Science & Technology

ભારતની સફળતાથી ચીનને થઇ ઇર્ષા, કહ્યું- ‘ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતારવાનો ભારતનો દાવો ખોટો’

નવી દિલ્હી: આજે જયારે ભારત (India) ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રની નજીકમાં સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. ત્યારે આ સફળતાથી નાખુશ એવા ચીને (China) ભારતનો દાવો ખોટો ગણાવ્યો છે. બુધવારે ચીનના પ્રથમ ચંદ્ર મિશનના મુખ્ય વૈજ્ઞાનિક ઉયાંગ જિયુઆને કહ્યું હતું કે ચંદ્રયાન-3ને (Chandrayaan-3) ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતારવાનો ભારતનો દાવો ખોટો છે. જયારે ભારતના ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું, ત્યારે ભારત અને ભારતીય સ્પેસ એજન્સીને આ સફળતા માટે નાસાથી લઈને યુરોપિયન સ્પેસ એજન્સીઓએ શુભેચ્છાઓ આપી હતી.

ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ લેન્ડિંગ પછી કહ્યું કે, તેમનું ચંદ્ર મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક લેન્ડ થઈ ગયું છે. પરંતુ ચીનના વૈજ્ઞાનિકોએ આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે ભારતનું ચંદ્ર મિશન દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં નહીં પણ ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં લેન્ડ હતું. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના સભ્ય ઓઉયાંગે અકેડેમીના સત્તાવાર સાયન્સ ટાઈમ્સ અખબારને જણાવ્યું કે,’ચંદ્રયાન-3નું લેન્ડિંગ સાઈટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નથી, ન તો તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશની અથવા આર્ક્ટિક ધ્રુવ પ્રદેશની નજીક લેન્ડ થયું છે.’ તેમણે અખબારને જણાવ્યું હતું કે, ભારતનું રોવર આશરે 69 ડિગ્રી દક્ષિણના અક્ષાંશ પર લેન્ડ હતું. તે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં લેન્ડ હતું નહીં કે દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં, જે અક્ષાંશ 88.5 અને 90 ડિગ્રી વચ્ચે આવેલું છે. પૃથ્વી જે ધરી પર સૂર્યની આસપાસ ફરે છે તે 23.5 ડિગ્રી ઝુકેલી છે, તેથી દક્ષિણ ધ્રુવને 66.5 અને 90 ડિગ્રીએ દક્ષિણની વચ્ચે માનવામાં આવે છે. પરંતુ ઓયાંગે દલીલ કરી હતી કે ચંદ્રનો ઝુકાવ માત્ર 1.5 ડિગ્રી હોવાથી, તેનો ધ્રુવીય પ્રદેશ ખૂબ જ નાનો (88.5 અને 90 ડિગ્રીના અક્ષાંશો વચ્ચે) છે.

યુરોપીયન સ્પેસ એજન્સીનું પણ કહેવું છે કે ચંદ્રયાન-3 જ્યાં લેન્ડ થયું તે દક્ષિણ ધ્રુવ નથી. ચંદ્રનો દક્ષિણ ધ્રુવ શેકલટન ક્રેટરના કિનારા પર છે, જેના કારણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવું અતિ મુશ્કેલ છે. ત્યાં અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ 80 થી 90 ડિગ્રી દક્ષિણને ચંદ્રનો દક્ષિણ ધ્રુવ ગણાવ્યો છે. નાસાની વ્યાખ્યા મુજબ, ચંદ્રયાન-3 ધ્રુવીય ક્ષેત્રની બહાર પરંતુ અગાઉના ચંદ્ર મિશન કરતાં ઊંચા અક્ષાંશ પર ઉતર્યું હતું. નાસાના પ્રમુખ બિલ નેલ્સને ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર એક ટ્વિટમાં કહ્યું હતું કે ‘ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે ઇસરોને અભિનંદન’.

હોંગકોંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક લી મેન-હોઈએ જણાવ્યું હતું કે, ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણી અક્ષાંશની સૌથી નજીક પહોંચી ગયું છે, તે આ પહેલા ચંદ્ર પર ઉતરેલા તમામ લેન્ડર્સની આગળ નીકળી ગયું છે. તેમણે કહ્યું કે તેને ‘ઉચ્ચ અક્ષાંશ સ્થળ’ કહી શકાય છે. ચીનના 2019ના ચંદ્ર મિશન અંગે લીએ કહ્યું કે, જો સરખામણી કરીએ તો ચીનનું મિશન Chang’e 4 દક્ષિણ ધ્રુવ એટકેન બેસિન નામના ચંદ્રના દૂરના વિસ્તારમાં ઉતર્યું હતું. નામ પરથી તમને લાગતું હશે કે ચીનનું મૂન મિશન દક્ષિણ ધ્રુવની નજીક ઉતર્યું છે, પરંતુ એવું નથી. ચીનનું મૂન મિશન 45.44 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ પર ઉતર્યું હતું. જયારે ભારતનું રોવર આશરે 69 ડિગ્રી દક્ષિણના અક્ષાંશ પર ઉતર્યું હતું. તેથી ભારતે જે પણ કર્યું તેને ઓછું આંકી શકાય તેમ નથી. ભારતની સફળતા એ વિજ્ઞાન અને માનવતાની સિદ્ધિઓની ઉજવણી કરવાની તક છે.

Most Popular

To Top