SURAT

ગણેશજીના ત્રિશુળના લીધે પુણા ગામના યુવકને જોરદાર કરંટ લાગ્યો

સુરતઃ સુરત શહેરમાં વિસર્જન યાત્રા દરમિયાન એક આઘાતજનક ઘટના બની છે. અહીંના ઓમનગર વિસ્તારમાં એક યુવકને ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન કરંટ લાગ્યો છે. આ યુવક ગણેશ પ્રતિમાની લારી ખેંચી રહ્યો હતો ત્યારે તેને કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં તાત્કાલિક યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટના આજે સવારે ભાઠેના વિસ્તારમાં બની હતી. પુણા ગામના એક ગણેશ મંડળની વિસર્જન યાત્રા અહીંથી પસાર થઈ રહી હતી. અનવર નગર બકરી મંડી પાસે હાઈ ટેન્શન વાયર પાસેથી પ્રતિમા પસાર કરવામાં આવી રહી હતી ત્યારે ગણેશ મૂર્તિ સાથેના ત્રિશૂળમાંથી હાઈ ટેન્શન વાયરનો કરંટ પસાર થયો હતો, જેના લીધે પ્રતિમાની લારી ખેંચતા યુવકને ઝટકો આપ્યો હતો.

આ ઘટના બની ત્યારે બે યુવકો લારી ખેંચી રહ્યાં હતાં, પરંતુ એક યુવકે લાકડું પકડ્યું હતું ત્યારે બીજા યુવકે લોખંડ પકડ્યું હતું. લોખંડ પકડ્યું હતું તે યુવકના શરીરમાંથી જોરદાર કરંટ પસાર થયો હતો અને રસ્તા પર નાનું કાણું પડી ગયું હતું એમ નજરે જોનારાઓ પાસેથી જાણવા મળ્યું છે.

ઘટના બનતા જ મંડળમાં ભાગદોડ મચી ગઈ હતી. મંડળના અન્ય યુવકોએ ઈજાગ્રસ્ત યુવકને ઉંચકીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. યુવકની હાલત સ્થિર પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top