Business

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રખર વિરોધીની જિંદગી જેલમાં સમાપ્ત થઈ

ભારતના પડોશી દેશો રશિયા અને ચીનમાં સરમુખત્યારોનું રાજ ચાલે છે. રશિયાના વ્લાદિમીર પુતિન અને ચીનના શી જિનપિંગ જેવા નેતાઓ કોઈ વિરોધી નેતાને શક્તિશાળી બનવા દેતા નથી. રશિયામાં વિપક્ષી નેતા કોણ છે? તેની દુનિયાને ભાગ્યે જ જાણ હોય છે. પ્રસાર માધ્યમોમાં ભાગ્યે જ તેમના સમાચાર પ્રગટ થતા હોય છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી વધુ પ્રખર ટીકાકારોમાંના એક વિપક્ષી નેતા એલેક્સી નવલ્નીનું અવસાન થયું છે. નવલ્ની આતંકવાદના આરોપમાં ૧૯ વર્ષની સજા ભોગવી રહ્યા હતા અને તેમને આર્ક્ટિક સર્કલ ઉપરની જેલ કોટડીમાં રાખવામાં આવ્યા હતા.

એલેક્સી નવલ્ની પર પુતિનનો જીવ લેવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો અને આ અંગેની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. એલેક્સી નવલ્નીને પુતિનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે અને તેમણે ભ્રષ્ટાચાર સામે લડવા અને લોકશાહીને પ્રોત્સાહન આપવા માટે અથાક મહેનત કરી હતી. ૧૯૭૬માં જન્મેલા નવલ્નીએ કાયદાનો અભ્યાસ કર્યો અને પોતાની જાતને એક સફળ વકીલ તરીકે સ્થાપિત કરી હતી, પરંતુ ૨૦૦૮માં તેમણે સરકારી કંપનીઓના કૌભાંડોને ઉજાગર કરતો બ્લોગ લખ્યો હતો. આ એક બ્લોગને કારણે તેમની લોકપ્રિયતા કૂદકે ને ભૂસકે વધી ગઈ હતી. આ બ્લોગને કારણે મચેલા વિવાદને પગલે સરકારમાં રહેલા ઘણા નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ પણ રાજીનામું આપવું પડ્યું હતું.

૨૦૧૧ માં નવલ્નીને સરકાર વિરુદ્ધ બ્લોગ લખવા અને રશિયન સંસદ ડુમાની બહાર સરકાર વિરોધી રેલીનું આયોજન કરવા બદલ ભારે પરિણામોનો સામનો કરવો પડ્યો હતો. તેમની પ્રથમ વાર ધરપકડ કરવામાં આવી હતી. તેમણે સરકાર વિરુદ્ધના અભિયાનમાં પીછેહઠ કરી ન હતી અને સોશ્યલ મીડિયાનો સહારો લીધો હતો. ૨૦૧૩ માં નવલ્નીએ મોસ્કોના મેયર બનવા માટે ચૂંટણી લડી હતી, પરંતુ તેમને પુતિનના સમર્થક સર્ગેઈ સોબયાનિનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, સરકાર વિરોધી વાતાવરણ ઊભું કરવામાં તેઓ સફળ રહ્યા હતા.

નવલ્ની સામે ફોજદારી કેસોની તપાસ કરવા માટે રચવામાં આવેલી સમિતિએ તેમને કિરોવ શહેરમાં કથિત આગચંપી માટે દોષિત ઠેરવ્યા હતા અને તેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી, પરંતુ હાઈકોર્ટે સજાની પુષ્ટિ ન થતાં તેને સ્થગિત કરી દીધી હતી. વાસ્તવમાં નવલ્ની સામેની તપાસ સમિતિ બીજા કોઈએ નહીં પણ પુતિને પોતે રચી હતી. જો કે, બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટ અને પછી કિરોવ કોર્ટમાં પહોંચ્યો હતો.એલેક્સી નવલ્નીએ ફેબ્રુઆરી ૨૦૧૭માં સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનેક મોટાં શહેરોમાં રેલીઓનું આયોજન કર્યું હતું. આનાથી પુતિન નારાજ થયા હતા અને તેમણે નવલ્ની સહિત હજારથી વધુ વિરોધીઓની ધરપકડ કરી હતી.

એપ્રિલ ૨૦૧૭ માં નવલ્ની પર એક રેલી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમની આંખના કોર્નિયાને નુકસાન થયું હતું. સરકાર તેમને દેશની બહાર સારવાર કરાવવાની મંજૂરી આપી રહી ન હતી, પરંતુ માનવ અધિકાર પરિષદની દરમિયાનગીરી બાદ તેમને સ્પેન જવાની મંજૂરી આપવામાં આવી હતી. નવલ્નીને ૨૦૨૦માં વિમાનની મુસાફરી દરમિયાન ઝેર આપવામાં આવ્યું હતું. પશ્ચિમી દેશોએ આ હુમલા પાછળ રશિયાનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. જર્મનીમાં તેમની સારવાર કરવામાં આવી હતી અને તેમનો જીવ બચી ગયો હતો. રશિયા પાછા ફર્યા બાદ નવલ્નીની જેલની સજા વધારીને ૧૯ વર્ષ કરવામાં આવી હતી.

