Charchapatra

ભાવનાત્મક આધાર

એક નાના બીજમાં-છોડમાં એવી શક્તિ છે કે, એ વિકસિત થઈને ઘેઘુર વૃક્ષ બની ફળફૂલ આપી શકે છે. તે માટે યોગ્ય જમીન, વાતાવરણ, પાણી, ખાતર અને સંપૂર્ણ માવજત જરૂરી છે. આ જ પ્રકારે પ્રત્યેક નાનું બાળક, વ્યક્તિમાં અપાર સંભાવનાઓ છુપાયેલી હોઈ એ ધારે તે બની શકે છે, સફળતા મેળવી શકે છે. તેની રસ, રુચિ હોય તે માર્ગે આગળ વધે તો તે  સંપૂર્ણપણે વિકસિત થઈ શકે છે.  નાના બીજ-છોડની જેમ નાના બાળકની અંદર  પણ વિશાળ પ્રતિભાઓ હોય છે, શરત એ છે કે તેને વિકસવાની સંપૂર્ણ તક આપવી જોઈએ. મા-બાપે પોતાના બાળકનાં રસ, રુચિને ધ્યાનમાં રાખી તેના ભવિષ્યનો માર્ગ શોધી આગળ વધવું જોઈએ. બાળની ઇચ્છાને અવકાશ હોવો જોઈએ. અલબત્ત આજે એમ થતું નથી.

મા-બાપ ઈચ્છે તેમ નહિ, પણ બાળકની મૂળભૂત ઈચ્છાઓને યોગ્ય દિશામાં વિકસિત કરવા પ્રયત્ન કરવામાં સમજદારી છે. મા-બાપ પોતાનો અહમ સંતોષવા બાળક ઉપર માનસિક દબાણ ઊભા કરતાં હોવાથી બાળકનો સર્વાંગી વિકાસ અટકે છે, વિકાસ યોગ્ય રીતે થતો ન હોવાથી તે  ગૂંગણામણ અનુભવે છે. ટૂંકમાં માતા-પિતા પોતાના બાળકમાં નાનપણથી કોઈ પણ દબાણના બીજ ન વાવે અને તેની રુચિને પ્રોત્સાહન આપે તો બાળકોને ભાવનાત્મક આધાર મળે છે. આધાર મળતાં બાળકની ઈચ્છાઓ અંકુરિત થઈ  પ્રગતિના પંથે ગતિ કરે છે. બાળકોની યોગ્ય માવજત કરી યોગ્ય વિકાસ કરીએ. અહીં શિક્ષકધર્મ પણ આવશ્યક છે.
નવસારી           – કિશોર આર. ટંડેલ.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top