SURAT

સુરતમાં મેઘમહેર: ભારે વરસાદનાં પગલે ખાડીઓ ભયજનક સપાટીએ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

સુરત: આગામી ચાર દિવસ સુધી સુરત(Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત(South Gujarat)માં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલ રાતથી જ સુરત શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેમ અનારાધાર વરસાદ(Rainfall) ખાબક્યો હતો. રાત્રે 11 વાગ્યા બાદ શરૂ થયેલો વરસાદ સવાર સુધી અવિરત રહેતા શહેરના તમામ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી. એકધારા વરસાદને પગલે શહેરમાં ઠેર – ઠેર વૃક્ષો(tree) પડવાથી માંડીને શોર્ટ સર્કિટની ઘટનાઓ બનવાના કારણે મહાનગર પાલિકા(Surat Municipal Corporation)નું વહીવટી તંત્ર અને ફાયર વિભાગ(Fire Department) પણ સતત દોડતું નજરે પડ્યું હતું. આ સિવાય સહારા દરવાજા અને ખાંડ બજાર તથા ઉધના ગરનાળામાં તો કેડ સમા પાણી ભરાતા વાહન ચાલકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગત મોડી રાત્રે 10 વાગ્યેથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 10 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબકતાં શેરીઓ – મહોલ્લા અને સોસાયટીઓમાં નદીઓ વહેતી નજરે પડી હતી. વરાછા, કાપોદ્રા, કતારગામ અને સેન્ટ્રલ ઝોન સહિત અઠવા અને અડાજણ જેવા વિસ્તારોમાં પણ બેથી ત્રણ ફુટ સુધી પાણી ભરાઈ જતાં લોકોની હાલત કફોડી થવા પામી હતી.

  • વરાછામાં 12 કલાકમાં 11ઇંચ વરસાદ
  • કોસાડ રોડ ઉપર સિટી બસ ફસાતા ચાર વિદ્યાર્થીને રેસ્ક્યુ કરાયા
  • શોર્ટસર્કિટ અને વૃક્ષો તૂટી પડવાના બનાવોના કારણે ફાયર તંત્ર સતત દોડતું રહ્યું
  • કોઝવે અને ખાડીઓની સપાટીમાં ભારે વધારો

સુરત શહેરમાં મોડીરાતથી વહેલી સવાર સુધીમાં વરસાદ જાણે ગાંડોતૂર બન્યો હોય તેમ ધડબડાટી બોલાવી દીધી હતી. શહેરમાં વરસેલા ભારે વરસાદે રસ્તા પાણી પાણી કરી નાખ્યા હતા. સુરતના નીચાણવાળા વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા હતા. વરાછા, સરથાણા, કતારગામ, કાપોદ્રા, પુણા, અમરોલી સહિતના વિસ્તારોમાં તો ગણતરીનાં કલાકોમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણીયા સુધી પાણી ભરાઈ જવા પામ્યા હતા. તે ઉપરાંત શહેરના વેસુ, ભગવાન મહાવીર કોલેજ સ્કુલ, એ.કે રોડ, લસકાણા, એલ.પી.સવાણી રોડ, વૃષભ ચાર રસ્તા, કતારગામ દરવાજા સહીતના ‌વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઇ ગયા હતા. જયારે ‌લિંબાયત અને ઉધના ઝોનના કેટલાક ‌વિસ્તારમાં ડ્રેનેજનું પાણી બેક મારતા એકથી બે ફુટ જેટલું પાણી ભરાઇ ગયું હતું. જેના કારણે વાહન ચાલકો અટવાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે સવારે સ્કૂલે જવા નીકળેલા વિદ્યાર્થીઓ પણ અટવાઈ પડ્યા હતા.

ઉધના મગદલ્લામાં રોડ પર ભુવો પડ્યો
મોડીરાતથી જ તડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પર ભુવા પડવાના બનાવો પણ બનવા પામ્યા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે ઉઘના મગદલ્લા રોડ પર મસમોટો ભૂવો પડ્યો હતો. ઉધના મગદલ્લા રોડ પર જોગર્સ પાર્ક નજીક રસ્તા બેસી જવાની સ્થિતિ જોતા રસ્તો રાહદારીઓ અને વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પહેલા જ વરસાદે મનપાની પોલ ખુલી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ શહેરમાં અનેક જગ્યાએ નાના-નાના ભુવા પડવાના અને રસ્તા બેસી ગયા હતા.

