National

શું રામ મંદિર અને કાશ્મીરની જેમ UCC માટે 5 ઓગસ્ટની તારીખ નક્કી થઈ ગઈ છે?

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) દેશમાં સતત ચર્ચામાં છે તેમજ UCCનં કારણે રાજકારણ પણ તેજ બન્યું છે. 27 જૂને વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ ભોપાલમાં (Bhopal) પહેલીવાર યુનિફોર્મ સિવિલ કોડ પર ખુલીને વાત કરી હતી. પીએમએ કહ્યું હતું કે જો કુટુંબના એક સભ્ય માટે એક નિયમ હોય, બીજા સભ્ય માટે બીજો નિયમ હોય, તો શું ઘરે ચાલી શકશે? જો એક ઘરમાં 2 કાયદા ન ચાલી શકે તો એક દેશમાં 2 કાયદા કેવી રીતે ચાલી શકે. પીએમ મોદીના UCC અંગેના ભાષણ પછી દેશમાં નજીકના દિવસોમાં UCC અમલ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પક્ડયું હતું.

કેન્દ્ર સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સંસદના આગામી ચોમાસુ સત્રમાં UCC સંબંધિત બિલની ચર્ચા કરી શકે છે અને તેને અમલમાં લાવી શકે છે. કાયદા પંચે યુસીસી અંગે સામાન્ય નાગરિકોનો અભિપ્રાય પણ માંગ્યો છે. સંસદીય સ્થાયી સમિતિએ પણ 3જી જુલાઈએ UCCને લઈને એક ખાસ બેઠક બોલાવી છે.

ભાજપ નેતા કપિલ મિશ્રાએ સમાન નાગરિક સંહિતા પર મોટું નિવેદન આપ્યું
આ વચ્ચે ભાજપ નેતા કપિલ મિશ્રાએ સમાન નાગરિક સંહિતા પર મોટું નિવેદન આપ્યું છે. કપિલ મિશ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે રામ મંદિરનો નિર્ણય 5 ઓગસ્ટે લેવામાં આવ્યો હતો, 5 ઓગસ્ટે જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી અને 5 ઓગસ્ટ પણ આવી રહી છે અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પણ. જય શ્રી રામ.

સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈને 10 ઓગસ્ટ
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. આવી સ્થિતિમાં 5 ઓગસ્ટની તારીખ આ સત્રમાં વચ્ચે આવે છે અને UCCનાં કાયદા માટે બંધબેસે છે. એવા પણ એંધાણ છે કે દેશમાં જે મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે તેમાંથી મોટા ભાગના નિર્ણય 5 ઓગસ્ટના રોજ લેવામાં આવ્યાં છે. જેના કારણે 5 ઓગસ્ટે જ UCC અંગે પણ નિર્ણય લઈ શકાય એમ છે.

શા માટે એવાં એંધાણ છે કે UCC સંબંધિત બિલ 5 ઓગસ્ટે પાસ કરાશે?
ભાજપના ત્રણ મુખ્ય મુદ્દાઓ રહ્યા છે જેને તે ચૂંટણીમાં જોરદાર રીતે ઉઠાવે છે. ભાજપ જ્યારથી સત્તા આવી છે તેને પોતાના વચન પૂર્ણ કરવા તરફ પોતાનું ધ્યાન આપ્યું છે. એક રામ મંદિર, બીજું જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અને ત્રીજું યુનિફોર્મ સિવિલ કોડ.

ભાજપ સરકારે સૌથી પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું વચન પૂરું કર્યું. આ માટે સરકાર સંસદમાં 5 ઓગસ્ટ, 2019નાં રોજ એક બીલ પસાર કર્યું. ભાજપ સરકારના આ નિર્ણય પછી જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ હતી. આ નિર્ણયના બરાબર એક વર્ષ પછી એટલે કે 5 ઓગસ્ટ 2020 ના રોજ ભાજપે પોતાનું બીજું વચન પૂર્ણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ 2020ના રોજ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યારે હવે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે 5 ઓગસ્ટના રોજ ભાજપ સરકાર પોતાનું ત્રીજું વચન પૂર્ણ કરી શકે છે અને તે યુનિફોર્મ સિવિલ કોડ છે.

યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ છે તમામ ધર્મો માટે એક જ કાયદો. ભારતમાં આજે પણ મોટાભાગના ધર્મના લોકો લગ્ન, છૂટાછેડા અને જમીન મિલકતના વિવાદો જેવી બાબતો તેમના અંગત કાયદા અનુસાર ઉકેલે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયના પોતાના અંગત કાયદા છે. જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ હિન્દુ નાગરિક કાયદા હેઠળ આવે છે. જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો તમામ ધર્મો માટે એક જ કાયદો રહેશે, એટલે કે જે કાયદો હિંદુઓ માટે છે, તે જ કાયદો મુસ્લિમો અને ખ્રિસ્તીઓને પણ લાગુ પડશે.

હાલમાં હિન્દુઓ છૂટાછેડા વિના લગ્ન કરી શકતા નથી જ્યારે મુસ્લિમોને ત્રણ લગ્નની છૂટ છે. સમાન નાગરિક સંહિતા આવ્યા પછી ધર્મ, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેક પર એક જ કાયદો રહેશે. હાલમાં ભારતમાં તમામ નાગરિકો માટે સમાન નાગરિક કાયદો નથી.

Most Popular

To Top