Gujaratmitra Daily Newspaper - Since – 1863

Top News

More Posts

   The Latest

Most Popular

ડિસેમ્બર,૨૦૨૧ના રોજ આખા વિશ્વમાં ક્રિસમસનું પર્વ મનાવવામાં આવશે. ક્રિસમસ એટલે પ્રેમ અને આનંદનું પર્વ. પ્રભુ ઈસુનો જન્મદિવસ. ખ્રિસ્તી સમુદાય ધામધૂમથી આ પર્વ ઉજવે છે. ગત વર્ષે કોવિડ- ૧૯-કોરોનાએ આ આનંદ ઝૂંટવી લીધો હતો. ભયના આવરણ સાથે ટેકનોલોજી-નેટવર્કના  માધ્યમથી ઓનલાઇન, મર્યાદિત વિધિઓથી લોકોએ  આ પર્વ મનાવી લીધું હતું  પરંતુ આ વર્ષે  સ્થિતિ બદલાઈ છે. જો કે હજુ કોરોના સંપૂર્ણ  ગયો નથી  છતાં તેની અસર ઘણી ઓછી થઈ ગયેલ હોય, આ વર્ષે લોકો આનંદપૂર્વક ક્રિસમસ ઉજવી શકશે એવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.

    ક્રિસમસ શબ્દ પુરાણા અંગ્રેજી શબ્દ Cristes-maesse or Cristes-messe પરથી આવેલ છે જેનો અર્થ થાય છે Christ’s mass or mass of christ- ખ્રિસ્તનો માસ. Mass એટલે સમૂહ. મતલબ પ્રાર્થના માટે સમૂહમાં એકઠા થવું. જેને ગુજરાતીમાં સામૂહિક પ્રાર્થના કે સામૂહિક વિધિ કહેવાય. આ શબ્દનો અપભ્રંશ થતાં ગુજરાતીમાં  મીસ શબ્દ રૂઢ થયેલ છે. પ્રભુ ઈસુએ ક્રોસ ઉપર આપેલ પોતાની જાતના બલિદાનની યાદમાં જે ધાર્મિક વિધિ થાય છે તેને  Holy Mass : ખ્રિસ્ત-યજ્ઞ કહેવાય છે, જે ખ્રિસ્તી ધર્મની સૌથી વધુ પોપ્યુલર પવિત્ર વિધિ છે.

    ક્રિસમસ અંગે ઘણા વિદ્વાનો, પંડિતોએ મનોમંથન, સંશોધનો કરેલ છે. તેને સંબંધિત કથા, દંતકથાઓથી ભરપૂર સાહિત્ય ઉપલબ્ધ છે પરંતુ સ્થળસંકોચને લઈને તેમાં ઊંડા ઊતરવું શક્ય નથી. પારંપારિક  રીતે  દેવળમાં ક્રિસમસની ઉજવણી નિમિત્તે  વિવિધ પ્રકારે  દેવળો તેમ જ રહેણાંકનાં મકાનો, ઑફિસો, મોલ વગેરેને અવનવા લાઇટનીંગથી ડેકોરેટ કરવામાં આવે  છે. ઉપરાંત  ધાર્મિક પ્રતીકો તરીકે- ક્રીબ-ગભાણ કે જે ઈસુ ખ્રિસ્તનો જન્મ ઢોર બાંધવાની ગમાણમાં થયેલો તેનું પ્રતીક છે.  સ્ટાર-તારો: જે ઈસુના જન્મ વખતે દેખાયેલો. તેને જોઈને સીમાડાના ભરવાડો અને પૂર્વના દેશના ખગોળશાસ્ત્રીઓ ઈસુ ભગવાનનાં દર્શન કરવા પધારેલ તેનું પ્રતીક છે.

 સાંતાકલોઝ કે જેની બાળકો ગિફ્ટ માટે આતુરતાથી રાહ જુએ છે તે આનંદનું  પ્રતીક છે.  ક્રિસમસ ટ્રી કે જે સદાબહાર આનંદનું પ્રતીક છે વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે.   આ બધું ભૌતિક છે પણ થોડુંક આધ્યાત્મિક બાબતે પણ જોઈએ. કોઈએ પૂછ્યું કે ક્રિસમસનો સંદેશ શું છે? મેં કહ્યું ઈસુના જીવને અનુસરવું એથી મોટો કોઈ સંદેશ ન હોઈ શકે. બાઈબલનું અધ્યયન કહે છે કે ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં સ્વેચ્છાએ આવ્યા ન હતા. તે ઈશ્વરનો  અંશ હતા. તેમને ઈશ્વરે એક મિશન માટે મોકલ્યા હતા, જે મિશન હતું : અધર્મ તરફ વળી ગયેલ લોકોને ધર્મનો સાચો માર્ગ બતાવવો. ઈશ્વર તરફ દોરવા અને પાપમુક્ત  કરવા, ગરીબ-ગુરબાં, શોષિત, પીડિતોની સેવા કરવી.