૨૦૧૧માં નવલ્નીએ એન્ટી કરપ્શન ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી. આ સંસ્થા દ્વારા તેમણે પુતિનને સરકારી ભ્રષ્ટાચારના મામલા પર સીધો પડકાર આપવાનું શરૂ કર્યું હતું. નવલ્ની ૨૦૧૬માં જેલમાંથી બહાર આવ્યા હતા. ત્યાર બાદ તેમણે સરકાર વિરુદ્ધ દેખાવોનું આયોજન કરવાનું શરૂ કર્યું. ૨૦૧૭ માં પુતિનનો વિરોધ કરવા બદલ તેમને ત્રણ વખત જેલની સજા કરવામાં આવી હતી. રશિયામાં તે પછીનાં વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની હતી. નવલ્ની પુતિનને હરાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા હતા, પણ તેમને આંચકો લાગ્યો. રશિયાના ચૂંટણી પંચે તેમને ગેરલાયક ઠેરવ્યા હતા. તેઓ ચૂંટણી લડી શક્યા ન હતા. તો પણ નવલ્ની અટક્યા નહીં.

તેમણે પુતિન સામે વિરોધ ચાલુ રાખ્યો હતો. પુતિન સરકારે પણ દેખાવકારોને સજા કરવામાં ખંચકાટ અનુભવ્યો નહોતો. જુલાઈ ૨૦૧૯ માં તેમને મોસ્કોના સિટી હોલમાં સરકાર વિરોધી પ્રદર્શન યોજવા બદલ એક મહિના માટે જેલમાં રાખવામાં આવ્યા હતા. ઓક્ટોબર ૨૦૧૯માં તેમની સંસ્થા એન્ટી કરપ્શન ફાઉન્ડેશનને વિદેશી એજન્ટ જાહેર કરવામાં આવી હતી અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. મોસ્કો છોડ્યા પછી પણ નેવલ્ની પર થોડા દિવસો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પહેલી વાર નથી જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિનના કોઈ વિરોધીનું આવા રહસ્યમય સંજોગોમાં મોત થયું હોય. આ પહેલાં પણ તેમના ઘણા વિરોધીઓ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા.

મોસ્કો નજીક વિમાન દુર્ઘટનામાં વેગનર ગ્રૂપના નેતા યેવજેની પ્રિગોઝિનનું મૃત્યુ થયું હતું. વેગનર ગ્રુપના લડવૈયાઓને રશિયન સેનામાં સામેલ કરવાના પુતિનના નિર્ણયની તેણે ટીકા કરી હતી. તેણે વેગનર જૂથને શસ્ત્રો, દારૂગોળો અને નાણાં આપવાનો ઇનકાર કરવાનો આરોપ મૂકીને મોસ્કો સામે લશ્કરી બળવો પણ શરૂ કર્યો હતો. તેણે પુતિનને ઉથલાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ પ્રિગોઝિનને રશિયામાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

ડિસેમ્બર ૨૦૨૨માં એક મોટા રશિયન ઉદ્યોગપતિ પાવેલ એન્ટોનોવ રાયગડામાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. પોલીસે કહ્યું હતું કે પાવેલ એન્ટોનોવ તેમની હોટલની બારીમાંથી પડી ગયા હતા. તેમના ૬૫મા જન્મદિવસના ૨૫ દિવસ પછી તેમનું અવસાન થયું હતું. પાવેલે યુક્રેનની રાજધાની કિવ પર રશિયન મિસાઈલ હુમલાની ટીકા કરી હતી. જો કે, બાદમાં તેમણે પોતાનો મેસેજ ડિલીટ કરી દીધો હતો અને દાવો કર્યો હતો કે તે બીજા કોઈએ લખ્યો હતો. પુતિનના બીજા જાણીતા વિરોધી મનાતા રશિયાની તેલ કંપનીના માલિક રવિલ મગાનોવનું સપ્ટેમ્બર ૨૦૨૨ માં મોસ્કોની એક હોસ્પિટલની બારીમાંથી પડીને મૃત્યુ થયું હતું.

નવલ્નીના મૃત્યુ પછી સરકારે વિરોધીઓને શેરીઓમાં ન આવવાની ચેતવણી આપી છે. નવલ્નીના મૃત્યુ બાદ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં લોકો નવલ્નીના સન્માનમાં ફૂલ ચઢાવતા જોવા મળી રહ્યા છે. મોસ્કોમાં એક સામુહિક રેલીમાં ભાગ લેવા માટે લોકો માટે એક ઓનલાઈન ઝુંબેશ વિશેની માહિતી પ્રકાશમાં આવી છે. આ માહિતી સામે આવ્યા બાદ સરકાર ભયભીત થઈ જતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચેતવણી જારી કરવી જરૂરી બની ગઈ હતી. રશિયામાં સરકારી નિયમોનો વિરોધ કરવો ગેરકાયદેસર છે.

નવલ્નીના સમર્થનમાં યોજાયેલી રેલીઓ સામે રશિયન સત્તાવાળાઓએ ખાસ કરીને કડક પગલાં લીધાં છે. નવલ્નીના મૃત્યુ પછી ડઝનેક લોકો રશિયાની FSB સુરક્ષા સેવાના મુખ્યાલયની સામે લાલ અને સફેદ ગુલાબ અર્પણ કરતા જોવા મળ્યા હતા. સ્વતંત્ર સોટા ટેલિગ્રામ ચેનલ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તે વ્યક્તિના હાથમાં પ્લેકાર્ડ હતું, જેના પર કિલર લખેલું હતું. આટલું જ નહીં, કેટલાક લોકો પુલ પર પણ જોવા મળ્યા, જેઓ ફૂલ ચઢાવવા માટે આવ્યા હતા. આ જ જગ્યાએ ૨૦૧૫માં પુતિનના સૌથી મોટા વિરોધી બોરિસ નેમત્સોવની હત્યા કરવામાં આવી હતી.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top