Gujarat

BJP રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજથી ગુજરાત પ્રવાસે

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ બાદ પ્રથમ વખત નીતિન નવીન આવતીકાલથી તા.20, 21 અને 22 ફેબ્રુઆરીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. નીતિન નવીનની ગુજરાત મુલાકાતને પગલે ભાજપના કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીન 20, 21 અને 22 ફેબ્રુઆરીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 20 ફેબ્રુઆરીએ બપોરે 12:30 વાગ્યે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરશે, જ્યાં ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. તે જ દિવસે તેઓ અમદાવાદમાં સંસદસભ્યો અને ધારાસભ્યો સાથે સંવાદ કરશે તેમજ ગાંધીનગરમાં ‘બજેટ મીટ’ કાર્યક્રમમાં ઉદ્યોગકારો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કરશે.

21 ફેબ્રુઆરીએ સવારે તેઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોર્નિંગ વોક કરશે અને ત્યારબાદ લાલદરવાજા ભદ્રકાળી મંદિર ખાતે દર્શન કરશે. ત્યારબાદ કોબા સ્થિત ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે તથા સોશિયલ મીડિયા ટીમ સાથે માર્ગદર્શન બેઠક યોજશે. બપોરે તેઓ ગાંધીનગર સ્થિત GIFT City ખાતે ‘યંગ વોઇસ સમિટ’માં યુવા ઉદ્યોગ સાહસિકોને સંબોધિત કરશે અને સાંજે અમદાવાદના GMDC Hall ખાતે બુથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેશે.પ્રવાસના ત્રીજા દિવસે 22 ફેબ્રુઆરીએ તેઓ અમદાવાદના ખાડિયા ખાતે પીએમ નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને નિહાળશે અને ત્યારબાદ દિલ્હી પરત જશે.

Most Popular

To Top