National

કેરળમાં સતત બીજા દિવસે કોરોનાના 30000થી વધુ કેસ

કેરળમાં કોરોના વાયરસના કેસોનો વધારો ગુરુવારે સતત બીજા દિવસે 30,000થી વધુ દૈનિક કેસો નોંધાવાની સાથે ચાલુ રહ્યો હતો. જ્યારે, વિપક્ષ અને જાહેર આરોગ્ય નિષ્ણાતોએ રાજ્ય સરકારની કથિત ‘બેદરકારી’ પર પ્રહાર કર્યા હતા અને કેસોના વધારા માટે ‘અવિવેકપૂર્ણ’ નિર્ણયોને જવાબદાર ગણાવ્યા હતા.

કેરળમાં ગુરુવારે 30,007 નવા કેસ નોંધાયા હતા. જે ગઈકાલના 31,445 કેસ કરતાં થોડા ઓછા છે.કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ બે દિવસ પહેલા જ રાજ્યની કોરોના અંગેની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે આજે વણસી રહેલી પરિસ્થિતિ માટે હોમ ક્વોરેન્ટાઇનના નિર્દેશોના ઉલ્લંઘનને જવાબદાર ઠેરવ્યું હતું અને ઘરમાં કોરોના વાયરસના વધતા ઇન્ડોર ટ્રાન્સમિશન સામે ચેતવણી આપી હતી.

કેરળની પરિસ્થિતિની ગંભીર નોંધ લેતા કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ગુરુવારે પરિસ્થિતિ અને દક્ષિણ રાજ્યમાં વાયરસના ભયજનક ગ્રાફને ઘટાડવા માટે લીધેલા પગલાંની સમીક્ષા કરી હતી.ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, ગૃહ સચિવે કોરોનાની પરિસ્થિતિ અને દક્ષિણના રાજ્યમાં વાયરસના ફેલાવાને રોકવા માટે લીધેલા પગલાંની સમીક્ષા કરી હતી અને આ અંગે સંખ્યાબંધ સૂચનો આપ્યા હતા.

ભલ્લાએ જે બેઠકમાં કેરળની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમાં પણ નિયંત્રણની વ્યૂહરચના અને તબીબી માળખાગત મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.કેરળમાં કેસોમાં વધારો થવાની ચિંતા વચ્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

Most Popular

To Top