શહેરમાં 20 જગ્યાએ ઝાડ પડયા
શહેરમાં જુદી જુદી 20 જગ્યાએ ઝાડ પડવાના બનાવો બન્યા હતા. જેમાં નાનપુરામાં નાવડી ઓવારો, નાનપુરા જમરૂખ ગલી, માછીવાડ જિંગા સર્કલ પાસે, કાપડિયા હેલ્થ ક્લબ પાસે, પનાસ ગામના પાછળ, બમરોલી રોડ, વેલકમ પાન પાસે, પાંડેસરા કૈલાસનગર ચોકડી પાસે, રિંગરોડ, સાલાસર હનુમાન ગેટ, કુંભારિયા રોડ, વેલકમ ગેટ પાસે, પાલનપોર વિરસાવરકર સર્કલ, પાલનપુર જકાતનાકા પાસે, પાલ સૌરભ પોલીસ ચોકી પાસે, અડાજણ ગામ દાળિયા સ્કૂલ પાસે, જહાંગીરપુરા જીવી સર્કલ નજીક, પાલ આરોગ્ય કેન્દ્રની સામે, અડાજણ ડીમાર્ટ સામે, સિંગણપોર દત્ત મંદિર, સિંગણપોર શ્રદ્ધા સોસાયટી, કતારગામમાં બાપા સીતારામ ચોક, મોટા વરાછા ડી-માર્ટની બાજુમાં જેવા વિસ્તારોમાં ભારે વરસાદનાં પગલે ઝાડ પડી ગયા હતા.

પાંચ સ્થળો પર શોર્ટસર્કિટના બનાવો
ભારે વરસાદને પગલે ઝાડ પડવાના કોલ સાથે ડીપી અને મીટર પેટીમાં શોર્ટસર્કિટના કોલથી આખી રાત અને સવારે ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. શહેરમાં પાંચ અલગ અલગ સ્થળો પર શોર્ટસર્કિટના બનાવો બન્યા હતા. જેમાં ભાગા તળાવ જનતા માર્કેટમાં ડીપીમાં શોર્ટ સર્કિટ, બેગમપુરા ખરાડી શેરી, વેડરોડ ધ્રુવતારક સોસાયટી અને મોટા વરાછા ડિમાર્ટ બાજુમાં ડીપીમાં શોર્ટસર્કિટના બનાવો બનવા પામ્યા હતા. આ સિવાય ઉધના તેરાપંથ ભવન ભગવતી સોસાયટીમાં ઘરની મોટરમાં શોર્ટસર્કીટ થતા સામાન્ય આગ લાગી હતી. ફાયરબ્રિગ્રેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

સિટીબસમાંથી ચાર વિદ્યાર્થીઓ રેસ્ક્યુ કરાયા, કારમાં ચાર લોકો ફસાયા
શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેમાં અમરોલી નવો કોસાડ રોડ ગૃહમ રો હાઉસ પાસેથી પસાર થતી સીમાડા ખાડી ઉપરથી આજે પાણી વહી રહ્યું હતું ત્યારે સુરત મહાનગર પાલિકાની સિટી બસના ચાલકે બસ પાણીમાંથી કાઢવાની કોશિશ કરી હતી. જોકે બસ પાણીમાં ફસાઈ જતા બંધ પડી ગઈ હતી. બસમાં ચાર વિદ્યાર્થીઓ હતા જેથી ફાયરમાં જાણ કરવામાં આવી હતી અને ફાયરબ્રિગ્રેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચારેય વિદ્યાર્થીઓના રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢ્યા હતા. જોકે બાદમાં ફાયરબ્રિગ્રેડની ગાડી દ્વારા બસને પણ બહાર કાઢવામાં આવી હતી.

