Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યની પ૪૦૦૦ જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ (Schools), ૩ લાખથી વધારે શિક્ષકો અને ૧ કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓની (Students) હાજરી અને તેમની કામગીરી પર દેખરેખ માટે સીએમ વિજય રૂપાણીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ હતું. સમગ્ર દેશમાં ગુજરાતે પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધી ક્વોલિટી એજ્યુકેશન, વિદ્યાર્થી હાજરી, શિક્ષક સજ્જતાને ટેકનોલોજીના માધ્યમથી મોનિટરીંગ કરવા સહિતની વ્યવસ્થાઓ આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 દ્વારા વિકસાવી છે તેમ રૂપાણીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણનો પાયો સુદ્રઢ-મજબૂત કરીને શિક્ષણ દ્વારા જ વિકાસને વધુ તેજ બનાવી શકાશે તે પ્રાથમિકતા સ્વીકારીને રાજ્ય સરકારે રિયલ ટાઇમ મોનિટરીંગ, પ્રાથમિકથી લઇને હાયર એજ્યુકેશન સુધી ૧૦૦ ટકા પ્રવેશ, શૂન્ય ટકા ડ્રોપ આઉટ રેશિયોની નેમ સાથે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા આયામોને આ નવિન ટેકનોલોજી સાથે જોડ્યા છે.

શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ FOCUS કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લા બે વર્ષથી અપનાવેલા છે. આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે. આ નવિન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0માં આવતા ડેટાને મશીન લર્નીંગ, વિઝયુઅલ પાવર cQube ટૂલથી એનેલાઇઝ કરાશે. સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0માં ઉપલબ્ધ બનાવાઇ છે.

ધો. 1થી 10ના વિદ્યાર્થીઓના લાભાર્થે એક માસ માટે ”જ્ઞાન સેતુ-બ્રિજકોર્સ કલાસ રેડીનેસ” કાર્યક્રમ શરૂ કરાયો
”જ્ઞાન સેતુ-બ્રિજકોર્સ કલાસ રેડીનેસ” કાર્યક્રમ પણ શિક્ષણ વિભાગે ધોરણ-૧થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે આજથી એક માસ એટલે કે ૧૦ જૂનથી ૧૦ જુલાઇ સુધીના સમય માટે શરૂ કર્યો છે. તેનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો. કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં ગયુ આખું વર્ષ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો છે. નવા વર્ષમાં નવા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરતા પહેલાં આગલા વર્ષના અભ્યાસક્રમના અગત્યના મુદ્દાઓનું પૂનરાવર્તન અને મહાવરાથી તે વધુ પાકા-દ્રઢ કરીને જ આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરાવવામાં આ જ્ઞાન સેતુ મહત્વપૂર્ણ કાર્યક્રમ બનશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

To Top