Top News

More Posts

   The Latest

તમે બધાએ મહારાજા થાળી, બાહુબલી થાળીનું નામ તો સાંભળ્યુ જ હશે પણ શું તમે કોઇ દિવસ એવું સાંભળ્યુ છે કે આવી મોટી થાળી પતાવીને બતાવશો તો તમને ઇનામમાં રોયલ એન્ફિલ્ડ (Royal Enfield) મળશે? નથી સાંભળ્યુ ને અમે પણ નહોતુ સાંભળ્યુ પણ હવે સાંભળ્યુ છે એટલે તમને પણ જણાવીએ.

આજકાલ મોટાભાગના લોકો ઓનલાઇન ખાવાનું મંગાવતા હોય છે, એમાંય કોરોનાના કારણે તો ઓનલાઇન ફૂડ ડિલીવરીનો ટ્રેન્ડ વધી ગયો છે. એવામાં પૂણેની એક રેસ્ટોરન્ટે ગ્રાહકોને રેસ્ટોરન્ટમાં પાછા લાવવા માટે એક અનોખી સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ બહુ રસપ્રદ છે, કારણ ઇનામ ઘણું મોટું છે. મહારાષ્ટ્રના પૂણેમાં આવેલી એક રેસ્ટોરન્ટ મુજબ કોરોના પછી લોકોનું રેસ્ટોરન્ટમાં આવવાનું પ્રમાણ સાવ ઘટી ગયુ હતુ. અનલોક પછી પણ જ્યારે રેસ્ટોરન્ટ ખૂલવા લાગ્યા ત્યારે લોકો હજી રેસ્ટોરન્ટમાં જવાને બદલે હોમ ડિલીવરી/ પાર્સલ મંગાવવાનું વધુ પસંદ કરે છે.

એવામાં લોકોને ફરી પાછા રેસ્ટોરન્ટમાં બોલાવવા પૂણેની શિવરાજ હોટેલે એટલું મોટું રોકાણ કર્યુ છે કે તમે વિચારી પણ નહીં શકો. અતુલ વાઇકર નામના હોટેલ માલિક પહેલાની જેમ ગ્રાહકોની ભીડ વધારવા એક નવો આઇડિયા શોધી લાવ્યા છે. તેમણે 4 કિલોની “બુલેટ થાળી” પીરસવાનું શરૂ કર્યુ છે. 2500ની આ થાળી જો કોઇ વ્યક્તિ 1 કલાક એટલે કે 60 મિનિટમાં ત્યાં બેસીને પૂરી કરે તો તેને હોટેલ એક બુલેટ બાઇક ઇનામમાં આપશે.

સ્વાભાવિક રીતે આટલી મોટી ઑફર સાભળીને અહીં ગ્રાહકોની ભીડ વધી ગઇ છે. એટલું જ નહીં આવા હટકે આઇડિયાને કારણે રેસ્ટોરન્ટ ફેમસ થઇ ગયુ છે, સોશિયલ મિડીયા પર પણ તેની ખાસ્સી ચર્ચા થઇ રહી છે. તમને જાણીને નવાઇ લાગશે પણ આ હોટેલનાં માલિક અતુલ વાઇકરે હાલમાં 5 બુલેટ બાઇક ખરીદીને રાખી છે.

હોટેલના સ્ટાફનું કહેવુ છે કે આ મહિનાની શરૂઆતમાં આ સ્કીમ શરૂ થઇ હતી, જેમાં અત્યાર સુધી 60 જેટલા લોકોએ આ ઑફરમાં પોતાનું નસીબ અજમાવ્યુ હતુ, જો કે એ 60 લોકોમાંથી ફક્ત એકને જ સફળતા મળી છે. સોશિયલ મિડીયામાં આવી ઑફર માટે આ રેસ્ટોરન્ટ ચર્ચામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી લોકો ખાસ અહીં આવી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રના સોલાપુરના સોમનાથ પવારે આ ચેલેન્જ સ્વીકારી હતી અને તેને 60 મિનિટમાં 4 કિલોની બુલેટ થાળી ખતમ કરી હતી. ચેલેન્જ પૂરી કરતા હોટેલે તેને બુલેટ બાઇક આપી હતી.

To Top