ખોલવડ ગામ પાસે પાણી ભરાતા કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું
ખોલવડ ગામ સ્ટાર મનોરથ સોસાયટી પાસે ત્રણ ફૂટ પાણી ભરાઈ જવાના કારણે ફોર વ્હીલ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. જેમાં બે મહિલા અને બે પુરુષ મળી ચાર વ્યક્તિઓ ફસાઈ જતા ફાયરબ્રિગ્રેડને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયરબ્રિગ્રેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા લોકોએ જ ચારેયને બહાર કાઢી બચાવી લીધા હતા.

કાલીપુલ જુમ્માના ટેકરા પાસે એક મકાનમાં સીડી તૂટી જતા 7 લોકોને રેસ્ક્યુ કરાયા
સેન્ટ્રલ ઝોનમાં ડી. કે.એમ હોસ્પિટલ પાસે, કાલીપુલ, જુમ્માના ટેકરો પાસે આવેલુ મકાન નં. 3/3128 માં ગ્રાઉન્ડ વત્તા 2 માળના મકાનમાં પ્રથમ અને બીજા માળની સીડીનો ભાગ તૂટી પડતા નીચે આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને ઘરના લોકો ફસાયા હતા. જે અંગે ફાયરમાં જાણ થતા જ ત્રણેય ફાયર સ્ટેશન ના વાહનો ઘટના સ્થળે પહોચ્યા હતા. બીજા માળે કુલ 7 વ્યકિતઓ ફસાયા હતા. જેઓને ફાયર લેડર તેમજ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી સહીસલામત નીચે ઉતારવામાં આવ્યા હતા જેમાં 3 વર્ષ નું બાળક તેમજ 67 વર્ષના વૃધ્ધા પણ હતા. જેમાં કોઈને જાનહાનિ થઈ ન હતી.

એક જ રાતમાં કોઝવેની સપાટીમાં એક મીટરનો વધારો
રાત્રે 10 વાગ્યા બાદ સુરત શહેરમાં વરસાદે તોફાની બેટિંગ શરુ કરી હતી. જેના કારણે ખાડીઓની સપાટીમાં વધારો થવા સાથે કોઝવેની સપાટીમાં ધરખમ વધારો થયો હતો. ગતરોજ બપોરે કોઝવેનું લેવલ 4.45 મીટર પર હતું પરંતુ રાત્રે પડેલા ભારે વરસાદને કારણે કોઝવેની સપાટી પણ વધી હતી. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. હાલ કોઝવેની સપાટી 5.45 મીટર નોંધાઈ છે. શહેરમાં હજુ પણ ભારે વરસાદની આગાહી વચ્ચે જો હજુ આજે પણ આજ રીતે ધમાકેદાર વરસાદ યથાવત રહ્યો તો કોઝવે ભયજનક સપાટીને વટાવી જશે અને બાદમાં મનપા દ્વારા વાહન ચાલકો માટે સલામતીના ભાગરૂપે કોઝવે બંધ પણ કરી દેવામાં આવશે.

ધોધમાર વરસાદના પગલે ખાડીઓના લેવલ વધ્યા
ગુરૂવાર રાતથી વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલતા ખાડીઓની સપાટી પણ વધી હતી. ગુરુવાર રાત સુધી શહેરમાં તમામ ખાડીઓ તેમની ભયજનક સપાટી કરતા દોઢથી બે મીટર નીચે ચાલતી હતી. પરંતુ છેલ્લા માત્ર 12 જ કલાકમાં પડેલા ભારે વરસાદે શહેરની તમામ ખાડીઓની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. જેમાં ભેદવાડ ખાડી ભયજનક સપાટીની લગોલગ પહોંચી ગઈ હતી તેમજ સીમાડા ખાડી પણ ભયજનક સપાટીના લેવલ પર જ આવી જતા ખાડીકિનારે વસનારા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

ખાડીખાડી લેવલ (સાંજે 8 વાગ્યા સુધી)ભયજનક સપાટી
કાકરા5.508.50
ભેદવાડ6.206.75
મીઠી7.409.45
ભાઠેના5.208.25
સીમાડા4.504.50

Most Popular

To Top