Top News

More Posts

   The Latest

Most Popular

કેમ છો?
વરસતાં વરસાદની સાથે આપ સહુનું તન-મન પણ ભીંજાઈને લીલુંછમ બને એવી હૃદયની શુભેચ્છાઓ…
સન્નારીઓ, ચોમાસાની સાથે લગ્નની સીઝન પણ બંધ થશે. છેલ્લાં છેલ્લાં લગ્નો આ વીકમાં પતી જશે પછી પરણવાનું અને છોકરા-છોકરી જોવાનું પણ બંધ રહેશે. આપણે ત્યાં લગ્નને જીવનનું, સુખનું, સ્થિરતાનું અને આનંદનું ચાલકબળ માનવામાં આવે છે. લગ્ન થઈ જાય એટલે કોઈ સુખનો ખજાનો હાથમાં આવી જવાનો હોય એ રીતે એને ગ્લોરીફાય કરવામાં આવે છે. આજે ય 80% છોકરીઓ કરિયરની સરખામણીમાં લગ્નનાં સપનાંઓ વધારે જુએ છે. મા-બાપ પણ સંતાનો પરણી જાય એટલે કોઈ યુદ્ધ જીત્યાનો સંતોષ અનુભવે છે. શું લગ્ન ખરેખર સુખના દરવાજા ખોલી આપે છે? જનમોજનમનો સાથ ગણાતાં લગ્નમાં ખરેખરો સાથ, ખરેખરી આત્મીયતા કે ખરેખરું સુખ દસ-બાર વર્ષ પણ રહે છે ખરું?

ના, પ્રેમલગ્ન હોય કે અરેન્જ મેરેજ સમય જતાં લગ્ન સમજણ તથા જરૂરિયાતને આધારે ચાલતી વ્યવસ્થા બની જાય છે. સાથે રહેવાને કારણે ઉદભવતી જવાબદારી, લાગણી અને કાળજીની ભાવનાને પ્રેમનું નામ આપી દેવાય છે. માની લઈએ કે એકબીજાના આંતરિક બાહ્ય આકર્ષણમાંથી ધીરે-ધીરે પ્રેમ જન્મતો હશે પરંતુ એ પ્રેમની સાથે સન્માન અને વિશ્વાસની લાગણી હંમેશાં રહે છે ખરી? જૂની પેઢીની વાત જવા દો પરંતુ નવી પેઢીના લગ્ન તો ફ્રેન્ડશીપના બેઝ પર થાય છે ત્યાં પણ આ વિશ્વાસ અને સન્માન કેટલા હોય છે? સ્પેસ, ફ્રીડમ, ઈક્વાલીટી, ફ્રેન્ડલીનેસ કે રીસ્પેકટ ઓફ પ્રાઈવસી કે રીસ્પેક્ટ ઓફ ઈન્ડીવિડ્યુઆલિટી શબ્દોનો વારંવાર યુઝ કરનાર નવી પેઢી એકબીજાને પૂરું સન્માન અને ન્યાય આપે છે ખરી?

સન્નારીઓ, તમને થશે કે એક સાથે આટલા બધા સવાલો અને તે પણ માત્ર લગ્ન સંદર્ભે? આ સવાલો એટલા માટે કે લગ્ન સંદર્ભે આપણે યુવક-યુવતીઓને એટલાં સપનાં બતાવીએ છીએ કે લગ્નમાં બધું જ સારું હશે એવી પોઝિટિવિટી સાથે તેઓ કદમ માંડે છે. પોઝિટિવિટી સારી વાત છે પરંતુ સમસ્યાઓ જન્મે તો શું કરવું એની કોઈ સમજણ અપાતી નથી. એક સમયે પતિ-પત્ની વચ્ચે સાસુ-વહુ ફેમિલી ઈસ્યુઝ, રસોઈ કે કામકાજ સંબંધે પ્રશ્નો જન્મતા. પઝેસીવનેસ, કોઈ એક પાત્રની જોહુકમી (ખાસ કરીને પુરુષની) કે પ્રાઈવસીનો અભાવ એ ઈસ્યુ નહોતા ગણાતા પરંતુ આજની ભણેલીગણેલી, બુદ્ધિશાળી સ્ત્રીઓ માટે એ મોટો પ્રશ્ન છે અને તેથી જ લગ્ન એ એમના માટે સરળ ટાસ્ક નથી. સપનાં અને ઈચ્છા વિરુધ્ધ જીવવું આજની કોઈ યુવતીને ગમતું નથી. તેઓ ચૂપ રહી શકતી નથી અને પરિણામે ઝઘડાઓ વધે અને લગ્ન જીવન તૂટે. યુવતીઓ પાસે જ સઘળાં એડ્જસ્ટમેન્ટનો આગ્રહ રાખનાર પરિવાર પોતે બહુ ઓછી બાંધછોડ કરે છે.

થોડાં તાજાં અનુભવેલાં ઉદાહરણ જોઈએ. એક 22 વર્ષની યુવતીની સગાઈ થઈ. સુંદર દેખાવ અને વ્યક્તિત્વ ધરાવતી આ યુવતી ઈન્સ્ટા પર કોમેડી રીલ્સ બનાવે. લગભગ એક લાખથી વધુ એના ફોલોઅર્સ છે. કોમેડી રીલ્સ એટલે થોડા લટકા-ઝટકા તો રહેવાના જ. શરૂઆતમાં યુવતીની હોંશિયારીના વખાણ કરનાર, એને પ્રોત્સાહન આપનાર પતિએ લગ્ન પછી રીલ્સ બનાવવાની બંધ કરાવી દીધી… સારા ઘરની વહુને આવાં નખરાં ન સારાં લાગે. વિધિની વક્રતા જુઓ. આ રીલ્સ જોઈને ભાઈને પ્રેમ થયો હતો અને હવે એ પરિવારની ઈજ્જત ઓછી કરનાર લાગે છે. કેવા ડબલ સ્ટાન્ડર્ડ… સોશ્યલ મીડિયા પર આગવી ઈમેજ ધરાવનાર આ યુવતી હવે ગૂંગળાય છે.

