Top News

More Posts

   The Latest

Most Popular

મુશ્કેલીઓની વચ્ચે માણસ જ્યારે માર્ગ કાઢે ત્યારે ક્યારેક તેની ખુમારી પ્રગટે છે અને ક્યારેક તેની મજબૂરી. કોરોના મહામારીથી શાળામાં વર્ગખંડ શિક્ષણ બંધ થયું તે અંતે ગયા અઠવાડીએ શરૂ થયું. દસમા બારમા પછી નવમા  દશમા અને હવે છ થી આઠ ધોરણ માટે બાળકોને શાળાએ જવાની મોકલવાની મંજૂરી આપવામાં આવી છે.

કોરોના  સંક્રમણ ઘટી રહ્યું છે પણ શૂન્ય નથી થયું! વિદેશયાત્રાઓ બંધ હોવાથી વિદેશોમાં ફેલાયેલો કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં  દેખાયો નથી. એક સમાચાર એ પણ છે કે ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની તપાસ કરનારી લેબોરેટરી પ્રમાણમાં ખૂબ  ઓછી છે.

આ શંકા અને વિશ્વાસના વાતાવરણ વચ્ચે પ્રાથમિક શાળાનાં બાળકોને વર્ગમાં ભેગા કરવાનો નિર્ણય સાવધાનીપૂર્વક કરવા જેવો છે. સરકારે આખી વાત સ્વૈચ્છિક અને વાલીઓની સંમતિ ઉપર છોડી છે. એક રીતે સત્તાવાળા વાલીઓની  સામાન્ય સમજણ કરતાં વધુ ચતુર પુરવાર થયા છે.

‘‘તમારે મોકલવાં હોય તો મોકલો.. અમે ના નથી કહેતા અને મોકલવાં જ પડશે એમ ફરજ પણ નથી પાડતા.. સમજણ  કેળવો, આત્મનિર્ભર બનો! જાતે નિર્ણય કરો. સારું શું અને ખોટું શું?

કોરોનાના કારણે નવ મહિના શાળાઓ બંધ રહી. બાળકો ઘરે રહ્યાં અને શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓનલાઈન  શિક્ષણથી ચલાવવું પડ્યું એટલે જ્યારે સરકારે શાળાઓ શરૂ કરવાની વાત કરી તો કેટલાક વાલી મિત્રોને બાદ કરતાં સૌ એ  નિર્ણયને આવકાર્યો. શાળા વગર ભણવાની મજા ન આવે.

વર્ગખંડમાં જ ભણવાની મજા આવે. શાળાએ જઈએ તો  મિત્રો મળે..ટીચર સાથે સીધો વાર્તાલાપ થાય. આ બધાં જ ડહાપણનાં વાક્યો સમાચારપત્રોનાં મથાળાં બન્યાં. આ બધું જ  સાચું, પણ મૂળ સત્ય તો આજની શહેરી આધુનિક સમાજવ્યવસ્થા. લોકડાઉન હતું ત્યાં સુધી તો ઠીક છે, પરિવારના સભ્યો ઘરે  હતા પણ, જેમ જેમ અનલોકની પ્રક્રિયા આગળ વધતી ગઈ ‘‘ બાળકો સાચવવાં’’ સમસ્યા બનવા લાગ્યાં.

નોકરિયાતો  ધંધાવાળાઓ કામધંધે જાય તો બાળકને આખો દિવસ સાચવે કોણ? વળી ઓનલાઈન શિક્ષણની પણ મોટી મર્યાદા એ સામે  આવી કે બાળકને કોઈકની સહાય જોઈએ જ! એમાંય પ્રાથમિકમાં તો શિક્ષક દ્વારા અપાતી સૂચના શાળા દ્વારા અપાતી  નોટીસનો અમલ કરાવવા માટે એક એટેન્ડન્ટ કે આસિસ્ટન્ટની જરૂર ઊભી થઈ.

સરવાળે માતા-પિતા સમજ્યાં કે શિક્ષણનું  મહત્ત્વ હોય કે ન હોય, શાળાનું મહત્ત્વ હોય કે ન હોય, શાળાનું મહત્ત્વ તો છે જ! ભારતનાં કરોડો મધ્યમ અને નિમ્ન  આર્થિક વર્ગનાં પરિવારો હવે ઘરની આર્થિક સ્થિતિ જાળવવા મથી રહ્યાં છે ત્યારે ઘર છોડવું તેમને માટે અનિવાર્ય છે.

આ  સંજોગોમાં બાળકોને ઘરે મૂકવાં અને મોબાઈલ કે નેટના સહારે છોડવાં તે જોખમી છે અને માટે તેમને શાળાઓ શરૂ થાય તે  મહત્ત્વનું લાગ્યું છે. આમ તો બાળક ક્યાં ભણે છે? કેવી રીતે ભણે છે તે કરતાં શું ભણે છે? અને ખાસ તો ‘‘ભણે છે’’- એ  વધારે અગત્યનું છે.

પણ આજના સમયમાં શહેરી વિભકત કુટુમ્બો માટે તે શું ભણે છે? તે કરતાં પહેલાં તે ક્યાં ભણશે તે  પ્રશ્ન જ વધારે અગત્યનો બન્યો છે. માટે જ આવનારા સમયમાં શહેરોમાં એકથી આઠનાં બાળકો પણ માતા-પિતાની  મજબૂરીને કારણે ખમીરવંતા-ખુમારી બતાવતાં શાળાએ પહોંચી જશે.

આપણાં ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારોનાં બાળકો  શાળાએ જશે એટલે મધ્યમ ગરીબ વર્ગનાં બાળકોએ આપમેળે જવું જ પડશે! આ છે શાળાનું મહત્ત્વ!- સમજાયું!

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top