Dakshin Gujarat Main

રામ બોલો ભાઈ રામ સાથે પાયમાલ બનેલા ખેડૂતોએ મૃત પાક કપાસની કાઢી અંતિમયાત્રા

ભરૂચ: કોટન કિંગ (Cotton king) ભરૂચ (Bharuch) જિલ્લામાં રાસાયણિક હુમલાને લઈ કપાસ સહિતનો પાક નષ્ટ થયો હતો. ભરૂચના 4 તાલુકામાં તંત્રની તપાસ અને સરવે છતાં પાયમાલ બનેલા ખેડૂતો (farmer)ને વળતર અંગે સરકાર કે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરાઈ નથી.

ઔદ્યોગિક આફત બાદ હવે દુકાળ જેવી સ્થિતિમાં આભમાંથી પણ વરસાદ નહીં વરસતાં બેવડી માર વચ્ચે જગતનો તાત લાચાર બન્યો છે. આમોદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ ગુરુવારે કપાસના મૃત પાકની સ્મશાનયાત્રા (funeral) કાઢી હતી. જેમાં પ્રદૂષણથી મૃત:પ્રાય બનેલા કપાસની નનામી બનાવી તેમાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂત બહેનોએ છાજિયા લઈ સરકાર (government) અને તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ભારે હૈયે ખેડૂતો અને ગ્રામજનોએ મૃત કપાસનાં અગ્નિસંસ્કાર હિંદુ વિધિ મુજબ કર્યાં હતાં. આમોદ તાલુકામાં કંપનીઓના પ્રદૂષણના કારણે ખેતીને પારાવાર નુકસાન થયું છે. ખેતી નષ્ટ થઈ છે ત્યારે દુકાળગ્રસ્ત ચોમાસાને લઈ ખેડૂતો મરવાના વાંકે છે.

ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે વળતર નહીં ચૂકવાતાં હવે સ્થિતિ દુકાળના ડાકલા વચ્ચે ભયંકર બનવા જઈ રહી છે. ત્યારે તાલુકાના તેગવા, નિણમ, સોનામાં અને આસનેરા ગામના ખેડૂતો સરકારને સહાય ચૂકવવા માટે આજીજી કરી રહ્યા છે. ખેડૂતોની લાગણીઓ અને માંગણીઓને કોઈ વાચા નહીં આપતાં ગુરુવારે તાલુકાના તેગવા ગામના ખેડૂતોએ ખેતરના નુકસાની પાકની નનામી કાઢી સરકાર પાસે પાકને થયેલા નુકસાન પૂરેપૂરું ચૂકવવા માંગણી કરી હતી. ખેડૂતો અને ગ્રામજનોએ હિન્દુ સંસ્કૃતિ રિવાજ મુજબ મૃત કપાસની સ્મશાનયાત્રા કાઢી હતી. જેમાં ખેડૂત બહેનોએ મરણ રિવાજના છાજિયા કર્યા હતા. ખેડૂતોએ મૃત કપાસની વિધિવત અગ્નિદાહ આપી સરકાર પાસે પાક નુકસાનીનું પૂરેપૂરું વળતર આપવા માંગ કરી હતી. સાથે જ ભવિષ્યમાં ઉદ્યોગોને કારણે પાકને નુકસાન ન થાય એ માટે કાર્યવાહી કરવા અરજ કરી છે.

સરપંચો અને તલાટીઓની બેઠક મળી

આમોદ નગર સહિત પંથકમાં ખેતીના પાકમાં વિકૃતિ આવતા આમોદ પંથકના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જે બાબતની અનેક રજૂઆત ધારાસભ્યને મળતાં ગુરુવારે આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં કોંગી ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં ગામના સરપંચ અને તલાટીઓની તાકીદની બેઠક મળી હતી. જેમાં જંબુસરના નાયબ કલેક્ટર, આમોદ નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી અને નહીંવત વરસાદને કારણે પશુઓ માટે વિનામૂલ્યે ઘાસચારો પૂરો પાડે તેવી માંગ કરી હતી.

Most Popular

To Top