  ત્રીસ વર્ષની ઉંમરે ઈસુ ખ્રિસ્તે  તેમનું મિશન કાર્ય શરૂ કર્યું અને માત્ર ત્રણ-સાડા ત્રણ વર્ષમાં જ તેમનું મિશન પૂરું કરી સ્વધામે પહોંચી ગયા! શું કર્યું તેમણે આ સમય દરમ્યાન? એક સ્થાનક બનાવીને બેસી ગયા? ના, તેઓ ગામેગામ અને શહેરોમાં ફરતા જ રહ્યા. સામેથી જરૂરતમંદો પાસે ગયા. તેમની વ્યથા કાને ધરી, આશ્વાસન આપ્યું, જરૂરી મદદ કરી. તેમણે  માંદાંઓને સાજાં કર્યાં. આંધળાઓને દેખતા કર્યાં. લંગડાઓને ચાલતા કર્યાં. મરેલાંઓને જીવતાં કર્યાં. સમાજે જેને હડધૂત કરી, અસ્પૃશ્ય માની ગામ બહાર વગડામાં હાંકી કાઢેલાં, તેમનો પ્રેમથી  સ્પર્શ કરી તેમને સમાજે સ્વીકારવા પડે તેવી તંદુરસ્તી બક્ષી!

ભૂખ્યાંને ભોજન તેમનું સૂત્ર હતું. ચમત્કાર કરી એક વાર 5000થી વધુ ભૂખ્યાં લોકોને અને બીજી વાર 4000 હજારથી વધુ લોકોને જમાડી સ્વયં દાખલો બેસાડ્યો. ગરીબ -ગુરબાંને આશ્વાસન આપ્યું કે ડરશો નહીં, સ્વર્ગમાં તમારું સ્થાન ઊંચું છે. પાપીઓના ઘરે ગયા. તેમની સાથે ભોજન લીધું. તેમના આવા પ્રેમાળ  સ્વભાવના કારણે પાપીઓએ ધાર્મિક વલણ અપનાવ્યું. પોતે કોઈ મહેલ કે વૈભવશાળી મકાનમાં નહીં પરંતુ ગમાણમાં જન્મ લીધો. પોતાના શિષ્યોના પગ ધોઈ નમ્રતાની શીખ આપી.  ઈસુ ઉપદેશ માટે કોઈ ખાસ સ્થળ માટે આગ્રહ રાખતા નહીં. પોતે યહૂદી હતા એટલે સીનાગોગ-પ્રાર્થનાગૃહમાં વિશ્રામ વારના રોજ જતા હતા અને ત્યાં એકત્ર થયેલ લોકોને ઉપદેશ આપતા હતા. બાકી તેઓ ગામેગામ ફરતા રહેતા અને જ્યાં લોકોનું ટોળું જોતાં ત્યાં નીચે બેસી જઈને તેઓને ઉપદેશ આપતા હતા.

   ઈસુએ પ્રથમ તેમના બાર મુખ્ય શિષ્યોને પસંદ કર્યા.  પછી બોંતેર શિષ્યોને પસંદ કર્યા. તેમને અશુધ્ધ આત્માનો (ભૂત-પલીતોનો) વળગાડ ઉતારવાની અને બધી જાતની માંદગી અને રોગ મટાડવાની સત્તા આપી, ઉપદેશ અર્થે  મોકલી આપ્યા. ઉપદેશ માટે બહાર મોકલતી વખતે શીખ આપી : ‘‘માંદાને સાજાં કરજો,  મરેલાંને જીવતાં કરજો, કોઢિયાને સારાં કરજો, અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારજો. તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. સાથે પૈસા, સોનું, રૂપું વગેરે લેશો નહીં, પ્રવાસમાં ઝોળી કે વધારાનું પહેરણ, પગરખાં કે લાકડી  સુધ્ધાં લેશો નહિ. તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યાં સુપાત્ર ગૃહસ્થની તપાસ કરજો અને તેમને ત્યાં જ મુકામ કરજો. કોઈ પણ ઘરમાં દાખલ થાઓ ત્યારે પહેલાં આ ઘર ઉપર પ્રભુની શાંતિ ઊતરો એમ કહેજો. તેઓ જે કંઈ જારબાજરો ખાતા હોય તે ખાજો. વારેવારે ઉતારો બદલશો નહીં…’’     આ હતી ઈસુની જીવનચર્યા. તેમણે ઘર, સગાં, સમાજ બધું ત્યજી દીધું હતું. તેમનું કોઈ ઘર ન હતું. એકંદરે જોઈએ તો ઈસુએ લોકસેવામાં, ખાસ કરીને ગરીબ, પીડિત, શોષિત, દુ:ખી લોકોની નિઃસ્વાર્થ સેવા માટે જ  એમનું જીવન અર્પિત કર્યું હતું.  નિઃસ્વાર્થ સેવા કરો, દુખિયાંને દિલાસો આપો એ જ નાતાલનો સંદેશ!

To Top