પોતાનાં ગમતાં કામ વિના એ ખાલીપો અનુભવે છે અને નાનાં-નાનાં કારણસર ઝઘડે છે. લોકોને લાગે છે કે એની પાસે બધુ હોવા છતાં એને ખુશ રહેતાં નથી આવડતું… પૈસો છે, પ્રેમ છે, સુખનાં સાધનો છે, જલસા કર.. પણ આજની સ્ત્રી માટે કામ એ એની સુખની ગાડીનું મહત્ત્વનું વ્હીલ છે એ વાત કેમ ભૂલી જવાય છે? લગ્ન પહેલાં કામ માટે હા પાડનાર લગ્ન પછી કામ માટે ના પાડે તો છોકરીઓએ શું કરવું? કહેવાતા સુખ અને સલામતીને ગળે લગાડી પોતાની ઓળખ ભૂલી જવી કે સાસરિયાને મનાવવા? મનાવવા તો કઈ રીતે? સાપ પણ ન મરે અને લાઠી પણ ન તૂટે એવી કોઈ યુક્તિ એમને સમજાવાય છે ખરી? અન્ય કોઈ એને ગમતો ઓપ્શન ઊભો કરાય છે ખરો? કોઈ પણ જાતની માનસિક તૈયારી વિના દીકરીને એડ્જસ્ટમેન્ટને બદલે કોમ્પ્રોમાઈઝના કૂવામાં ધકેલી દેવાય છે. એ વાજબી છે? ખુદને મારીને જીવાડાતું લગ્નજીવન સુખનો ખજાનો છે?

બીજું એક ઉદાહરણ લઈએ. અંગ્રેજી માધ્યમમાં ભણીને એમ.બી.એ થયેલી યુવતી પરણીને સાસરે જાય છે. ખુદને જોબ નહોતી કરવી. બુટીક ખોલવું હતું. ખોલ્યું પણ ખરું પરંતુ પતિ અને સાસુને જ્યાં જાય ત્યાં કહીને જ જવાનું. ધંધા માટે દસ જગ્યાએ જવાનું થાય અને દસ જણને મળવાનું થાય. મિનિટે મિનિટનો હિસાબ કઈ રીતે અપાય? ભણેલો પતિ ઈન્ડીપેન્ડન્ટ પત્નીને દર કલાકે ફોન કરીને પૂછે કે તું ક્યાં છે? આવો પતિ પ્રેમાળ હોય તો પણ ગૂંગળામણ થાય કે નહીં? ઘરનાં લોકો યુવતીને કહે છે કે બધું સારું છે તો એટલું ચલાવી લેવાનું?

યુવતી કહે છે કે આવી હરકત અવિશ્વાસની નિશાની છે. આખી જિંદગી હું એની જાસૂસીના જવાબો ન આપી શકું. મને મારી સ્પેસ ન મળે તો મને ગભરાટ થાય. યુવતીનાં પેરન્ટસે ધીરજ રાખીને કામ લેવાની સલાહ આપીને હાથ ખંખેરી નાંખ્યા છે. દીકરીએ લગ્ન શેરીંગ-કેરીંગ અને ફ્રેન્ડશીપથી ધબકતું રાખવું છે પણ સામા પક્ષે જડ દલીલ છે. પતિને દરેક વાતે જવાબ આપવો એ પત્નીની ફરજ છે. રોજનો આ ખટરાગ લગ્નજીવનમાં સુખની ક્ષણોને કેટલી જીવતી રાખશે? શું પતિ અને સાસુને પંચાત છોડવાનો હુકમ કોઈ ન કરી શકે?

ત્રીજું એક ઉદાહરણ એવી યુવતીનું છે જેનો પતિ સંકુચિત છે. પત્નીના જૂના મિત્રો સાથે એને સંબંધ તોડાવી નાંખ્યો છે. એની ચોખ્ખી ચેતવણી છે કે મને કહ્યા વિના કે પૂછ્યા વિના તારે કોઈને ફોન પણ ન કરવો. એ મોડર્ન હસબન્ડ પત્નીનો ફોન પણ ચેક કરે છે. હવે પત્ની ઝઘડે નહીં તો શું કરે? આવું વલણ સ્ત્રીઓનું પણ હોય છે. એની ના નથી પરંતુ લગ્નમાં ઊભી થતી સમસ્યાઓ ટાળવા માટે ચૂપ રહેવું, જતું કરવું, ધીરજ રાખવી, હવે આટલું તો ચલાવવું જ પડે એવા ઉપદેશ સિવાય ઉકેલનો કોઈ વિકલ્પ હોય છે ખરો? બંને વ્યક્તિ જરા ય બદલાયા વિના જેવા છે તેવા રહીને સાથે પ્રેમથી, શાંતિથી અને સન્માનથી જીવી શકે એ લગ્ન જ સુખી કહેવાય ને? મે બી એના માટેની કોઈ રેડીમેડ ફોર્મ્યુલા ન હોય શકે. ઠીક છે પરંતુ લગ્નને ન તો ગ્લોરિફાય કરાય કે ન તો ડીગ્રેડ કરાય. માત્ર સપનાંઓના મહેલ ચણવાને બદલે વાસ્તવિક જીવનથી પરિચય કેળવાય, એમાંથી બહાર નીકળવાના ઉપાયો દર્શાવાય તો જ સાચી વાત બને.
 -સંપાદક

To Top