Vadodara

ચૂંટણીના માહોલ વચ્ચે વિકાસના ખાડા ખોદાયા

વડોદરા: એક તરફ ચૂંટણીનો માહોલ તો બીજી તરફ વડોદરા સ્માર્ટ સિટીમાં વિકાસ કામોને વેગ આ બે નો સમન્વય ભોળી જનતાને વધુ એક વખત ભ્રમિત કરવા માટે કરાયો હોય તેમ લાગી રહ્યું છે.એકાએક વિકાસના કામો જો આવી રીતે પાર પાડવા તંત્ર હર હમેશ ટેવાય તો ખૂબ ટૂંકા સમયમાં શહેરની ખરા અર્થમાં રોનક બદલાય અને સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્માર્ટ સિટીમાં વડોદરાનું નામ મોખરે બોલાય.પરંતુ અહીં લોભ વગર લાલો લોટે નહીં તે કહેવત સાર્થક થતી જણાય છે.
વડનગરી કલનાગરી સંસ્કારી નગરી વડોદરા તેના ભિન્ન ભિન્ન નામે પ્રચલિત છે.પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી આ નગરીને વડોદરાની જગ્યાએ ખાડોદરા અને ભુવા નગરી તરીકે પણ લોકમુખે સાંભળવા મળી રહ્યું છે.

જેનું મુખ્ય કારણ જ્યાં જરૂર જ નથી ત્યાં વિકાસ અને જ્યાં ખરેખર જરૂર છે.ત્યાં લોકોની ગમે તેટલી ફરિયાદો,રજૂઆતો તેમ છતાં કામ તો મરજી મુજબ જ થતા હોય છે. શહેરમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો પાણી અને ત્યારબાદ ડ્રેનેજ અને રોડ રસ્તાનો જેનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. જ્યારે પણ કોઈ કામગીરી કરવાની હોય ત્યારે તેના ખાતમુહૂર્ત થતા હોય છે અને વિસ્તારના લોકોને ભ્રમિત કરવા માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવાના છે તેવી ગુલબાંગો મારવામાં આવતી હોય છે.

પરંતુ ત્યાં પણ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે અધિકારીઓની મિલીભગતને કારણે યોગ્ય કામગીરી નહીં થતાં છાસવારે જે તે વિસ્તારના લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવાની ફરજ પડતી હોય છે. હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે વડોદરામાં ઠેકઠેકાણે વિકાસના કામો થઈ રહ્યા છે.શહેરના ગોત્રી પ્રિયા ટોકીઝથી લઈ ગોત્રી સેવાસી ચાર રસ્તા સુધી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. જેના પગલે માર્ગ પર વિકાસના ખાડા ખોદવામાં આવ્યા છે અને પાઇપો રસ્તે જ આડેધડ મૂકી દેવાય છે.જેના કારણે પસાર થઈ રહેલા વાહનચાલકોને પરેશાની થવા સાથે અકસ્માતનું પણ જોખમ ઉભું થયું છે.

એક માર્ગ પર એક તરફ આ ચાલી રહેલ કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવે છે. મહત્વની બાબતો એ છે કે ચૂંટણીનો માહોલ છે ત્યારે ઠેર ઠેર આ વિકાસના ખાડા ખોદવામાં આવ્યા છે અને દર્શાવાઇ રહ્યું છે કે વિકાસ થઈ રહ્યો છે અને કરી રહ્યા છે. જોકે લોકોના સવાલો ઉઠી રહ્યા છે કે આ વિકાસ ચૂંટણી ટાણે જ કેમ ? કામગીરી કરવી હોત તો અગાઉ પણ આ વિસ્તારોમાં લોકોની ફરિયાદ હતી જ કે અહીં આ સમસ્યા છે.પણ પાણી આવતા પહેલા પાળ બાંધવા તંત્ર કદી ટેવાયું નથી અને જે સે થેની જ સ્થિતિ જોવા મળી રહી છે.

Most Popular

To Top