Top News

More Posts

   The Latest

Most Popular

બારડોલી: કોરોનાની સાથે સાથે રાજ્યમાં બર્ડફ્લુ(BIRD FLU)ની દહેશત પણ ફેલાયેલી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં વધુ 17 જેટલા મૃત કાગડા(CROW)ઓ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. અહીં બે દિવસ પહેલા પણ કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થળ પર અધિકારીઓ પહોંચી કાગડાઓના જરૂરી સેમ્પલ લઈ ભોપાલની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે આ સેમ્પલમાં ખરેખર આ કોઈ ગંભીર બાબત છે કે કેમ તે જાણવા મળશે.

મૃત કાગડાઓના જરૂરી સેમ્પલ પણ લેવામાં આવ્યા
મહત્વની વાત છે કે બે દિવસ પહેલા બારડોલી તાલુકાનાં મઢી રેલવે સ્ટેશન કોલોનીમાં ચાર કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા બાદ બારડોલી શહેરના મેમણ કબ્રસ્તાન નજીક આજે 17 જેટલા મૃત કાગડાઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મોટી સંખ્યામાં કાગડા મૃત હાલતમાં પડ્યા હોવાની જાણ થતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાય ગયો હતો. બારડોલી તાલુકામાં ફરી એક વખત મૃત કાગડા મળવાની ઘટનાને લઈ બારડોલી વન વિભાગ (FOREST DEPARTMENT)ને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી પંચકયાસ કરી કાર્યવાહી શરૂ કરી હતી. વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા મૃત કાગડાઓના જરૂરી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

મૃત કાગડાઓના નમૂના ભોપાલ ખાતે લેબોરેટરીમાં મોકલી આપ્યા
બારડોલી શહેર અને તાલુકામાં મૃત કાગડાઓ મળવાની છેલ્લા ત્રણ દિવસમાં બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બે દિવસ પહેલા પણ બારડોલી તાલુકાના મઢી ગામે ચાર જેટલા મૃત કાગડાઓ મળી આવ્યા હતા. વન વિભાગની ટીમે બારડોલી પશુ ચિકિત્સાલયના અધિકારીની પણ મદદ મેળવી તપાસમાં જોતરાયા હતા. મઢી બાદ મેમણ કબ્રસ્તાનમાંથી મળેલ મૃત કાગડાઓના નમૂના લઈ એર ટાઈટ પેકીંગ કરી ભોપાલ ખાતે લેબોરેટરી (LABORATORY)માં મોકલી આપ્યા હતા. ત્યારે ગભરાટ નહીં પરંતુ લોકો દ્વારા પણ સાવચેત રહેવામાં આવે તે જરૂરી થઈ પડ્યું છે.

15 કાગડાની બોડી ડિકમ્પોઝ થઈ ગઈ
નાયબ પશુપાલક નિયામક એન.વી દવેએ જણાવ્યું હતું કે બારડોલીમાં મૃત હાલતમાં મળેલા 15 કાગડાની બોડી ડિમ્પોઝ થઈ ગઈ હતી. જેમના મોત ચાર દિવસ પહેલા થયા હોવાનું અનુમાન છે. જ્યારે બે કાગડાની બોડી પી.એમ. માટે ભોપાલ લેબમાં મોકલી અપાઈ છે. જેથી રિપોર્ટ આવ્યા બાદ કાગડાના મોતનું સાચુ કારણ જાણી શકાશે.

To Top