SURAT

સુરતના વરાછામાં 15 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાનું કહી વેપારીએ ખેલ કરી નાંખ્યો

સુરત : વરાછા (Varacha) વિસ્તારમાં આવેલી શામળ બિલ્ડીંગમાં હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી 15 દિવસમાં પેમેન્ટ (Payment) ચુકવી આપવાનો ભરોસો આપી રૂ.9.11 લાખના હીરા (Diamond) લઇ ગયા બાદ હીરા દલાલ ઓફીસ (Office) તેમજ મકાન ખાલી કરીને ફરાર થઇ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ચિત્રકુટ સોસાયટીમાં રહેતા ઉજાસ ગોપાલભાઈ મોતીસરીયા (ઉ.વ.૨૭) હીરા વેપારી છે. તેમની વરાછા મીનીબજાર શામળ બિલ્ડિંગમાં માયરા ડી.એમ.ફર્મના નામે ઓફીસ આવેલી છે. દરમિયાન ઉજાસભાઈ પાસેથી ગઇ 1 ઓગષ્ટના રોજ મોટા વરાછા ગ્રીન પ્લાઝામાં જે.ડી. કોર્પોરેશનનાં નામે હીરા દલાલીનું કામ કરતા રોહિત વલ્લભાઈ પટેલ (રહે, મોમાઈનગર સોસાયટી, નાના વરાછા) ઓફિસમાં આવી પંદર દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી અલગ-અલગ કેરેટના કુલ રૂ.9.11 લાખની કિંમતના હીરા લઇ ગયો હતો. વેપારી ધારાધોરણ પ્રમાણે પેમેન્ટ ચુકવી દેવાનો ભરોસો આપીને હીરા લઇ ગયેલા હીરા દલાલ રોહીતે વેપારીને ચેક આપ્યા હતા. જોકે ચેક પણ રિટર્ન થયા હતા. ઉઘરાણી કરતા વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ હતી. આ મામલે વરાછા પોલીસ મથકે હીરા વેપારી ઉજાસ મોતીસરીયાએ ફરિયાદ નોંધાવી હતી.

ક્રિકેટ સટ્ટાના રૂ. 2 કરોડની ઉઘરાણી માટે હીરા કારખાનેદારનું અપહરણ કરી માર મરાયો
સુરત : નાના વરાછા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હીરા કારખાનેદારનું કાપોદ્રા ધારુકાવાળા કોલેજના કમ્પાઉન્ડ પાસેથી ચપ્પુની અણીએ અપહરણ કરી લેવાયું હતું. વેપારીને એક બુકી દ્વારા તેની ઓફીસમાં ગોંધી રાખી માર મારી 2 કરોડની ઉઘરાણી કરીને જો પોલીસ ફરિયાદ કરશે તો પરિવારના સભ્યોને ઉપાડી લેવાની ધમકી અપાઇ હતી. હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કાપોદ્રા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર નાના વરાછા ચીકુવાડી સીએનજી પંપ પાછળ નિર્મળનગર સોસાયટીમાં રહેતા હીરા કારખાનેદાર દિપક ગણેશભાઈ મોરડીયા (ઉ.વ.૩૫) સોમવારે રાત્રે 8 વાગ્યે કાપોદ્રા ધારૂકાવાળા કોલેજના કમ્પાઉન્ડનાં ગેટ પાસે કાર લઇને જઇ રહ્યા હતા ત્યારે કાપોદ્રા મમતા પાર્ક ખાતે રહેતા વિરલ ધનજી વાઘાણીનાં સાગરીત મુકેશ સહિત ત્રણ જણા ફોર્ચ્યુનર ગાડીમાં આવી કારખાનેદાર દિપકને ઉભો રાખી તેનું ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી ગયા હતા. અને ચાલુ ગાડીમાં ચપ્પુ બતાવીને ડરાવી ધમકાવી માર માર્યો હતો. વિરલ ધનજી વાઘાણીએ પણ સટ્ટાના 2 કરોડ ક્યારે આપશે તેમ કહી માર માર્યો હતો અને જો પોલીસમાં ફરિયાદ કરશે તો તારા ઘરના સભ્યોને ઉપાડી જઇશું તેવી ધમકી આપી છોડી મુક્યો હતો. આ મામલે હીરા કારખાનેદાર દિપક મોરડીયાએ કાપોદ્રા પોલીસ મથકમાં વિરલ વાઘાણી, મુકેશ સહિત ત્રણ જણા વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

Most Popular

To Top