Gujarat

અમદાવાદના નારણપુરા વોર્ડમાં ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ

AHEMDABAD : અમદાવાદ મનપાની ચૂંટણીમાં મંગળવારે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે શહેરની નારણપુરા વોર્ડમાં બક્ષીપંચની અનામત બેઠક ઉપર કોંગ્રેસના ( CONGRESS) મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપ ( BHAJAP) ની મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા છે.

શહેરની નારણપુરા વોર્ડની બક્ષીપંચ અનામત બેઠક ઉપર કોંગ્રેસે ચંદ્રિકાબેન રાવળ (CHANDRIKABEN RAVAL) ને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપ તરફથી બિન્દાસ સુરતીને (BINDASH SURTI) મળી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પુષ્પાબેન (PUSHAPABEN) પણ મેદાનમાં હતા. જોકે ફોર્મ ચકાસણી વખતે આમ આદમી પાર્ટીના પુષ્પાબેનનું ફોર્મ રદ થયું હતું. જ્યારે આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પાછું ખેંચી લેતાં આ બેઠક ઉપર માત્ર ભાજપના બિન્દાસ સુરતી જ ઉમેદવાર રહેતા, તેઓ બિન હરીફ થઈ ગયા છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ક્યાંકને ક્યાંક ચુક રહી ગઈ હતી. પરિણામે શહેરના સરદારનગર અને ઠક્કરબાપા વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોનાં ફોર્મ રદ થયા હતા. જ્યારે આજે નારણપુરા વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું હતું.

એકબાજુ કોંગ્રેસ મહિલા ઉમેદવાર ફોર્મ ખેચતા ભાજપના ઉમેદવાર જીત્યા ત્યારે બીજી બાજુ ભાજપ ઉપર આક્ષેપો લાગી રહ્યા છે કે અમદાવાદ મનપાની ચૂંટણી જીતવા માટે ભાજપ સરકાર વહીવટી તંત્રનો ખાસ કરીને પોલીસનો દુરુપયોગ કરી રહી છે. અમદાવાદ શહેર પોલીસે ધાક ધમકીથી અપક્ષ ઉમેદવારોને ઉભા રખાવી ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા. અમારી ચોક્કસ માહિતી મુજબ આ ઉમેદવારો સ્વેચ્છાએ પોતાના ફોર્મ પરત ન ખેંચે તે માટે તેઓને અમદાવાદ નજીકના ફાર્મ હાઉસમાં પોલીસ જાપ્તા હેઠળ રાખવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને આ અંગે રજૂઆત કરી છે, કે પોલીસ દ્વારા અસામાજિક તત્વો તથા બાતમીદારોને ધાક-ધમકીથી અપક્ષ તરીકે ઉમેદવારી કરવા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ભાજપના ઇશારે પોલીસ કોંગ્રેસના મતોનું વિભાજન કરવા માટે વધુમાં વધુ અપક્ષ ઉમેદવારો ઉભા રહે તે માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને ભાજપના દલાલો, અસામાજિક તત્વો તથા પોલીસના બાતમીદારોને ચૂંટણી લડાવવા કામે લગાડયા છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં ગ્યાસુદ્દીન શેખે વધુમાં શહેર પોલીસ કમિશનર અને ચૂંટણી પંચને નમ્ર વિનંતી છે કે નિષ્પક્ષ ભયમુક્ત અને લોકશાહી ઢબે ચૂંટણી યોજાય તે માટે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી ગેરબંધારણીય પ્રવૃત્તિને તાત્કાલિક રોકવામાં આવે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top