Columns

સેવા ધર્મનું ફળ

એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા અને સ્વામીજીને નમસ્કાર કરી કહ્યું, “હું અહીં એક વિશેષ કામથી આવ્યો છું.મારે તમને મારા મનની મૂંઝવણ કહેવી છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, “હા ;કહો શું વાત છે?” મહાત્માએ કહ્યું, “સ્વામીજી, મેં બધું જ ત્યાગી દીધું છે…મોહ-માયાના બંધનમાંથી પણ છૂટી ગયો છું  છતાં મારા મનને જોઈએ એવી શાંતિ નથી મળતી. મન ભટકતું રહે છે.”

સ્વામી વિવેકાનંદજીએ સાધુની વાત સાંભળી પછી પૂછ્યું, “આપના કોઈ ગુરુ છે?” સાધુએ કહ્યું, “હા ,મને એક ગુરુ મળ્યા હતા. તેમણે મને એક મંત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે આ મંત્રનો જાપ કરીશ તો ત્યાર બાદ એક અનહદ નાદ સંભળાશે અને પછી તને અલૌકિક શાંતિનો અનુભવ થશે અને મેં ગુરુએ આપેલા મંત્રના પણ મન લગાવીને પૂરા જાપ કર્યા છતાં પણ મને ન કોઈ અનહદ નાદ સંભળાયો, ન કોઈ શાંતિનો અનુભવ થયો.

તેથી હવે મારું મન બહુ મૂંઝાય છે અને મને મનની સાચી શાંતિ કઈ રીતે મળશે તે આપ જણાવો.”આટલું બોલતાં તો સાધુની આંખો ભીની થઇ ગઈ. સ્વામી વિવેકાનંદજીએ પૂછ્યું, “શું તમે સાચે જ શાંતિ મેળવવા ઈચ્છો છો?” સાધુએ કહ્યું , “હા, સ્વામીજી, એટલે જ તો તમારી પાસે આવ્યો છું.”

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું , “સરસ, તો ચાલો હું તમને તરત જ શાંતિનો અનુભવ થાય તેવો સરળ ઉપાય જણાવું.શાંતિ મેળવવાનો સૌથી સહેલો પણ મહેનત માંગી લે તેવો રસ્તો છે ‘સેવા ધર્મ’નો..અન્યની સેવા કરવી. સેવા કરવાનું વ્રત લો.ઘરની બહાર નીકળો ….

તો અન્યને સ્મિત આપી તેને ખુશી આપો ..

ભૂખ્યાને અન્ન અને પ્યાસાને પાણી આપો …આપ વિદ્યા જાણો છો તો અન્યને વિદ્યા આપો…..શરીરથી સશક્ત છો તો અન્ય નિર્બળ- દુર્બળની રક્ષા કરો..તેમનો ભાર ઓછો કરો…બિમાર અને રોગીઓની સેવા કરો…તન-મન-ધનથી જેટલી બની શકે તેટલી વધારે સેવા કરો.સેવા કરવાથી તન થાકે છે મન પ્રફુલ્લિત થાય છે અને ધન લેખે લાગે છે.સેવા કરવાથી આપણું અંત:કરણ જેટલું જલ્દી નિર્મળ ,શાંત અને શુદ્ધ થાય છે;એટલું બીજા કોઈ કામથી નથી થતું.

સેવા કરો ..જેટલી થાય એટલી કરો સેવા. ધર્મના ફળરૂપે શાંતિ જરૂર મળશે. સાધુ સેવા ધર્મ અપનાવવાનો સંકલ્પ કરી ગયા અને થોડા જ દિવસોમાં તેમને અન્યની સેવા કરી શાંતિનો અનુભવ થવા લાગ્યો.  

– આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top