Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ જિલ્લાના મગ પકવતા ખેડૂતોના મગ સરકાર ખરીદશે તેવી આશાએ બેઠેલા ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે. ખેતીની બીજી સિઝન આવી છતાં મગની ખરીદી શરૂ નહીં કરાતાં વાગરા તેમજ આમોદ તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે. મામલતદાર અધિકારીને આવેદન પત્ર પાઠવ્યા છતાં કોઈ ઉકેલ નહીં આવતાં ખેડૂતોને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે. જેના ભાગરૂપે શુક્રવારે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા પ્રમુખ અજિતસિંહ રાજની આગેવાનીમાં બંને તાલુકાના ખેડૂતો દ્વારા હનુમાન ચોકડીથી ડેપો થઈ મામલતદાર કચેરી સુધીની ટ્રેક્ટર રેલી કાઢી આક્રોશ સાથે મામલતદાર અધિકારીને વધુ

એક વખત રજૂઆત કરવામાં આવી હતી. જો કે, મામલતદાર અધિકારી પણ ખેડૂતોની માંગ સંતોષવા અસહાય નજરે પડ્યા હતા. ભારતીય કિસાન સંઘના પ્રમુખની આગેવાની અપાયેલા ચક્કાજામ વિરોધમાં વાગરા, આમોદ તેમજ ભરૂચ તાલુકાના ખેડૂતો વિશેષ જોડાયા હતા. હનુમાન ચોકડીથી ટ્રેક્ટરો સાથે રેલી નીકળી હતી. જય જવાન, જય કિસાન, હમારી માંગે પૂરી કરો અને જો ખેડૂત હિત કી બાત કરેગા, વહી દેશ પે રાજ કરેગાનાં સૂત્રોચ્ચારો બોલાવી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. જો કે, એક સમયે વાગરા પોલીસે રેલીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ મૌખિક રજૂઆતના આધારે જાહેરનામાનાં અનુપાલન સાથે ટ્રેક્ટર રેલીને આગળ ધપાવવામાં આવી હતી. ત્યાર બાદ ડેપો સર્કલ, પંચાયત અને પોલીસ સ્ટેશનના માર્ગે આરોગ્ય ચોકડીથી ખેડૂતો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતાં. ટ્રેક્ટર રેલી દરમિયાન સતત વાગરા પોલીસનું પેટ્રોલિંગ જોવા મળ્યું હતું. મામલતદાર કચેરીએ ખેડૂતોએ પોતાની વેદના મામલતદારને જણાવી હતી. દરમિયાન મામલતદારના એક પ્રશ્નના ઉત્તરમાં ખેડૂત દ્વારા જણાવાયું હતું કે, આ ડીઝલ નહીં પણ ખેડૂતો પોતાનું લોહી બાળીને પોતાના હકની લડાઈ લડવા આવ્યા છે.

સરકાર દ્વારા જાહેર MSP મુજબની ખરીદી નહીં કરાતાં ખેડૂતોને માર્કેટમાં નુકસાન વેઠીને મગ વેચવા પડી રહ્યા છે. હજારો ખેડૂતોના હજારો ક્વિન્ટલ મગ યોગ્ય ભાવની આશાએ પડી રહ્યા છે. જો જિલ્લાના તંત્ર દ્વારા આ મામલે કોઇ સમાધાન નહીં લાવવામાં આવે તો ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડશે. મોંઘી ખેતી, અને ઓછી ઉપજ સામે નુકસાનીવાળા માર્કેટ ભાવના કારણે વાગરા તેમજ આમોદ તાલુકાના ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટું જેવી થઈ છે. સરકાર આ મુદ્દે વહેલી તકે સમાધાન લાવે અને યોગ્ય કિંમતે મગની ખરીદી કરે તેવી માંગ ધરતીપુત્રો કરી રહ્યા છે. અને જો આ માંગ નહીં સંતોષવામાં આવે તો જિલ્લા સ્તર સુધીના કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ભારતીય કિસાન સંઘના પ્રમુખ અજિતસિંહ રાજ દ્વારા કરવામાં આવી હતી.

To Top