Top News

More Posts

   The Latest

Most Popular

આજે સતત ત્રીજા દિવસે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત વિક્રમી રૂ. ૮૮ની સપાટીની નજીક પહોંચી હતી જ્યારે મુંબઇમાં ડીઝલનો ભાવ લિટરે રૂ. ૮પની નજીક પહોંચી ગયો હતો.

આજે પેટ્રોલની કિંમતમાં લીટરે ૨પ પૈસાનો અને ડીઝલની કિંમતમાં લિટરે ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો એમ સરકારી માલિકીની ફ્યુઅલ રિટેલર કંપનીઓએ બહાર પાડેલું કિંમત જાહેરનામુ જણાવતું હતું. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૭.૮પ પ્રતિ લિટરની ઓલ-ટાઇમ હાઇ સપાટી પર પહોંચી ગયો હતો અને મુંબઇમાં તો છેક રૂ. ૯૪.૩૬ પ્રતિ લિટર થઇ ગયો હતો.

રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલની કિંમત વધીને લિટરે રૂ. ૭૮.૦૩ થઇ ગઇ હતી અને મુંબઇમાં તેની કિંમત રૂ. ૮૪.૯૪ પ્રતિ લિટર થઇ ગઇ હતી. સ્થાનિક વેરા અને પરિવહન ખર્ચના આધારે આ ઇંધણોના ભાવ રાજ્યે રાજયે જુદા રહે છે. ત્રણ દિવસમાં આ બંને ઇંધણોની કિંમતમાં લિટરે ૯૦ પૈસાનો વધારો થઇ ગયો છે.

ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે આ ઇંધણોના ભાવોને વિક્રમી ઉંચાઇઓથી નીચે લાવવા માટે સરકાર તેમના પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનું વિચારતી નથી. આ ભાવો વધ્યા છે કારણ કે ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતો વધીને એક વર્ષ કરતા વધુ સમયમાં પ્રથમ વખત બેરલ દીઠ ૬૧ ડૉલર પર પહોંચી ગઇ છેે ભારતમાં પેટ્રોલની અને ડીઝલની છૂટક કિંમતોમાં વેરાઓનું પ્રમાણ અનુક્રમે ૬૧ અને પ૬ ટકા જેટલું થાય છે જેમાં કેન્દ્ર અને રાજયના વેરાઓનો સમાવેશ થાય છે.

To Top