટ્યા
નવસારી : ગણેશ-સિસોદ્રા ગામના આધેડ દાદર ચઢતા સ્લીપ થઇ પડી જતા મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી મુજબ નવસારી તાલુકાના ગણેશ-સિસોદ્રા ગામના વેરાઈ ફળીયામાં અનિલભાઈ રમણભાઈ હળપતિ (ઉ.વ. 42) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 8મીએ સવારે અનિલભાઈ તેમના ઘરના દાદર ચઢી રહ્યા હતા. દરમિયાન તેમનો પગ સ્લીપ થઇ જતા દાદર પરથી પડી જતા માથાના પાછળના ભાગે ઈજા થઇ હતી. જેથી પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા પરિવારજનોએ તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોક્ટરે ખટોદરા પોલીસ મથકે જાણ કરતા ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાગળો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે મોકલતા આગળની તપાસ એ.એસ.આઈ. ભાવેશભાઈને સોંપી છે.

Most Popular

To Top