Top News

More Posts

   The Latest

Most Popular

કોલકાતા / ભુવનેશ્વર: પૂર્વ મધ્ય બંગાળની ખાડી (BAY OF BENGAL)માં હવાનું નીચલું દબાણ ખૂબ તીવ્ર ચક્રવાતી વાવાઝોડુ (CYCLONE) બને તેવી સંભાવના છે. જેના કારણે 155 કિમી પ્રતિ કલાકથી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન (WIND) ફૂંકાઈ શકે છે અને 26 મેની સાંજે ઓડિશામાં પારાદીપ અને પશ્ચિમ બંગાળમાં સાગર ટાપુ વચ્ચે પહોંચી શકે છે. એમ રવિવારે હવામાન વિભાગે જણાવ્યું હતું.

કોલકાતામાં પ્રાદેશિક હવામાન કેન્દ્રના નાયબ નિયામક સંજીવ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં દીઘા દક્ષિણથી 670 કિ.મી દક્ષિણ-પૂર્વમાં અને પારાદીપ 590 કિ.મી પૂર્વ-દક્ષિણમાં સ્થિત છે. જેમ જેમ આ સિસ્ટમ આગળ વધે છે તેમ બંને રાજ્યોના કાંઠા અને આંતરીક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

ડિપ્રેશન 24 મેની સવાર સુધીમાં એક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે.
બંદોપાધ્યાયે કહ્યું કે, ત્યારબાદના 24 કલાકમાં તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડુ બનશે અને 26 મેના રોજ પશ્ચિમ બંગાળ-ઓડિશા દરિયાકાંઠે ઉત્તર બંગાળની ખાડી સુધી પહોંચશે.

તેમણે જણાવ્યું હતું કે, તે 26મી મેની સાંજે પરાદીપ અને સાગર ટાપુ વચ્ચે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડાનાં રૂપે જમીન પર ત્રાટકશે. તેમણે ઉમેર્યું હતું કે, સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થયા બાદ તેના જમીન પર ત્રાટકવાના મુખ્ય સ્થાનની ગણતરી કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં 25 મેથી પૂર્વ અને પશ્ચિમ મિદનાપુરના કાંઠાના જિલ્લાઓ, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, હાવડા અને હુગલીમાં એક કે બે સ્થળે ભારેથી અતિભારે વરસાદ અને બાકીના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થશે.

ભારત હવામાન વિભાગે જણાવ્યું છે કે, 25 મેથી ઉત્તર કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓડિશામાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થશે. હવામાન વિભાગ અનુસાર, 24 મેના રોજ અંદામાન નિકોબાર ટાપુના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે.

To Top