Comments

વિભાજીત વિરોધ પક્ષ જ ઇચ્છનીય!

ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 બેઠકોમાંથી અડધો અડધથી વધુ બેઠકોને આવરી લેતા મતદાનના ચાર તબક્કા પૂરા થઇ ગયા ત્યારે મતદાનની તરાહ કઇ તરફની છે તે સ્પષ્ટ થતું જાય છે. ચોથા તબક્કાના સમાપન સાથે ચિત્ર સ્પષ્ટ થતું જાય છે. આ વિસ્તાર ભારતીય જનતા પક્ષના વર્ચસ્વવાળા અવધ અને આસપાસનો વિસ્તાર હતો. આ વિસ્તારમાં ભારતીય જનતા પક્ષ અને સમાજવાદી પક્ષની આગેવાની હેઠળના મોરચા વચ્ચે જંગ તો સ્પષ્ટ થઇ ગયું. અભ્યાસપૂર્ણ મૌન જાળવનાર કોયડારૂપ માયાવતીની આગેવાની હેઠળના બહુજન સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ વગેરે પોતાનું અસ્તિત્વ ટકાવવા લડત આપે છે. 2017 થી 2019 ની લોકસભાની ચૂંટણી થઇ. 2022 માં પરિવર્તન આવ્યું છે.

વિધાનસભાની ગત ચૂંટણીમાં 2017 માં ભારતીય જનતા પક્ષે અનુસૂચિત જાતિ-જનજાતિ અને કેટલાક મુસલમાનો તેમજ હિંદુ સમાજની એકતાની મદદથી સગવડદાયક રીતે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ મોટે ભાગે આ હિંદુ છત્રમાંથી બહાર નીકળી જતા અને મોટા ભાગના મુસલમાનોએ અખિલેશ યાદવની આગેવાની હેઠળના સમાજવાદી પક્ષનો પાલવ પકડતા પરિસ્થિતિમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. સવાલ એ છે કે માયાવતીનો પાલવ પકડનાર અનુસૂચિત જાતિઓ ખાસ કરીને જાતવો હાથીને ટેકો આપશે? મતદાનનો ચોથો તબક્કો પૂરો થયો ત્યારે ભારતીય જનતા પક્ષના ટોચના વ્યૂહરચનાકાર અમિત શાહે દાવો કર્યો કે અમારા મતદારો યથાવત્‌ છે અને કેટલાક મુસલમાનો પણ અમારા પક્ષને મત આપશે. તેઓ મુસલમાનો અને અનુસૂચિત જાતિઓના મતમાં ફાચર મરાવવા માંગે છે. હેવાલ તો એવા છે કે અનુસૂચિત જાતિના ઘણા મતદારોએ સમાજવાદી પક્ષને મત આપ્યા છે.

માયાવતીએ તેમાં સૂર પૂરાવીને પોતાની અસ્થિર મનોસ્થિતિનો નિર્દેશ આપ્યો. છેલ્લી ત્રણ ચૂંટણીની ભારતીય જનતા પક્ષની સફળતા સમાજવાદી પક્ષની તિરાડ બતાવે છે તેની સરખામણીમાં અત્યારે નાના પણ જ્ઞાતિઆધારિત પક્ષો ભેગા થયા લાગે છે. પરિણામે સમાજવાદી પક્ષ પોતે સરકારના વિકલ્પ તરીકે ઉપસ્થિત થયો લાગે છે. ચૂંટણીના ચોથા તબક્કામાં બે પ્રવાહો ચાલે છે. એક છે કાયદો અને વ્યવસ્થાનો અને મફત અનાજ પાણીનો છે. જયારે બીજો શૌચાલય, આવાસ, રામમંદિર નિર્માણ, વારાણસી કોરિડોર વગેરે જેવી કલ્યાણ યોજના આધારિત અને તે વડા પ્રધાનની રાષ્ટ્રીય યોજનાઓ સાથે સંલગ્ન છે. ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પક્ષની સરકારના પુનરાવર્તન માટે આ મતદારો આગ્રહી છે. એ જુદી વાત છે કે ભારતીય જનતા પક્ષનો ટેકો નબળો તો જણાઇ રહ્યો છે પણ છેક જ સાવ નબળી પરિસ્થિતિ નથી. અખિલેશ યાદવની મજબૂત સ્થિતિ જોતાં ભારતીય જનતા પક્ષની કસોટી તો થવાની જ છે. મતદારોનું કોમીકરણ કરવાના ભારતીય જનતા પક્ષના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા લાગે છે. તે કાળા વાદળમાં રૂપેરી કોર લાગે છે. મતદાનના બાકીના ત્રણ તબક્કામાં તેને આ વાતનો લાભ મળે એવી શકયતા ધૂંધળી થતી જાય છે. આમ છતાં હિંદુત્વ તેના આધારરૂપ બની રહેશે.

મતદાનના આગામી તબક્કા પહેલાં ચૂંટણી સ્પર્ધાને રસપ્રદ બનાવનાર તત્ત્વ હોય તો તે છે ‘પરિવર્તન’ની ઝંખના. ક્રોધિત ખેડૂતો અને બેરોજગાર યુવાનો પરિવર્તન લાવી શકે છે. ખેડૂતોના આક્રોશનું કારણ દફનાવી દીધેલા વિવાદાસ્પદ ખેતી કાયદા નથી પણ રખડતાં ઢોર અને ખેતીની વધતી પડતર છે. વિપક્ષને એકતાના અભાવ વચ્ચે કોંગ્રેસ અને બહુજન સમાજ પક્ષ પોતાની રીતે ચાલતો હોવા છતાં ભારતીય જનતા પક્ષ અને સમાજવાદી પક્ષની આગેવાની હેઠળના આધાર વચ્ચે સ્પર્ધા દેખાય છે. પ્રિયંકાની નવતર પ્રચાર પધ્ધતિથી કોંગ્રેસને આદરપાત્ર બેઠક જીતવામાં મદદ મળે છે કે બહુજન સમાજ પક્ષને અનુસૂચિત જાતિનો ટેકો મળે છે તે જોવાનું રસપ્રદ રહેશે. અન્ય પછાત વર્ગો પણ કઇ તરફ ઢળે છે અને અનુસૂચિત જાતિનાં કેટલાંક જૂથો સમાજવાદી પક્ષ અને કોંગ્રેસને ટેકો આપે છે.

ચૂંટણીના નિરીક્ષકોને લાગે છે કે ભારતીય જનતા પક્ષ ચૂંટણીના મતદાનના દરેક તબક્કે પોતાની વ્યૂહરચના બદલે છે. તે રહસ્યમય છે. શરૂઆત તેણે સામાજિક કલ્યાણની યોજનાના લાભાર્થીથી કરી. હિંદુત્વ પર ભાર મૂકયો. પછી ત્રાસવાદની વાતો કરી. મતદારો દરેક પ્રચાર તબક્કાના પગલે દૂર થતા લાગે એટલે પ્રચાર પરિવર્તન આવે છે? ભારતીય જનતા પક્ષની પોતાની સમસ્યાઓ ઓછી છે? ચૂંટણીને સ્પર્ધામાં પરિવર્તન કરવાની કામગીરી ભારતીય જનતા પક્ષ માટે ચિંતાનો વિષય બનવો જોઇએ. હિમાચલ પ્રદેશ અને અન્ય કેટલાંક રાજયોમાં આ નીતિરીતિ પક્ષના હિતની વિરુધ્ધમાં ગઇ છે. ભારતીય જનતા પક્ષ માટે તો વિભાજિત વિરોધ પક્ષ જ ઇચ્છનીય છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top