Columns

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસની પેટછૂટી કબુલાત : તમે કોર્ટમાં જશો તો તમને ન્યાય નહીં મળે

ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ એક જ વાક્યમાં ભારતની ન્યાયવ્યવસ્થાની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે. ઇન્ડિયા ટુ ડે મેગેઝિન દ્વારા આયોજિત પરિસંવાદમાં બોલતા રંજન ગોગોઈએ કડવું સત્ય ઉચ્ચાર્યું હતું કે ‘‘જો તમે કોર્ટમાં જશો તો તમને ચુકાદો નહીં મળે. તમારે માત્ર ગંદાં લૂગડાં જાહેરમાં ધોવાનાં રહેશે.’’

રંજન ગોગોઈએ આ નિવેદન પોતાના જાતઅનુભવને આધારે કર્યું છે. સોમવારે તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસની બદબોઈ કરતું નિવેદન કર્યું હતું. રંજન ગોગોઈને પૂછવામાં આવ્યું કે ‘‘તમે મહુઆ મોઇત્રા સામે કોર્ટમાં કેસ કરશો?’’ ત્યારે તેમણે ભારતની વર્તમાન ન્યાયપદ્ધતિની ટીકા કરતાં કહ્યું હતું કે ‘‘જો તમે કોર્ટમાં જશો તો તમારે ચુકાદા માટે અનંત કાળ સુધી રાહ જોવી પડશે.’’ જો ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પણ દેશની કોર્ટમાંથી ન્યાય મળવાની આશા રાખી ન શકતા હોય તો ભારતનો આમ નાગરિક તેવી આશા કેવી રીતે રાખી શકે?

ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ માત્ર ન્યાયપદ્ધતિની ટીકા કરીને અટક્યા નથી, પણ તેમણે રોગનું નિદાન કરીને તેનો ઉપાય પણ સૂચવ્યો છે. તેમના કહેવા મુજબ દેશના બંધારણની રક્ષા કરવા માટે ન્યાયતંત્ર બહુ મહત્ત્વનું અંગ છે, પણ હાલમાં તે અસ્તવ્યસ્ત હાલતમાં છે.

જસ્ટિસ રંજન ગોગોઈના જ શબ્દોમાં ‘‘દેશનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલર પર પહોંચી જાય, પણ ન્યાયતંત્ર બિસ્માર હાલતમાં હોય તેનો શું ફાયદો?’’ જેમણે ભારતના ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવી છે તેમનું આ નિરીક્ષણ ભારતના ન્યાયતંત્ર માટેના વેકઅપ કોલ જેવું છે.

દેશના રાજકીય નેતાઓએ આ વિધાનને ગંભીરતાથી લેવું જોઈએ અને ન્યાયતંત્રમાં તળિયાઝાટક ફેરફારો કરવા જોઈએ. જો દેશના લોકોને કોર્ટોમાંથી ન્યાય ન મળતો હોય તો દેશની લોકશાહી પણ મજાક સમાન છે. ભારતની લોકશાહીને સાર્થક બનાવવા માટે પણ ન્યાયતંત્રમાં સુધારાઓ કરવા જરૂરી બની જાય છે.

ભારતના ન્યાયતંત્રને વળગેલા રોગનું નિદાન કરતાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસે દેશની વિવિધ કોર્ટોમાં કેસના થયેલા ખડકલા બાબતમાં ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા. તેમના કહેવા મુજબ દેશની નાની કોર્ટોમાં આશરે ચાર કરોડ, હાઈ કોર્ટોમાં આશરે ૪૪ લાખ અને સુપ્રિમ કોર્ટમાં આશરે ૭૦,૦૦૦ કેસો પેન્ડિંગ છે. ૨૦૨૦ દરમિયાન નાની કોર્ટોમાં ૬૦ લાખ, હાઈ કોર્ટોમાં ત્રણ લાખ અને સુપ્રિમ કોર્ટમાં ૬ થી ૭ હજાર નવા કેસોનો ઉમેરો થયો છે.

જે દેશની કોર્ટોમાં આટલા બધા કેસો પેન્ડિંગ હોય ત્યાં ન્યાય મેળવવાની આશા રાખી શકાય જ નહીં. આ પરિસ્થિતિમાં સલમાન ખાન જેવા ગુનેગારો ટોચના વકીલોને કામે લગાડીને ગુનો કર્યા પછી પણ જેલમાંથી બહાર આવી જાય છે, જ્યારે ગરીબ આરોપીઓ જામીનના રૂપિયાના અભાવે વર્ષો સુધી જેલમાં સબડ્યા કરે છે.

ભારતની કોર્ટોમાં જે સાડા ચાર કરોડ જેટલા કેસો પેન્ડિંગ છે, તેમાંના મોટા ભાગના કેસો સરકારનાં વિવિધ ખાતાંઓ દ્વારા જનતા પર કરવામાં આવેલા કેસો છે. સરકાર દ્વારા ઇન્ડિયન પિનલ કોડ ઉપરાંત ટ્રાફિકના કાયદાઓ, કરવેરાના કાયદાઓ, પબ્લિક ટ્રસ્ટના કાયદાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદાઓ, મહામારી કાયદાઓ વગેરે કાયદાઓનાં જાળાં ઊભાં કરવામાં આવ્યાં છે.

જેમ કરોળિયાનાં જાળાંમાં નિર્દોષ જંતુઓ ફસાઇ જાય છે તેમ સરકાર દ્વારા ઊભાં કરવામાં આવેલા કાયદાઓનાં જાળામાં નિર્દોષ નાગરિક ફસાઈ જાય ત્યારે તેની સાથે રીઢા ગુનેગાર જેવું વર્તન કરવામાં આવે છે. કાયદાઓનો ઉપયોગ જનતાના અવાજને દબાવવા માટે કરવામાં આવે છે.

