Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) સુરતમાં ગણેશ વિસર્જનની (Ganesh Visarjan) પ્રક્રિયા મોડી રાત સુધી ચાલતી રહી હતી. એક તરફ શહેરમાં નાની મૂર્તિઓનું ખૂબજ સરળતાથી વિસર્જન કરાયું હતું તો બીજી તરફ મોટી પ્રતિમાઓના વિસર્જનમાં વધુ સમય લાગી રહ્યો હતો. રાત્રિના 10 વાગ્યા સુધી લગભગ 65 હજાર પ્રતિમાઓનું કૃત્રિમ તળાવ, ઘર આંગણે તેમજ ડુમસ, હજીરા અને મગદલ્લા ઓવારા પર વિસર્જન થઈ ચુક્યુ હતું. ડુમસ, હજીરા અને મગદલ્લા ઓવારા પર રાત્રે 10 વાગ્યા સુધીમાં લગભગ 6000 પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.

બુધવારે મોડી રાત્રે વિસર્જનમાં શહેરના કેટલાય ગ્રૂપ જોડાયા હતા. જોકે સવાર થતાંજ શહેરના રસ્તાઓ સુનસાન જોવા મળ્યા હતા. બપોરે 3 વાગ્યા સુધી શહેરના રિંગરોડ, કોટસફીલ રોડ, નવસારી બજાર, મક્કાઈ પુલનો વિસ્તાર સુનસાન દેખાઈ રહ્યો હતો. એકલ દોકલ પ્રતિમાઓ હોવાથી અહીં વાહનોની અવર જવર સામાન્ય રહી હતી. જોકે બપોર પછી સાંજના સમયે મોટી પ્રતિમાઓનું જુલૂસ નિકળ્યું હતું. જેમાંની મોટા ભાગની પ્રતિમાઓ હજીરા પહોંચી હતી. અહીં વિસર્જન મોડી રાત સુધી ચાલ્યું હતું.

સૌથી વધુ વિસર્જન હજીરામાં
મોટી પ્રતિમાઓમાં સૌથી વધુ વિસર્જન હજીરા એસ્સાર બોટ પોઈન્ટ પર કરાયું હતું. અહીં રાત્રિના 10 વાગ્યા સુધી 4600 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. જ્યારે ડુમસ ઓવારા ખાતે 316 અને મગદલ્લા ઓવારા ખાતે 951 પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. હજીરા ખાતે વધુ પ્રતિમાઓના વિસર્જનને કારણે શહેરના સરદાર બ્રિજ, અડાજણ, પાલ વિસ્તારમાં મોડી રાત સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

વિસર્જન યાત્રા પુરી થતા જ 3000 સફાઈકર્મી મોડી રાતથી સાફસફાઈમાં જોડાયા
સુરત: ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન શહેરના રસ્તા પર ખૂબ જ કચરો થતો હોવાથી મનપા દ્વારા સફાઈ કરવા માટે સફાઈકર્મીઓની ટીમ રાતથી જ ઉતારી દેવામાં આવી હતી. ગણેશ વિસર્જન યાત્રા બાદ 2800થી 3000 સફાઈકર્મીની ટીમ ઉતારવામાં આવી હતી. તેમજ 25 સ્વીપર મશીનો પણ કાર્યરત કરાયાં હતાં. 100 વાહનો કચરા માટે મૂકી દેવાયાં હતાં. વિસર્જન યાત્રા જેમ જેમ પૂર્ણ થતી જતી હતી તેમ તેમ શહેરના મુખ્ય રસ્તા પર મનપાના 3000 જેટલા સફાઈ કર્મચારીઓ સફાઈકામમાં જોડાઈ ગયા હતા. અને રસ્તા પર પડેલા પ્લાસ્ટિક વેસ્ટ તેમજ અન્ય તમામ કચરાની સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને વહેલી સવારે શહેરના તમામ રસ્તા સાફ કરી દેવાશે તેમ જાણવામાં આવ્યું હતું. શહેરના રસ્તા પરથી તેમજ કૃત્રિમ તળાવ અને ઓવારા પરથી મોડી રાત સુધીમાં 125 મેટ્રીક ટન જેટલો કચરો એકત્રિત કરાયો હતો.

To Top