Surat Main

વડાપ્રધાન મોદીએ એવું તો શું કર્યું કે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કામની સ્પીડ વધારી દેવાઈ

સુરત: સુરત શહેર માટે અતિ મહત્વના એવા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Surat Metro Rail) કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. હાલમાં સુરત મેટ્રોના ફેઝ-1 ડ્રીમસિટીથી (Dream City) સરથાણા રૂટની કામગીરી ઓનસાઈટ શરૂ થઈ ચૂકી છે. જ્યારે મેટ્રોના બીજા રૂટ સારોલીથી ભેંસાણ માટે ટેન્ડરો બહાર પાડી દેવાયા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે આ સમીક્ષા કરવાના હોય તેવો મેસેજ મળતા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીની સ્પીડ વધી ગઈ છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત મેટ્રો પ્રોજેક્ટને પ્રગતિ પોર્ટલ ઉપર લીધો
  • એપ્રિલ અથવા મે મહિનામાં સુરત મેટ્રો પ્રોજેક્ટની વડાપ્રધાન સમીક્ષા કરશે
  • સુરત મનપા, જીએમઆરસી સહિત તમામ એજન્સીઓ દોડતી થઈ
  • સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 94 ટકા જમીનનો કબજો લેવાનું કામ પુરૂ થઇ ગયું

સુરત મેટ્રો પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પ્રગતિ પોર્ટલ (Pragati Portal) ઉપર લીધો હોય, એપ્રિલ કે મે માસમાં વડાપ્રધાનની હાજરીમાં ઓનલાઈન મીટિંગમાં સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી વિશે સમીક્ષા કરવામાં આવશે. જે માટે શુક્રવારે સુરત મનપા મુખ્ય કચેરી ખાતે ગાંધીનગરથી જી.એમ.આર.સીના (GMRC) અધિકારીઓ, કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરી, મનપા કમિશનર, કલેક્ટર વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી. જે અંગે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, મેટ્રો માટે કુલ 72 હેક્ટર જેટલી જગ્યાનો કબજો લેવાનો હતો. જે પૈકી 94 ટકા એટલે કે, 68 હેક્ટર જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો છે માત્ર 4 હેક્ટર જમીનનો કબજો લેવાનો બાકી છે.

વધુમાં મનપા કમિશનરે જણાવ્યું હતું કે, સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ઝડપથી થઈ રહી છે. ડ્રીમસિટી પાસે આકાર પામનારા ડેપોનું કામ પણ ઝડપથી થઈ રહ્યું છે. ડેપોના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ શહેરમાં એલિવેટેડ રૂટ માટેના પાઈલિંગના કન્સટ્રક્શન પણ શરૂ થઈ ચૂક્યા છે. સુરત મેટ્રોના પ્રથમ ફેઝ માટેના કુલ 2566 પાઈલમાંથી 367 પાઈલ બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. તેમજ કુલ 3381 ગાઈડ વોલ(પ્રોટેક્શન વોલ) માથી 985 ગાઈડવોલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ ચોમાસુ શરૂ થાય તે પહેલા અંડરગ્રાઉન્ડ મેટ્રોનું કામ જલદીથી પૂર્ણ થાય તે રીતે કામગીરી કરાશે. અંડરગ્રાઉન્ડ માટે જરૂરી એવા ટીબીએમ(ટનલ બોરિંગ મશીન) ના ટેસ્ટિંગની કામગીરી તો પૂર્ણ થઈ ચૂકી છે અને એક મહિનામાં આ મશીનરીથી અંડરગ્રાઉન્ડની કામગીરી શરૂ કરી દેવાશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.

સુરત મેટ્રોના પ્રાયોરિટી રૂટ(ડ્રીમસિટીથી કાપોદ્રા) જુન 2023 સુધી પૂર્ણ કરી દેવાશે
સુરત મેટ્રોની કામગીરી બે ફેઝમાં થશે. જેમાં પ્રથમ રૂટ ડ્રીમસિટીથી સરથાણા છે. બીજો રૂટ સારોલીથી ભેસાણ છે. જેમાં હાલમાં પ્રાયોરિટી રૂટમાં ડ્રીમસિટીથી કાપોદ્રા રૂટની કામગીરી શરૂ છે અને અન્ય રૂટ હાલ ટેન્ડરિંગ પ્રોસેસમાં છે. પહેલા પ્રાયોરિટી રૂટની કામગીરી જુન 2024 સુધી પૂર્ણ કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો હતો પરંતુ જે ઝડપથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે પરથી પ્રાયોરીટી રૂટની કામગીરી જુન 2023 સુધી પુર્ણ કરી દેવાશે તેમ જાણવા મળ્યું છે.

Most Popular

To Top