એક જ ઉદાહરણ જોઈએ તો તાજેતરમાં કોરોના મહામારીના નામે દેશમાં જાહેરનામાનો ભંગ કરવાને અપરાધિક કૃત્ય માનવામાં આવ્યું હતું. કોઈ વ્યક્તિ કર્ફ્યુનો ભંગ કરીને ઘરની બહાર નીકળે તો તેની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવતી હતી.

કોઈ દુકાનમાં ગ્રાહકોની ભીડ થઈ જાય તો દુકાનદાર સામે કેસ દાખલ કરવામાં આવતો હતો. કોઈ વ્યક્તિ માસ્ક ન પહેરે તો તેની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવતી હતી. કાયદાની આ કલમોનો ઉપયોગ જનતાને ડરાવવા અને દબાવવા માટે કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં સરકારની વિરુદ્ધ પોસ્ટ મૂકનારાઓ સામે પણ કેસ કરવામાં આવ્યા હતા.

આ કેસો પ્રજાના અભિવ્યક્તિસ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારો પર તરાપ મારવા માટે કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે નાગરિકો સામે કરેલા ફાલતુ ૨.૫૦ લાખ કેસો પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. જો એકલા ઉત્તર પ્રદેશમાં જનતા સામે ફાલતુ ૨.૫૦ લાખ કેસો કરવામાં આવ્યા હોય તો આખા ભારતમાં કેટલા કેસો થયા હશે?

ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસે રોગનું સચોટ નિદાન કરવા ઉપરાંત  તેનો ઉપાય પણ સૂચવ્યો છે. તેમના કહેવા મુજબ જો ન્યાયતંત્રમાં સુધારાઓ કરવા હોય તો જજોની નિમણુક માટેની જે વર્તમાન પદ્ધતિ છે, તે બદલવી જોઈએ. જો જજોની ખુરશી પર યોગ્ય વ્યક્તિઓ આવશે તો જ ન્યાયતંત્રનો ઉદ્ધાર થશે.

જસ્ટિસ રંજન ગોગોઈએ વર્તમાન પદ્ધતિ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘‘તમે જે રીતે સરકારી અમલદારોની નિમણૂક કરો છો તે રીતે જજોની નિમણૂક ન કરાય. જજનું કામ ૨૪ કલાકનું કામ છે. તે માટે ધગશ જોઈએ અને સમર્પણભાવ જોઈએ.’’ રંજન ગોગોઈના કથન પરથી લાગે છે કે વર્તમાનમાં જજોની પસંદગી માટે જે કોલેજિયમ સિસ્ટમ છે, તેની સામે તેમનો વિરોધ છે. કોલેજિયમ સિસ્ટમમાં જજોની પસંદગી તો જજોની પેનલ કરે છે, પણ તેમની બદલી કે બઢતી કરવાની સત્તા સરકારના હાથમાં રાખવામાં આવી છે.

તેનો ઉપયોગ સરકાર જજોને પોતાના અંકુશમાં રાખવા માટે કરે છે. દાખલા તરીકે બોમ્બે હાઈ કોર્ટના એક જજ સરકારની વિરુદ્ધમાં ચુકાદા આપતા હોવાથી તેમની મણિપુરમાં બદલી કરી કાઢવામાં આવી હતી. વળી સરકાર પોતાની સત્તાનો ઉપયોગ જજોને નિવૃત્તિ પછી વગદાર હોદ્દાઓ આપવા માટે પણ કરે છે.

જો કોઈ જજ પોતાના કાર્યકાળ દરમિયાન સરકારની મરજી મુજબના ચુકાદા આપે તો તેમને કોઈ પંચના  વડા બનાવી દેવામાં આવે છે. કોઈ રાજ્યના ગવર્નર બનાવી દેવાય છે કે રાજ્યસભાના સભ્ય બનાવી દેવાય છે.

આ પ્રકારે સરકારની તરફેણનો લાભ લેનારા જજોમાં જસ્ટિસ રંજન ગોગોઈનો પણ સમાવેશ થાય છે. સાંસદ મહુઆ મોઇત્રાએ તેમના પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન રામમંદિરનો ચુકાદો ભાજપ સરકારની તરફેણમાં આપ્યો હોવાથી તેમને ઇનામ તરીકે નિવૃત્તિ પછી રાજ્યસભામાં બેઠક આપવામાં આવી હતી. મહુઆ મોઇત્રાએ જસ્ટિસ રંજન ગોગોઈ પર તેમના મહિલા કર્મચારીનું જાતીય શોષણ કરવાના આરોપની પણ યાદ અપાવવામાં આવી હતી.

મહિલા કર્મચારી દ્વારા સુપ્રિમ કોર્ટના ૨૨ જજોને પત્ર લખીને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાનમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી, પણ બંધબારણે તપાસ કરીને જસ્ટિસ રંજન ગોગોઈને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે આ કેસમાં સરકારે રંજન ગોગોઈની મદદ કરી હતી.

જે દેશમાં સત્તાના સ્થાને રહેલા લોકો અને ધનકુબેરો ગુનાઓ કરીને છટકી જતા હોય અને માસ્ક ન પહેરવા બદલ પોલીસ કેસ થતા હોય તે દેશમાં ન્યાય મેળવવો મુશ્કેલ છે. જો દેશની લોકશાહીને બચાવવી હશે તો ન્યાયતંત્ર બદલવું જ પડશે.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top