Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: (Delhi) દેશમાં ઓમિક્રોનનો (Omicron) ચોથો કેસ નોંધાયો છે. મુંબઈમાં (Mumbai) કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. વિદેશથી મુંબઈની પાસે કલ્યાણ ડોબિવલી વિસ્તારમાં આવેલ એક વ્યક્તિમાં ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. બીજી તરફ કેન્દ્ર સરકારે (Government) શનિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કોરોના સામે ચાલી રહેલી લડાઈ માટે ચેતવણી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણનો દર સતત વધી રહ્યો છે. આ સાથે રોગચાળાને કારણે થતા મૃત્યુ પણ ચિંતાનો વિષય છે. મંત્રાલયે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા અને મિઝોરમને પત્ર લખીને આ મામલે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.

મુંબઈમાં શનિવારે ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે. શનિવારે ગુજરાતમાં પણ એક ઓમિક્રોન વેરિએન્ટનો કેસ સામે આવ્યો છે. આ પહેલા કર્ણાટકમાં બે કેસ નોંધાયા હતા. આમ અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનના કુલ ચાર કેસ સામે આવી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટનો આ પ્રથમ કેસ છે, જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ ચાર કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી પહેલા બે કેસ કર્ણાટક અને પછી એક કેસ ગુજરાત અને હવે મહારાષ્ટ્રમાં કેસ સામે આવ્યો છે. મુંબઈમાં ઓમિક્રોનથી સંક્રમિત થનારા વ્યક્તિની ઉંમર 33 વર્ષ છે અને તે હાલમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમિલનાડુ, કર્ણાટક, કેરલ, ઓડિશા, મિઝોરમ અને જમ્મુ-કાશ્મીરને પત્ર લખીને કોરોનાના વધતા કેસને કાબુમાં કરવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સાથે સાથે વધુ રસીકરણ કરવાનો નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં રાજ્યોએ યોગ્ય કોવિડ વ્યવહાર અપનાવવા માટે જરૂરી પગલા ભરવાનું કહ્યું છે. સરકારે આ રાજ્યોના કેટલાક જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી સંક્રમણના વધતા કેસ, સાપ્તાહિક સંક્રમણ દર અને મૃત્યુના વધતા મામલાને જોતા આ દિશા-નિર્દેશ આપ્યા છે. 

27 નવેમ્બરે લખવામાં આવેલા પત્રનો ઉલ્લેખ કરતા, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિદેશથી આવતા પ્રવાસીઓ પર નજર રાખવામાં કોઈ કચાશ ન કરવા જણાવ્યું હતું. શક્ય તેટલી વહેલી તકે હોટસ્પોટ ઓળખવામાં આવે. સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને શક્ય તેટલી વહેલી તકે ઓળખી કાઢવા અને અલગ કરવામાં આવે. સંક્રમિતોના સેમ્પલ સાથે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે. આ સાથે પોતપોતાના વિસ્તારોના સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવા માટે પણ કામ કરવા જણાવાયું છે.

To Top