National

દેશમાં ડ્રોન ઓપરેટ કરવા માટેના નિયમો હળવા બન્યા

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં ડ્રોનની કામગીરીઓને લગતા નિયમો હળવા બનાવ્યા છે અને ડ્રોન ઓપરેટ કરવા માટે ભરવા પડતા જરૂરી ફોર્મ્સની સંખ્યા ઘટાડીને ૨૫માંથી પ કરવામાં આવી છે અને ઓપરેટરો માટેની ફીઝના પ્રકારના સંખ્યા ઘટાડીને ૭૨માંથી ૪ કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ આજે ટ્વીટર પર જણાવ્યું હતું કે નવા ડ્રોન નિયમોથી દેશમાં આ સેકટરમાં એક સીમાચિન્હરૂપ ક્ષણ સર્જાઇ છે. આ નિયમો વિશ્વાસ અને સ્વ પ્રમાણનના ખયાલ પર આધારિત છે. પરવાનગીઓ, જવાબદારીની જરૂરિયાતો અને પ્રવેશ સામેના અવરોધો નોંધપાત્ર ઘટી ગયા છે એમ તેમણે કહ્યું હતું. ડ્રોન રૂલ્સ, ૨૦૨૧ એ બુધવારે જારી કરવામાં આવ્યા હતા. આ નવા નિયમો માનવહિન એરક્રાફ્ટ સિસ્ટમ(યુએએસ) નિયમો, ૨૦૨૧નું સ્થાન લેશે, જે નિયમો ૧૨મી માર્ચના રોજ અમલી બન્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે આ નવા નિયમો સ્ટાર્ટ અપ્સને અને આ સેકટરમાં કાર્યરત યુવાનોને ખૂબ મદદરૂપ થશે.

નવા નિયમો મુજબ ફી ઘટાડીને વાજબી લેવલો પર લાવવામાં આવી છે અને તેમને ડ્રોનના કદ સાથે હવે સાંકળવાનું બંધ કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે મોટા ડ્રોન્સ માટે અગાઉ રિમોટ પાયલોટ લાયસન્સ ફી રૂ. ૩૦૦૦ હતી, પણ હવે બધી કેટેગરીના ડ્રોન્સ માટે આ ફી રૂ. ૧૦૦ રહેશે અને તે ૧૦ વર્ષ માટે માન્ય રહેશે. અનેક પ્રકારની મંજૂરીઓ લેવા માટેની જરૂરિયાતો નાબૂદ કરવામાં આવી છે અને ભરવા માટેના જરૂરી ફોર્મ્સની સંખ્યા હવે ઘટાડીને પાંચ જ કરી દેવામાં આવી છે.

Most Popular

To Top