Top News

More Posts

   The Latest

Most Popular

નડિયાદ: ડાકોરના વોર્ડ નં ૭ માં ગટર ઉભરાવવાની સમસ્યા મુદ્દે સ્થાનિકો ઉપરાંત આ વિસ્તારના કાઉન્સિલર દ્વારા પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર ટેલિફોનિક અને રૂબરૂ રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં આખરે કાઉન્સિલરે પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી છે.  જોકે, આ અંગે અનેક રજુઆત કરવા છતાં પાલિકા સભ્યોનું પણ સાંભળતી ન હોવાનો સુર ઉઠ્યો છે. ડાકોરના વોર્ડ નં ૭ ના કેટલાક વિસ્તારોમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અનેકોવારની રજુઆતો બાદ પણ પાલિકાતંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટેની કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે નગરપાલિકાના વોર્ડ નં ૭ માંથી ચુંટાયેલા કાઉન્સિલર તેજેન્દ્રસિંહ હાડા દ્વારા છેલ્લાં વીસેક દિવસથી સતત ટેલિફોનિક માધ્યમથી અને રૂબરૂ મુલાકાત કરી પાલિકામાં રજુઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેને પગલે રોષે ભરાયેલાં કાઉન્સિલરે આખરે ચીફઓફિસરને લેખિતમાં રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, વોર્ડ નં ૭ માં હરેકૃષ્ણ સોસાયટી પાસે મેઈન રોડ ઉપર છેલ્લાં વીસેક દિવસથી ગટરનું ઢાંકણુ તુટી ગયેલ છે અને ગટર ખુલ્લી થઈ ગયેલ છે. રોજેરોજ ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. જેનાથી ફેલાતી અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો ત્રસ્ત બન્યાં છે. પીવાનું પાણી અને ગટરનું પાણી મીક્ષ થતું હોવાથી રોગચાળો ફેલાવવાની પણ દહેશત છે. ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છે.

જ્યાં કાઉન્સિલરની જ રજુઆતો ધ્યાને લેવાતી ન હોય, ત્યાં પ્રજાની રજુઆતોનું શું…?

ડાકોર નગરપાલિકા છેલ્લાં ઘણાં વર્ષોથી સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. જેને પગલે ડાકોરની પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચિત બની છે. રોડ-રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડેલા પાલિકાતંત્ર સમક્ષ રોજેરોજ પ્રજાની અવનવી રજુઆતો પહોંચે છે. પરંતુ જ્યાં ચુંટાયેલા કાઉન્સિલરોની જ રજુઆતોને ધ્યાને લેવાતી ન હોય, ત્યાં સામાન્ય પ્રજાની રજુઆતોનું શુ…? તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.

To Top