Dakshin Gujarat

વલસાડમાં 5 ઇંચ જેટલો ભારે વરસાદ, દમણમાં 3.72 અને સેલવાસમાં 4.43 ઈંચ વરસાદ

વલસાડ: (Valsad) વલસાડમાં મંગળવારે વરસાદનું જોર ધીમું પડ્યું હતુ. જોકે, મધ્યરાત્રિથી બુધવાર સવાર સુધીમાં વલસાડ તાલુકામાં ભારે વરસાદ (Rain) વરસ્યો હતો. જેના પગલે શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. જોકે, સવારે વરસાદ ધીમો પડતાં પાણી (Water) ઉતરી ગયા હતા. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 3.4 ઇંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

  • વલસાડમાં 5 ઇંચ જેટલો ભારે વરસાદ, છીપવાડમાં પાણી ભરાયા
  • વરસાદને પગલે છીપવાડ હનુમાન મંદિર પાસે પાણી ભરાયા
  • મોગરાવાડી ગરનાળું પાણીથી ભરાતા ચાલકોએ હાલાકી વેઠવાની નોબત આવી
  • વાઘલઘરા ખરેરા નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા

ભારે વરસાદને પગલે છીપવાડ હનુમાન મંદિર પાસે પાણી ભરાયા હતા, ઉપરાંત મોગરાવાડી ગરનાળું પાણીથી ભરાતા ચાલકોએ હાલાકી વેઠવાની નોબત આવી હતી, જ્યારે વાઘલઘરા ખરેરા નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. વલસાડમાં મંગળવારે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સવારે 4 થી 6 માં 1.2 ઇંચ વરસાદ વરસતાં છીપવાડના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. જોકે, સવાર થતાં જ આ પાણી ઓસરી પણ ગયા હતા. દિવસભર સમગ્ર વલસાડ જિલ્લામાં ધીમી અને મધ્યમ ગતિએ વરસાદ યથાવત જોવા મળ્યો હતો. વલસાડ સિવાય મળસ્કે પારડીમાં અને સવારે ધરમપુરમાં વરસાદ વરસ્યો હતો. આ તાલુકામાં પણ બે કલાકમાં 1 ઇંચ જેટલો જ વરસાદ નોંધાતો હોય, તેની કોઇ મોટી અસર પહોંચી ન હતી.

  • જિલ્લાનો 24 કલાકનો વરસાદ
  • તાલુકો વરસાદ ઇંચમાં
  • વલસાડ 5.8
  • પારડી 4.3
  • ધરમપુર 3.3
  • વાપી 3.2
  • કપરાડા 2.8
  • ઉમરગામ 1.1

પારડીની બાલાખાડી-મામલતદાર કચેરી પાસે પાણી ભરાયા
પારડી : પારડી પંથક અને નગરમાં સતત ત્રણ દિવસથી મેઘરાજાની બેટિંગ ચાલુ છે. જેને લઇ વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા ઉઠવા પામી છે. પારડી પાલિકા વિસ્તાર વોર્ડ નં.1 બાલાખાડીમાં ધોડિયાવાડ જતા માર્ગ પર ભારે વરસાદને પગલે અંદાજે 2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. અહીં વસવાટ કરતા 12 જેટલા પરિવારના ઘરો વરસાદી પાણીને લઈ અસરગ્રસ્ત બન્યા હતા. જેને લઇને્ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે પાલિકા ચીફ ઓફિસર બી.બી. ભાવસારને જાણ કરાતા તેઓ પણ સ્થળ પર આવી નિરીક્ષણ કરતા તેઓએ વરસાદ બંધ પડ્યા બાદ હાલમાં બનાવાયેલો બ્લોકના રસ્તો દૂર કરી ત્યાં પાણી જવા માટે નાળાઓ નાખી ફરીથી રસ્તો બનાવી આપવાની બાંહેધરી આપી હોવાનું રાજેશ પટેલે જણાવ્યું હતું.

પારડી વૃક્ષ ધરાશાયી
પારડી : પારડીમાં બે-ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને લઈ પાણી ભરાયાં તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે. ત્યારે પારડી નેહાનં.48 સ્થિત હોટલ ફાઉન્ટનની સામે સર્વિસ રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેને લઇ જીઆઇડીસીથી સર્વિસ રોડ થઈ પારડી તરફ આવવાનો રોડ બંધ થઈ જતાં વાહનચાલકોને હાઇવે માર્ગ પરથી આવવાની નોબત ઉભી થઇ હતી. બાદમાં તંત્રએ તોતિંગ વૃક્ષને સાઈડ પર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

દમણમાં 3.72 અને સેલવાસમાં 4.43 ઈંચ વરસાદ
દમણ : દમણ અને સેલવાસમાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે સમાન્ય જનજીવનને અસર પહોંચી રહી છે. છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદને પગલે પ્રદેશની ધરા પાણીથી તરબોળ બની જવા પામી છે. નદી, નાળા, સરોવર અને ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. ખેડૂતો પણ વાવણી લાયક વરસાદ વરસવાનું શરૂ થતાં ખેતીકામમાં જોતરાઈ જવા પામ્યા છે. સતત વરસી રહેલા વરસાદને પગલે સાર્વત્રિક ઠંડક પ્રસરી જતાં પ્રદેશના લોકો જાણે હીલ સ્ટેશન પર રહેતા હોય એવી અનુભૂતિ કરી રહ્યા છે. ત્યારે દમણમાં 24 કલાક દરમ્યાન 3.72 ઈંચ વરસાદ સેલવાસમાં 24 કલાક દરમ્યાન 4.43 ઈંચ વરસાદ નોંધાવા પામ્યો છે. મધુબન ડેમમાં 1505 ક્યુસેક નવા પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી 212 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઇ ડેમની સપાટી હાલ 66.25 મીટર પર કાયમ રાખવામાં આવી છે.

Most Popular

To Top