Top News

More Posts

   The Latest

Most Popular

સુરત(Surat): પત્નીથી અલગ રહેતા યુવકને પ્રેમજાળમાં (LoveTrape) ફસાવી તેની સાથે લિવ ઈનમાં (LivIn) રહ્યા બાદ તેના રૂપિયા 96 લાખ રોકડા લઈ બીજા પ્રેમી સાથે ભાગી જનાર પ્રેમિકાને (Lover) સુરત પોલીસે ઝડપી લોકઅપમાં પુરી દીધી છે. આ યુવતી અને તેનો પ્રેમીએ ઈરાદાપુર્વક યુવકને ફસાવ્યો હોવાની હકીકત સામે આવી છે.

આ કેસની વિગત એવી છે કે, વેડરોડની વિરામનગર સોસાયટીમાં આવેલા સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષના દિલીપ ધનજી ઉકાણીના ઘરમાંથી રૂપિયા 96 લાખ રોકડા ચોરાયા હતા. દિલીપની સાથે તેના જ ઘરમાં લિવઈનમાં રહેતી પ્રેમિકા જયશ્રી દિનેશ ભગત (ઉં.વ. 29) તેના પ્રેમી શુભમ સમાધાન મિસલ (ઉં.વ.30) સાથે મળી આ ચોરી કરી હતી. દિલીપની ફરિયાદના આધારે તપાસ કરી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે ફરિયાદના આધારે ભાગી ગયેલા બંટી બબલીને ઝડપી લેવા વોચ ગોઠવી હતી. જયશ્રી તેના બાળકો અને પતિને મળવા સુરત આવી હતી. જે અંગેની જાણ થતાં જ પોલીસે તેણીને ઝડપી લીધી હતી. બાદમાં તેના પ્રેમીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. ચોરી કરીને બંટી બબલી પુણે નાસી ગયા હતા. હાલ પોલીસે 70 લાખ જેટલી રકમ રિકવર કરી છે. જ્યારે અન્ય રકમ હાલ ક્યાં વાપરી અને ક્યાં છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે ફસાવ્યો હતો?
જયશ્રી પતિથી અલગ બે બાળકો સાથે કતારગામ ખાતે આવેલા કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતી હતી. દિલીપ પણ પત્નીથી અલગ થઈ કૃષ્ણકુંજ સોસાયટીમાં ભાડે રહેતો હતો. જયશ્રી અને દિલીપ સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જયશ્રી પતિ સાથે છૂટાછેડા લઈ દિલીપ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. એટલે દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવી ગયો હતો. છેલ્લા કેટલાંક સમયથી સાથે રહેતા હતા ત્યારે જયશ્રીનો બીજો પ્રેમી શુભમ અવાર નવાર તેને મળવા માટે આવતો હતો. આ અંગે પૂછતા શુભમ સાથે બ્રેક અપ થઈ ગયું હોવાનું કહેતી હતી અને ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધુ હતુ.

કેવી રીતે રૂપિયા લઈ ભાગ્યા?
દરમિયાન ગઈ તા. 23મી જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્ણુકંજ સોસાયટીનું મકાન વેચી નાંખ્યું હતું જેના રૂપિયા 96.44 લાખ આવ્યા હતા. આ રકમ તેણે ઘરમાં જ મુકી રાખી હતી. ગઈ તા. 31 જાન્યુઆરીના રોજ જયશ્રીએ તેના દીકરાઓને ડભોલીમાં તેના પિતાના ઘરે મુકવા માટે ગઈ હતી.

જોકે, પિતા ઘરે ન હોવાથી જયશ્રીએ દિલીપને કહ્યું કે, તુ આ દીકરાઓને મારા પિતા શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચે છે, ત્યાં તેમની પાસે મુકીને આવો. હું અહીં ઉભી છું, તેમ કહી ત્યાંથી જયશ્રી નાસી ગઈ હતી. દિલીપે ઘરે આવી ફોન કરતાં જયશ્રીનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો.

શંકા જતા ઘરના દરવાજાનું તાળુ તોડી તપાસ કરતા મકાન વેચાણના આવેલા રોકડા 96.44 લાખ રૂપિયા પણ ગાયબ હતા અને જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંને જણાના મોબાઈલ પણ બંધ આવ્યા હતાં. આથી આ બંને જણાએ ભેગા મળી રૂપિયા ચોરી ભાગી ગયા હોવાનું બહાર આવતા દિલીપ ઉકાણીએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી.

To Top