Gujarat

દિયોદરમાં 8 અને ડીસામાં 5 ઇંચ વરસાદ, આણંદ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ, NDRFની ટીમે 200 લોકોનું રેસ્ક્યૂ કર્યું

દિયોદર: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદે રાજ્યના કેટલાક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. રાજ્યનાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં ગતરાત્રે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જેમાં દિયોદર (Deodar) પંથકમાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે ડીસામાં (Disa) 5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસવાના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. ડીસામાં ભારે વરસાદને પગલે 50થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ સિવાય દુકાનોમાં 5થી 6 ફૂટ સુધી પાણી ભરાયાં હતાં, જેથી દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિકો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જિલ્લામાં ગતરાત્રે સતત 4થી 5 કલાક વરસાદ વરસી રહ્યો હતો. જેમાં અમીરગઢ અને ડીસામાં પણ 5- 5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાલનપુર, ડીસા, અમીરગઢ અને દિયોદરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

બોરસદમાં સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ, NDRFની ટીમે પાણીમાં ફસેયાલા 200 લોકોનું રેસ્ક્યૂ કર્યું
આણંદ જિલ્લાના બોરસદમાં એક જ રાતમાં 12 ઈંચ વરસાદ ખાબકતા ચારેતરફ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. બોરસદમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારની સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ હતી. વિસ્તારમાં પૂર જેવું પાણી ફરી વળતા NDRFની ટીમે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. લગભગ 200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં શેહર જ નહીં ગામડાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ વરસાદના કારણે બોરસદના કસારી પાસે બે લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. તો બીજી તરફ ભાદરણમાં પૂર જેવી સ્થિતિ સર્જાય હતી. વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં ધસી આવતા ભાદરણમાં 35 થી વધુ ગધેડાઓના પાણીમાં ડૂબવાથી મોત થયા છે. આ સિવાય ચાર ભેંસ, અને પાંચ બકરીઓ પણ ડૂબવાના સમાચાર પણ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલા જ વરસાદે આણંદ જિલ્લાને પાણી પાણી કરી નાખ્યું હતું.

Most Popular

To Top