Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) શહેરમાં યોજાતા વિવિધ કાર્યક્રમો, લગ્ન સમારંભો તથા ધાર્મિક કાર્યક્રમોમાં મોટાભાગે લોકો માસ્ક (Mask) પહેરવાનું ટાળી રહ્યા છે. પરિણામે ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. જેથી જાહેર કાર્યક્રમોના સ્થળો પર સરકાર દ્વારા બનાવવામાં આવેલી કોવિડ–19 ની એસ.ઓ.પી નું ચુસ્તપણે પાલન કરવું આવશ્યક છે. જેથી આગામી દિવસોમાં કોરોના સંક્રમણ ઘટાડી શકાય તે અંગે મનપા (SMC) કમિશનર બંછાનિધિ પાનીએ આજે અધિકારીઓને કોરોનાની રીવ્યુ મીટીંગમાં સુચના આપી હતી. મનપા દ્વારા શહેરીજનોને ફરીવાર અપીલ કરવામાં આવી છે કે, કોઈ વ્યકિતને તાવ, શરદી, ઉધરશ કે શરીરનો દુખાવો અથવા શ્વાસમાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તુરંત સુરત મહાનગરપાલિકા સંચાલિત ટેસ્ટીંગ સેન્ટરો ઉપર જઈ ટેસ્ટ કરાવી લેવા. હાલમાં મનપા દ્વારા વિવિધ ઝોનમાં મનપાના હેલ્થ સેન્ટરો અને આરોગ્ય કેન્દ્રો એમ કુલ 19 ટેસ્ટીંગ સેન્ટરો કાર્યરત છે.

છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ફરીવાર કોરોના સંક્રમણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના પગલે મનપા કમિશનર ફરીવાર એક્શનમાં આવી ગયા છે. જે અંતર્ગત મંગળવારે કોરોનાની મળેલી રીવ્યુ મીટીંગમાં ફરીવાર શહેરમાં કોરોના ગાઈડલાઈન માટે કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હતી. શહેરમા માસ્ક ન પહેરનારાઓને કડક દંડ કરવા માટે તમામ ઝોનમાં સુચના આપવામાં આવી છે. સાથે જ આગામી દિવસોમાં મતદાનના દિવસે પણ કોવિડ ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરાવવા મનપા કમિશનરે સુચના આપી છે.

મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ ફરીવાર વધવા લાગ્યા છે. જેથી મનપા કમિશનરે મહારાષ્ટ્રથી શહેરમાં આવનારા તમામ લોકોના ચેકપોસ્ટ પર ટેસ્ટ કરવામાં આવે તેવી સુચના મીટીંગમાં આપી હતી. સાથે જ જેઓ લોકોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યા છે. તેમના કોન્ટેક્ટ ટ્રેસીંગ કરવા માટે મનપા કમિશનરે સુચના આપી હતી.

હાલમાં અનલોક બાદ જાહેર મેળાવડા તેમજ સામાજીક પ્રસંગોમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે. જેમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું નથી જેથી શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હાલમાં ચાલી રહેલા લગ્નપ્રસંગોને પગલે પણ વિવિધ ધાર્મિક વિધિઓમાં લોકો માસ્ક વિના જ જોવા મળી રહ્યા છે. જેથી સંક્રમણ વધવાનું જોખમ પણ છે. સેન્ટ્રલ ઝોનમાં વાડી ફળીયા વિસ્તારમાં ધાર્મિકવિધિમાં આવેલા 2 વ્યકિત કોરોના પોઝિટિવ આવ્યા હતા. અને આ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તેઓના સંપર્કમાં આવેલા વ્યકિતઓનું કોન્ટેક ટ્રેસીંગ કરી એન્ટીજન ટેસ્ટ કરતા બીજા 4 વ્યકિત કોરોના પોઝિટિવ આવતા મનપાએ લોકોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે.

To Top