Charchapatra

શું આ લોકશાહી છે?

લોકશાહીની જયારે પણ ચર્ચા થાય છે ત્યારે અબ્રાહમ લીંકનનું એક વાકય ‘લોકોની, લોકો માટે, લોકો દ્વારા ચાલતી શાસનપ્રથા એટલે લોકશાહી’ લોકશાહી લોકો માટે છે, પણ હવે એ કયા લોકો માટે છે એ મુદ્દો બની ગયો છે. 20 ટકા સમૃધ્ધ લોકો વૈભવમાં રહેતા હોય. બાકીના 20 ટકા મધ્યમ વર્ગ ખાધેપીધે સુખી હોય અને બાકીની 60 ટકા વસ્તીની પ્રાથમિક જરૂરિયાત પણ સંતોષાતી ન હોય અને રાજયના કાયદાઓ, કલ્યાણ યોજનાઓ અને વિકાસકાર્યોનો લાભ જરૂરિયાતમંદોને પહોંચતો ન હોય તો એનો અર્થ શું?

ચૂંટણી આવે તો વિવિધ રાજકીય પક્ષો ઠાલાં વચનો આપી મતદારોને આકર્ષે, સત્તામાં બેઠેલી સરકાર પણ ખૂબ જાહેરાતો કરે અને ચૂંટણી પતે એટલે બધું જ હતું ત્યાં ને ત્યાં. વાસ્તવમાં એ કયા લોકોની સરકાર હોય છે. બીજી રીતે જોઇએ તો ચૂંટણી લડતા અને ચૂંટણીમાં જીતતાં ઉમેદવારોનું નિરીક્ષણ કરીએ તો એ બધાં આર્થિક રીતે સાધનસંપન્ન હોય છે. કોઇ અપવાદરૂપે જ મધ્યમ કે ગરીબ વર્ગનો ઉમેદવાર હોય છે. આપણે ચૂંટણીઓને જ લોકશાહીનો પર્યાય ગણી લીધો છે. પણ ચૂંટણી તો લોકશાહીનો એક કર્મકાંડ માત્ર છે. સાંપ્રત સમયમાં દેશમાં પ્રવર્તતી સામાજિક અને આર્થિક અસમાનતાએ એની એક આગવી રીતે દેશમાં લોકશાહીના પાયામાં જ ઘા કરનારી અસમાનતા સર્જી છે.

લોકશાહીનો એક આધારસ્તંભ કાયદાનું શાસન છે. કાયદાનો ચુસ્ત અમલ જ પાયાની આવશ્યકતા છે. આપણા દેશમાં જે ન્યાયપ્રથા પ્રવર્તે છે તે સાધનસંપન્ન લોકોને અને સત્તાધીશોને કાયદાથી પર બનવાની સગવડ કરી આપે છે. સર્વોચ્ચ અદાલત સુધી લડી લેવાની નાણાંકીય સગવડ ધરાવતાં લોકો માટે કાયદા તોડવા સરળ છે. ગુનેગાર નથી એ સાબિત કરી જેલમુકત થવાની પ્રક્રિયા ખૂબ જ અઘરી છે. આપણા શાસકોએ કાયદાનું શાસન તોડયું તેનો ચેપ પ્રજાને પણ લાગ્યો છે. છતાં પણ વિશ્વમાં ભારતની લોકશાહી એ મજબૂત લોકશાહી તરીકે ગણાય છે છેલ્લાં 75 વર્ષથી અનેક શાસકો આવ્યા અને ગયા, પણ આપણી લોકશાહી અકબંધ છે. પછી ભલે વિવિધ રાજકીય પક્ષો સત્તા પ્રાપ્ત કરવા પોતાની રીતે વિવિધ યુકિત-પ્રયુકિતઓ દ્વારા પ્રજાના મત પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહે.
નવસારી           – નાદીર ખાન     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top