Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપા પ્રમુખ ડો.વિજય શાહે ખેલ પાડતા આર.એસ.પી.ના પ્રદેશ અધ્યક્ષ અને વોર્ડ-9ના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ આયરે પક્ષના કાઉન્સિલરો સહિત 100 જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. નવા બોર્ડમાં રાજેશ આયરેને કોઈ મોટું પદ આપવાની લાલચ આપીને પક્ષમાં સામેલ કરાયા હોવાની કાર્યકરોમાં ચર્ચા થઈ રહી છે.

શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા મનુભાઇ ટાવર સ્થિત ભાજપ કાર્યાલયમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે આર.એસ.પી. ના પ્રદેશ પ્રમુખ અને કાઉન્સીલર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે અને હેમલતાબેન ગૌર સહિત 100 ઉપરાંત કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપામા આવકાર્યા હતા. જોકે પાલિકાની આવી રહેલી ચૂંટણી પૂર્વે આર.એસ.પી. કાઉન્સીલરો અને કાર્યકરો ભાજપમા જોડાતા કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ભાજપની ટિકીટની આશાએ કામ કરી રહેલા કાર્યકરોની ચૂંટણી લડવાની ઇચ્છાઓ ઉપર પાણી ફરી વળશે.

આવનાર દિવસોમાં ભાજપના જ ટિકીટ વાચ્છુ કાર્યકરો બળવો કરે તો નવાઇ નહીં. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની સામાન્ય સભામાં સત્તાધારી ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી, સભા ગજવનાર તેમજ પોતાના વિસ્તારના વિકાસલક્ષી કામો માટે ધરણા કરનાર અને ભાજપ સામે આક્રમક શબ્દબાણ ચલાવનાર રાજેશ આયરે પક્ષના કાઉન્સિલરો સહિત 100 કાર્યકરો સાથે ભાજપામાં જોડાઇ જતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.

શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2010થી 2015 સુધી રાજેશભાઈએ અમારી સાથે કામગીરી કરી હતી અને તેનાથી અમને ખુબ જ ખુશ હતા. હવે તેમના ભાજપ પક્ષમાં આવવાથી પાર્ટીને ખુબ ફાયદો થશે, કારણ કે, પશ્ચિમ વિસ્તારમાં તેમનું વર્ચસ્વ અને કામગીરી બોલે છે. તેના કારણે તેમના વોર્ડ નં-9 વિસ્તાર સહિત વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 11માં પણ ફાયદો થશે.

To Top