National

શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા PAK વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ગોવા પહોંચ્યા

નવી દિલ્હી: (New Delhi) પાકિસ્તાનના (Pakistan) વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) ભારતમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા છે. 12 વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે પાડોશી દેશ પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે. આ પહેલા 2011માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર ભારતના પ્રવાસે આવ્યા હતા.

જણાવી દઈએ કે બિલાવલ ભુટ્ટો પહેલીવાર 13 ઓગસ્ટ 2018ના રોજ પાકિસ્તાનના સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 27 એપ્રિલ 2022ના રોજ પાકિસ્તાનના 37મા વિદેશમંત્રી તરીકે શપથ લીધા હતા. જણાવી દઈએ કે 2007માં બેનઝીર ભુટ્ટોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે સમયે 19 વર્ષની ઉમરે બિલાવલ ભુટ્ટો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. આ તરફ ભુટ્ટોની ભારત મુલાકાત ચર્ચામાં છે. જો કે તેમની ભારત મુલાકાત પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે કોઈપણ સ્તરે દ્વિપક્ષીય વાતચીત થશે નહીં. 2019માં પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી કરી હતી. બાલાકોટ પર હવાઈ હુમલો થયો હતો ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બની ગયા હતા.

આ પછી ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવતાં ભારત-પાક સંબંધો વધુ ખરાબ થયા હતા. ત્યારથી પાકિસ્તાને ભારત સાથે રાજદ્વારી અને વેપારી સંબંધો તોડી નાખ્યા હતા. જોકે ભારત પર આની કોઈ ખાસ અસર થઈ નથી. પરંતુ પાકિસ્તાનની કમર તૂટી ગઈ હતી. ગરીબ પાકિસ્તાનના લોકો પોતે કહી રહ્યા છે કે જો ભારત સાથે સારા સંબંધો હોત તો લોટ અને અન્ય મૂળભૂત જરૂરિયાતો ભારતથી આવી હોત. તેઓનું કહેવું છે કે ભૂખે મરતા દેશ પાકિસ્તાનની આ હાલત પાછળ પાકિસ્તાનના શાસકોનો હાથ છે.

દરમ્યાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બે લેટેસ્ટ તસવીરો સામે આવી છે. એક તસવીરમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દેખાઈ રહ્યા છે જયારે બીજી તસવીરમાં ચીનના વિદેશ મંત્રી કિન ગાંગ દેખાઈ રહ્યા છે. પ્રથમ તસવીરમાં બિલાવલ એક ભારતીય અધિકારી સાથે ઉભા છે. પરંતુ બંને હાથ મિલાવતા હોય તેવી કોઈ તસવીર નથી. તે જ સમયે બીજી તસવીરમાં ભારતીય અધિકારીઓ ચીનના વિદેશ મંત્રી સાથે હાથ મિલાવતા જોવા મળે છે. ભારતે પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે જે તેની ધરતી પરથી આતંકવાદને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. બેઠક પહેલા જ ભારતે કહ્યું હતું કે આતંકવાદ અને મંત્રણા એક સાથે ચાલી શકશે નહીં. રાજદ્વારી જેપી સિંહે બિલાવલ સાથે હાથ ન મિલાવતા તેને આ એંગલથી જોવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top