Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) કોરોનાની બીજી લહેર સુરત શહેર અને જિલ્લાના ડાઇંગ-પ્રોસેસિંગ એકમો (Dyeing-processing units) માટે ઘાતક સાબિત થઇ છે. 28 એપ્રિલથી ફોસ્ટા દ્વારા કાપડ માર્કેટ બંધ કરવામાં આવતા 12મે સુધી ટેક્સટાઇલ ક્લસ્ટરની 350 ડાઇંગ મિલોમાં થી 90 ટકા મિલો (Mill) બંધ પડી છે. તેને લીધે હજારો કારીગરોએ રોજગારી ગુમાવી છે. કોરોના સંક્રમણના વર્ષ દરમિયાન કાપડનો વેપાર મંદ રહેવા સાથે ક્રેડિટ પર જોબવર્કનું કામ અને કાપડ વેચનાર મિલોનું 4000 કરોડનું પેમેન્ટ (Payment) ટ્રેડર્સોમાં ફસાયુ છે.

ડાઇંગ પ્રોસેસિંગ એકમોના ઉદ્યોગકારોએ 2020ના લોકડાઉન પછી બેંકો પાસેથી 2થી 5 કરોડની કેશ ક્રેડિટ લીધી હતી તેના પર કામ ચાલી રહ્યું છે. હવે ઉદ્યોગકારોની સ્થિતિ એવી થઇ છે કે સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંકોના ઓવરડ્રાફ્ટની રકમ ભરપાઇ કરી શકે તેમ નથી. તે સ્થિતિમાં જો નજીકના દિવસોમાં કાપડ માર્કેટ શરૂ નહી થાય તો કેટલાક સધ્ધર દેખાતા ઉદ્યોગકારો પણ નાદારી નોંધાવે તે સ્થિતિએ પહોંચ્યા છે. પ્રોસેસર્સનું કહેવુ છે કે કાપડ માર્કેટમાં હોલસેલ વેપાર થાય છે તે જોતા પચાસ ટકા સ્ટાફ સાથે માર્કેટ ઉઘડી શકે છે. પરંતુ ફોસ્ટા અને ચેમ્બરના ગજગ્રાહમાં વર્ચસ્વની લડાઇ શરૂ થતા પ્રોસેસર્સનો ખો નીકળી રહ્યો છે. રાજ્ય સરકારની પરિપત્ર પ્રમાણે માર્કેટમાં પેકિંગ,કટિંગ અને ટ્રાન્સપોર્ટેશનની છૂટ આપવામાં આવી છે. લોકડાઉનથી અત્યાર સુધીના વર્ષમાં ડાઇંગ પ્રોસેસિંગ એકમોને પચાસ ટકા સુધી ડેમેજ થયુ છે. તેની ભરપાઇ મુશ્કેલ છે.

પાર્સલ ડિસ્પેચનું કામ મિલમાલિકોએ મિલોથી શરૂ કર્યુ
સુરતના ટેક્સટાઇલ ક્લસ્ટરમાં આવેલી પાંડેસરા,સચિન,હોજીવાલા અને વસ્તાદેવડી રોડની મિલોના માલિકોએ રિંગરોડ અને સારોલીની માર્કેટોમાંથી ડિસ્પેચ કરવાને બદલે હવે માલની ડિલિવરી મિલોમાંથીજ આપવાનું શરૂ કર્યુ છે. જેમની પાસે જીઆઇડીસીના વધારાના ગોડાઉન હતા તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

બંધ થયેલી મિલો રિ-સ્ટાર્ટ કરવા 30 લાખનો ખર્ચ આવશે
કાપડ માર્કેટો લાંબા સમયથી બંધ રહેવા ઉપરાંત કામદારોએ મોટા પાયે પલાયન કરતા ડાઇંગ પ્રોસેસિંગ હાઉસો 90 ટકા બંધ પડ્યા છે. આ સ્થિતિમાં માર્કેટ શરૂ થશે તો મિલોને રિ-સ્ટાર્ટ કરવી પડશે. એક મિલને રિ-સ્ટાર્ટ કરવા પાછળ અંદાજે 30 લાખનો ખર્ચ થશે. આ સ્થિતિમાં વેપારીઓએ માર્કેટ સરકારની ગાઇડલાઇન પ્રમાણે શરૂ કરવા વિચારવુ જોઇએ. – જીતેન્દ્ર વખારિયા, પ્રમુખ, એસજીટીટીએ

હજી અઠવાડિયું કાપડ માર્કેટ નહીં ખુલે તો બાકી બચેલી મિલો પણ બંધ પડશે
વિકેન્ડમાં કાપડ માર્કેટો બંધ રાખવામાં આવી છે તે પછી હવે 28 એપ્રિલથી કાપડ માર્કેટ બંધ છે. જોકે મિલોથી ઉત્તરભારતના કેટલાક રાજ્યોમાં ધીમી ગતિએ માલ જઇ રહ્યો છે. આ સ્થિતિમાં સુરતની લોકલ કાપડ માર્કેટ શરૂ થાય તો જે મિલો અત્યારે ચાલે છે તે ટકી શકે છે જો હવે અઠવાડિયું કાપડ માર્કેટ બંધ રહેશે તો બાકી બચેલી મિલોને પણ શટડાઉન કરવાનો વારો આવશે. એ સ્થિતિમાં જે 30થી 40 ટકા કામદારો સુરતમાં રહ્યા છે તેમના પલાયનનો ભય ઉભો થશે. – કમલવિજય તુલસ્યાન, પ્રમુખ, પાંડેસરા એસોસિએશન

મંજૂરી મળ્યા પછી કાપડ માર્કેટ નહીં ખોલવાનો નિર્ણય ખોટો હતો
જિલ્લાના વડા તરીકે કલેક્ટર ડો.ધવલ પટેલે સવારે 10થી 2 કાપડ માર્કેટ ખોલવા મંજૂરી આપી હતી. પરંતુ ફોસ્ટા અને ચેમ્બર વચ્ચેના ગજગ્રાહને લીધે ફોસ્ટાએ માર્કેટ નહીં ખોલવા જે નિર્ણય લીધો હતો તે ખોટો હતો માર્કેટ ખોલવાની મંજૂરી કોણ લઇ આવ્યુ તે મહત્વનું નહતુ પરંતુ વેપારનો હિત મહત્વનું હતુ. સરવાળે બધાને નુકશાન થઇ રહ્યુ છે. – દેવેશ પટેલ, પ્રમુખ, વેડરોડ, કતારગામ વિવર્સ એસોસિયેશન

To Top