Top News

More Posts

   The Latest

Most Popular

આમ જોવા જાવ તો વ્યસન શબ્દ ખરાબ આદત માટે વપરાતો હોય છે. પણ ક્યારેક સારી વસ્તુ માટે પણ વ્યસન શબ્દનો ઉપયોગ કરી શકાય, જેમ કે દરરોજ સવારે જ્યાં સુધી ‘ગુજરાતમિત્ર’ ન વાંચીએ ત્યાં સુધી ચેન ન પડે. આ ચેન ન પડવું એ પણ એક પ્રકારનું વ્યસન જ કહેવાય. પણ ‘ગુજરાતમિત્ર’ વાંચ્યા વગર ચેન ન પડે એ સારા વ્યસનની નિશાની કહેવાય. આ વાત તા. ૨૧ મે ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ની સીટી પલ્સ પૂર્તિમાં ‘ગુજરાતમિત્ર’ , જીવરાજની ચા અને સુમુલના દૂધ વિશે જે કંઈ પ્રકાશિત થયું છે તે વાંચ્યા પછી લખવા પ્રેરાયો છું. ૧૯૫૯ માં કાનપુરમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ગુજરાતી સ્પિન બોલર જશુ પટેલની કાતિલ બોલિંગને લીધે ભારતનો ભવ્ય વિજય થયો હતો અને બીજે દિવસે તે અંગે ‘ગુજરાતમિત્ર’માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો દિગ્વિજય એ મતલબનું પહેલે પાને લગભગ બે ઇંચ જેટલા મોટા શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલા સમાચાર હજુ આજે પણ હું ભૂલ્યો નથી અને ત્યારથી એટલે કે ૧૯૫૯ થી ‘ગુજરાતમિત્ર’ વાંચ્યા વગર ચેન પડતું નથી એ એક હકીકત છે.

સવારે સુમુલના દૂધમાં બનેલી જીવરાજની ચાની પત્તીમાંથી બનેલી ચાની ચૂસકી લેતાં લેતાં ‘ગુજરાતમિત્ર’ વાંચવાની મજા જ કંઈ ઓર છે. સવારે તેના નિયત સમય કરતાં ‘ગુજરાતમિત્ર’ આવવામાં સહેજ પણ મોડું થાય તો જે બેચેનીનો અનુભવ થાય છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. સીટી પલ્સમાં જણાવ્યા પ્રમાણે સુરતીઓ દર વર્ષે ૭૫૦ કરોડની ચા પી જાય છે. તે ઉપરાંત જુદા જુદા પ્રકારની ચા નો ઉલ્લેખ, સુમુલના દૂધના ઉલ્લેખની સાથે જુદી જુદી વ્યક્તિઓએ ‘ગુજરાતમિત્ર’ની મહત્તાનો જે ઉલ્લેખ કર્યો છે તે બિલકુલ વ્યાજબી છે. મારી જેમ ‘ગુજરાતમિત્ર’ વાંચ્યા વિના ચેન ન પડતું હોય તેવા સુરતીઓની સંખ્યા અનેકગણી છે અને એ જ તો ‘ગુજરાતમિત્ર’ની ખ્યાતિ છે.
સુરત- સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top