Gujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચનું સફળ ઓપરેશન: GREની પરીક્ષા પાસ કરાવી આપવાનું કહેનાર બેની ધરપકડ

અમદાવાદ: અમેરિકા (America) અભ્યાસ કરવા જવા માટે જરૂરી એવી જીઆરઈની (GRE) પરીક્ષા (Exam) પાસ કરાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ (Student) સાથે છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સાગરિતોને અમદાવાદ (Ahmedabad) શહેર ક્રાઈમ બ્રાંચે સુરતમાં (Surat) દરોડો પાડી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ત્રણ સાગરીતો આરોપી મહેશ્વરા બાલા નાગેન્દ્ર ચેરલા (રેડ્ડી રહે, આંધ્રપ્રદેશ), સાગર ધીરજલાલ હિરાણી (રહે, મોટા વરાછા, સુરત) અને ચંદ્રશેખર ઉર્ફે રાહુલ હનુમંતરાવ કરલપુડી (રહે, વડોદરા મૂળ વતન, આંધ્રપ્રદેશ)ની ધરપકડ કરી તેમની પાસેથી પાંચ લેપટોપ, ત્રણ સીપીયુ, 7 મોબાઈલ સહિત 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને થોડાક દિવસો પહેલા હકીકત મળી હતી કે અમેરિકામાં અભ્યાસ કરવા જવા માટે જરૂરી એવી જીઆરઈની પરીક્ષા પાસ કરવી હોય છે તેમણે ગુગલ ઉપર સર્ચ કરતા એક વેબસાઈટ ખુલે છે. જેમાં મોબાઈલ નંબર લખેલો હોય છે. આ નંબર ઉપર સંપર્ક કરી આ વ્યક્તિઓ 70 હજાર રૂપિયામાં પરીક્ષા પાસ કરી આપવાની વાત કરતા હોય છે અને એડવાન્સ પેટે 19 હજાર રૂપિયા લઇ પરીક્ષાની તારીખ અને ટાઈમ નક્કી કરી પરીક્ષાનો એપોઇન્ટમેન્ટ લેટર મોકલી આપતા હોય છે. જેમાં પરીક્ષાનું સ્થળ એટ હોમ હોવા છતાં સુરતની હોટલ બાલવાસ ખાતે પરીક્ષા આપવાનું લોકેશન મોકલી આપી આખું નેટવર્ક ચલાવતા હતા.

કેવી રીતે પરીક્ષામાં લેપટોપ પર પ્રશ્નો ટાઈપ થતાં હતા જાણીને ચોંકી જશો
પોલીસે સુરતમાં રીંગરોડ ખાતે આવેલી હોટલ બાલવાસ ઉપર દરોડો પાડતાં પરીક્ષાનું સેટઅપ ગોઠવી આપીને ઓનલાઇન પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના ફોટા પાડી વોટ્સએપથી ચંદ્રશેખર ઉર્ફે રાહુલ સર નામના વ્યક્તિને મોકલી આપી આપતા. તે પ્રશ્નોના જવાબ તાત્કાલિક વોટ્સએપથી મેળવી લઈને આ જવાબો ઓનલાઈન પરીક્ષામાં નિરીક્ષક જોઈ ન શકે તે રીતે લેપટોપની આગળના ભાગે બેસી બ્લુટુથથી કનેક્ટ કરેલા કીબોર્ડ વડે ટાઈપ કરી દેતા અને પરીક્ષાર્થીને ફક્ત ટાઈપ કરવાની એક્ટિંગ કરવાનું કહેતા. આ રીતે એક પરીક્ષા પાસ કરાવવાના રૂપિયા 4,000 કમિશન મેળવતા હતા. આમ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top